નેપાળમાં આજકાલ જે ક્રાંતિ ચાલી રહી છે એનું અર્થઘટન જુદી જુદી રીતે થાય છે, પરંતુ મૂળભૂત રીતે સવાલ એ છે કે નેપાળની નવી પેઢીને લાગે છે કે તેમની વર્તમાન સરકાર પ્રજા મિત્ર સરકાર ન હતી. તે સ્વમિત્ર અને સ્વપક્ષ મિત્ર સરકાર હતી. સોશિયલ મીડિયાનો અટકાવ તો એક બહાનું હતું જેણે ચિનગારીનું કામ કર્યું. દુનિયાના જે જે દેશોમાં જે સરકારોએ પ્રજાને તેમના અગ્રતાક્રમના લિસ્ટમાં છેલ્લા ક્રમે મૂકી છે તે શાસકો હવે ટકી શકે એમ નથી. જોકે લોકક્રાન્તિની આ પદ્ધતિ અને પ્રક્રિયાની શરૂઆત ઘણાં વર્ષો પહેલા થયેલી છે. ત્યાર પછી જુદા જુદા અનેક દેશોમાં પ્રજા રસ્તા પર આવી ગયેલી છે. ડોનાલ્ડ ટ્રમ્પના પહેલી વખતના શાસનમાં પણ વ્હાઇટ હાઉસ પર આવો જ હુમલો થયો હતો. અમેરિકાની એ ઘટના આખા જગતમાં બહુ ઝડપથી ફેલાઈ ગઈ હતી અને એનો પ્રભાવ દુનિયાના અનેક દેશોની પ્રજાના સંસ્કારો પર પડયો છે. વધુ જાણીતી ઘટનાઓમાં ભારતના પાડોશી તરીકે અને નજીકના ભૂતકાળમાં શ્રીલંકા અને બાંગ્લાદેશના હજુ સહુને યાદ છે એવા દ્રષ્ટાંતો છે. એ જ ક્રાંતિ હવે નેપાળ પહોંચી છે. આ ક્રાન્તિનો આગળનો પ્રવાસ પણ નક્કી છે. એ નેપાળને જાગતું-જગતુ રાખીને પહોંચી ફ્રાન્સ પહોંચી ગઈ છે અને પાકિસ્તાન અને ઉત્તર કોરિયા તથા હમણાંથી હાલકડોલક થયેલા જાપાનના પ્રવાસે પણ આ ક્રાન્તિ જવાની નક્કી છે.
નેપાળની ક્રાન્તિ છેક ત્યારથી શરૂ થયેલી છે જ્યારે રાજાશાહીનો અંત આવ્યો અને ચીનની કઠપૂતળીઓએ દેશનું શાસન હાથમાં લીધું. આજે નેપાળની જેલમાં સંખ્યાબંધ યુવાન ક્રાન્તિકારીઓ પૂરાયેલા છે જેને ઓલી સરકારે એક પછી એક એમ વીણી વીણીને ખોટા કેસ કરી સજા અપાવેલી છે. અત્યારે નેપાળમાં જે યુવા પેઢી તોફાને ચડેલી છે એ જેન-ઝી જનરેશન છે. ઈ. સ. ૧૯૯૭ થી ૨૦૧૨ દરમિયાન જન્મેલા લોકોને જેન-ઝી તરીકે ઓળખવામાં આવે છે. આ એ પેઢી છે જે દુનિયાનાં સમીકરણો બદલાવી રહી છે. દુનિયાના તમામ દેશોના વડાઓ ચૂપકે ચૂપકે અત્યારે આ પેઢીથી મનોમન ગભરાયેલા છે એટલે એમાંના કેટલાક પ્રબુદ્ધિમાન શાસકો પોતપોતાના દેશમાં જેન-ઝીને વિવિધ ચોકલેટ આપીને રમાડતા રહે છે.
નેપાળની જેન-ઝી પેઢીએ હવે પોતાના નવા શાસક તરીકે સોશ્યલ મીડિયામાં એક નવા ચહેરાની હિમાયત શરૂ કરી દીધી છે. એ છે મિસ્ટર બાલેન્દ્ર શાહ. એમના ચાહકો એમને બાલેન કહીને જ બોલાવે છે. તેઓ અત્યારે કાઠમંડુ મેટ્રોપોલિટન સિટીના મેયર છે. પરંતુ નેપાળના ભૂગર્ભના હિપ-હોપ જગતમાં તેઓ એક સંગીતકાર અને સ્ટાર છે. તેઓ પોતાના ગીતોમાં હંમેશા ભ્રષ્ટાચાર વિરુદ્ધ અને અસમાનતા સામે વિદ્રોહી રચનાઓ રજૂ કરતા રહ્યા છે. નેપાળની ય્ીહ-ઢ પેઢીમાં તેઓ બહુ લોકપ્રિય છે. જો કે નેપાળમાં બધું ઠરીઠામ થતાં હજુ ઘણો સમય લાગશે. ચીનની હાલત અત્યારે વિચિત્ર પ્રકારની છે. નેપાળમાં ચીને રોકાણ કરેલું છે. ચીને એના સ્વભાવ પ્રમાણે આખા એશિયામાં ટુકડાઓ ફેંક્યા છે અને એમાંથી નેપાળ પણ બાકાત નથી. નેપાળની સીમાઓ એક સમયે ચીન માટે ખુલ્લી હતી અને નેપાળ ચીનની એડી તળે એટલી હદે દબાવા લાગ્યું હતું કે નેપાળના ભારત સાથેના સંબંધો અને સંબંધિત વિદેશનીતિ પણ બેજિંગથી જ નક્કી થતી હતી.
ચીનના વ્યૂહાત્મક દેવા હેઠળ હજુ પણ નેપાળ દબાયેલું તો છે જ. ઓલીની સરકારે તકેદારી અને સાવધાની રાખીને ચીનને સૂક્ષ્મ અર્થમાં તે દેશના આંતરિક મામલાઓમાંથી જો હદપાર કરી દીધું હોત તો તેમના પતનની આ નોબત ન આવત. છેલ્લા કેટલાક વરસોથી ભારતનું આંતરરાષ્ટ્રીય પ્રભુત્વ વધી ગયું છે. બ્રિટન જેવા કેટલાક રાજનીતિજ્ઞા ભારતશત્રુઓએ ભારત વિરુદ્ધ અપપ્રચાર સતત ચાલુ રાખ્યો હોવા છતાં ભારતની હવે કોઈ દેશ ઉપેક્ષા કરી શકે એમ નથી. એ વાત નેપાળને પણ સારી રીતે હવે સમજાઈ ગઈ છે. એનું કારણ લોન આપ્યા પછી ચીને કરેલા વ્યાજદરના વધારાઓ છે. પરંતુ આ બધી સમજણને અમલવારીના પ્લેટફોર્મ પર લાવવામાં નેપાળના શાસકોએ બહુ પ્રમાદ રાખ્યો હોવાથી એની સરકાર ધ્વસ્ત થઈ ગઈ અને ગંભીર આંતરરાષ્ટ્રીય આર્થિક પરિદ્રશ્ય વચ્ચે ઘર આંગણે નવી રાજવ્યાધિ ઊભી થઈ ગઈ. હવે આ ક્રાન્તિ અહીં કાબૂ બહાર છે. ઉદ્યોગો અને બેન્કો સલામત રહ્યા નથી. આ ક્રાન્તિમાંથી નવા ચહેરાનો અભ્યુદય થવામાં જેટલો વિલંબ થશે એટલો દેશ વધુ ને વધુ પતન પામતો જશે.


