દુનિયાભર માટે આ વિકટ યુગની શરૂઆત છે. માત્ર કોરોનાથી કે અખાતી યુદ્ધોથી કે ઈતર અથડામણોથી એ સમજાઈ નથી. કારણ કે આ પાંચ પગલા આગળ વધી ગયેલા ને અરધે પહોંચેલા ત્રીજા દાયકામાં અનેક પ્રજાઓ સંઘર્ષમાંથી પસાર થઈ છે અને હજુ થવાની છે. એનું કારણ માત્ર રાજનેતાઓ કે રાજકારણ નથી. પરંતુ માણસ સંપીને શાંતિથી રહેતા અને સમાજના બીજા સમુદાયોને સુખ આપવાનું ભૂલી ગયો છે. સ્વકેન્દ્રિતા એટલી બધી વધી ગઈ છે કે જ્ઞાતિ જાતિ પ્રમાણે દરેક સમુદાયને હવે પોતાના વિશેષ અધિકારોની જરૂર પડી છે. આ એક પ્રકારની મૂર્ખતા છે અને એ સમાજને વિઘટન તરફ લઈ જાય છે. છતાં એમ માનવાને કોઈ કારણ નથી કે સમાજમાં ડહાપણ ભરેલા વિદ્વાનો અને મહાપુરુષો નથી. છે, પરંતુ અલ્પ સંખ્યામાં છે. એને કારણે એમનો અવાજ બહુ પાતળો પડી ગયો છે. અને સંખ્યા બળને કારણે મૂર્ખતાનો ધ્વનિ બહુ ઘેઘૂર થઈ ગયો છે. જેના પરિણામો હવેના સમયમાં સમાજે ભોગવવાના આવશે. ઈઝરાયેલ અને હમાસ વચ્ચેની ખાઈ હૃદયની રંકતામાંથી સર્જાયેલી છે.
સમગ્ર મહાભારત જે એક વાક્યમાંથી ઉદભવ્યું છે તે હસ્તિનાપુરના સિંહાસન પર અર્ધયોગ્યતાએ આરૂઢ થયેલા ધૃતરાષ્ટ્રની બુદ્ધિમત્તામાં સર્જાયેલા ભેદ પર આધારિત છે. ધૃતરાષ્ટ્રએ મામકા: અને પાંડવા: એવો જે ભેદ કર્યો એ વિચારધારા જ મહાભારતના યુદ્ધના મૂળમાં છે. પોતાના અને પારકાનો ભેદ માણસજાતને બહુ પીડા આપે છે. દુનિયાના બધા જ દેશોમાં અત્યારે આ રોગગ્રસ્તતા ફેલાઈ ગઈ છે. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એની પહેલી ટર્મ વખતે જ્યારે અમેરિકા ફર્સ્ટનો શંખનાદ ફૂંક્યો હતો ત્યારે એનો અર્થ માત્ર અમેરિકા માટેનો જ હતો પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પની વાણીમાં દુનિયાભરના વિવિધ દેશોના શાસકોની મનોવૃત્તિમાં જે સ્વાર્થપરક પરિવર્તન આવી રહ્યું છે તેનો એ પ્રથમ ઉદઘોષ હતો.
એટલે કે એનો અર્થ સમાંતરે એમ પણ થાય કે જર્મીનીમાં જર્મન ફર્સ્ટ, રશિયામાં રશિયન ફર્સ્ટ અને ઈંગ્લેન્ડમાં ઈંગ્લિશ ફર્સ્ટ... આ રીતે કુંઠિત થતી જતી મનોવૃત્તિ હવે ત્યાં સુધી પહોંચી છે કે કોઈપણ દેશમાં ઈતર નાગરિકો માટેના દરવાજા લોખંડી બની ગયા છે જે અગાઉ પણ કોરોનાને બહાને પણ ઝડપથી બંધ થઈ ગયા હતા. એ જ રીતે પોતાના નાગરિકો જે બીજા દેશમાં છે એને પોતાને ત્યાં અથવા સલામત સ્થળે ખસેડવાની પ્રવૃત્તિ પણ ચાલુ થયેલી છે. ભારત આ પૃથ્વી પર જ આવેલો એક દેશ છે, ભારત બ્રહ્માંડના કોઈ અલગ ગ્રહ પર આવેલો નથી, એટલે આ જ બદલાયેલા વાતાવરણનો પડછાયો ભારતીય શાસકો અને પ્રજા પર પડવો સ્વાભાવિક છે.
શાસકો તો હંમેશા કસોટીમાંથી પસાર થતા હોય છે. જે દિવસે રાજાની સવારી નીકળે તે જ દિવસ પૂરતો જ એનો ઠાઠમાઠ હોય છે. પરંતુ રાજમહેલની અંદરની આધિ, વ્યાધિ અને ઉપાધિઓ તો એની રાજસભા જ જાણતી હોય છે. શાસકો દેખાય છે ચક્રવર્તી પરંતુ દુર્ભાગ્યે એમના ચિત્તની હાલત પણ ચક્રની જેમ ચડતી અને પડતી હોય છે. કેટલોક સમય ઈતિહાસમાં એવો પણ આવેલો છે કે જ્યારે શાસકોની તુલનામાં પ્રજાની કસોટી અધિક હોય. ભારત સરકારે દાખલ કરેલા કેટલાક નવા અધિનિયમોને કારણે ભારતનું જનજીવન ડહોળાઈ જાય એમ ઈચ્છનારો એક વર્ગ છે. પરંતુ એની સામે ભારતીય પ્રજા કેટલુ ડહાપણ દાખવે છે એ પ્રજાની પોતાની કસોટીનો વિષય છે. કેટલાક ઐતિહાસિક નિર્ણયો કોઈ પણ દેશમાં તરત જ સાચા-ખોટાના ત્રાજવે તોલવાનું શક્ય હોતું નથી. ઘણાંબધા નિર્ણયો એવા હોય છે કે જેને બૌદ્ધિક કસોટીઓમાં તોલી શકાય નહીં. પરંતુ સમયની લાંબી પગથારે જ એનું મૂલ્ય આંકી શકાય.
એક તો દુનિયાભરમાં તંગદિલીની શરૂઆત થઈ છે. ૨૧મી સદીના આ ત્રીજા દાયકામાં અમેરિકા અને ઈરાન વચ્ચે સર્જાયેલા મતભેદના હતા. એટલે કે દુનિયાના અનેક દેશો વચ્ચે પરસ્પર યુદ્ધખોર માનસ નવા દાયકાના પ્રારંભથી જ સક્રિય થઈ ગયું હતું. સાથોસાથ દુનિયાના કેટલાક દેશો એવા છે કે જેમાં આંતરિક વિઘટન પણ આકાર લઈ રહ્યું છે. જેમ કે આ નવા દાયકા દરમિયાન જ પાકિસ્તાનથી બલુચિસ્તાન છૂટું પડી જવાનું છે. માલદિવના ટાપુઓની સ્વતંત્રતા લુપ્ત થઈ જવાની છે. રશિયામાં લોકશાહીની ભૂખ એટલી ઊઘડેલી છે કે ત્યાં ગમે ત્યારે ક્રાંતિનો જ્વાળામુખી ફરીવાર ફાટી નીકળવાનો છે. ગ્લાસનોસ્ત અને પેરેસ્ત્રોઈકાએ સંયુક્ત રશિયાના ટુકડા કર્યા પરંતુ તે અપૂરતા સાબિત થયા. કારણ કે રશિયાનો સામ્રાજ્યવાદી આત્મા તો એનો એ જ રહ્યો. યુક્રેન યુદ્ધ એનું જ પરિણામ છે. રશિયન પ્રજા હવે એનો આત્મા બદલાવવા ચાહે છે. એને અમેરિકા જેવી લોકશાહીની વાસંતિક મોસમની તાત્કાલિક જરૂર છે.


