Get The App

આધુનિક ભારતના આર્કિટેક્ટ

Updated: Oct 11th, 2024

GS TEAM

Google News
Google News
આધુનિક ભારતના આર્કિટેક્ટ 1 - image


સ્વપ્નદ્રષ્ટા હોવું એક બાબત છે અને તે સ્વપ્નોને સાકાર કરી બતાવવા બીજી બાબત છે. પોતાનાં સપનાં જ એટલાં વિશાળ હોય કે જેમાં બીજા કરોડો લોકોના સુખ સમાઈ જતાં હોય અને તેને સાકાર કરવા પ્રતિબદ્ધ હોવું એટલે રતન તાતા. દેશના સોશિયલ મીડિયામાં રતન તાતાને અંજલિ આપવાનો પ્રલય થયેલો છે. આ એ લોકો અંજલિ આપે છે જેમણે કદી એમને જોયા પણ નથી ને ન તો તેમની કોઈ કંપનીમાં કામ કર્યું છે. એક ભારતીય ઉદ્યોગપતિને ચિરવિદાય વેળાએ પ્રાપ્ત આ સ્વયંભૂ શોકાંજલિ જ એમની મહાનતાનો હિમાલયન પુરાવો છે. ઉદ્યોગપતિઓની ભીડમાં તેઓ અનોખા હતા અને એટલે અલગથી એકલા હતા. છતાં કરોડો લોકોના હૃદયમાં તેમના પ્રત્યે કેટલો આદર હતો તે દુનિયાને હવે ખબર પડી છે. પૈસા અને સંપત્તિના નિર્માણ સાથે જેઓ પ્રતિષ્ઠાનું નિર્માણ ભૂલી જાય છે તેમને માટે રતન તાતાનું સંપૂર્ણ જીવન એક ઉપદેશ છે.

એ તો જુઓ કે આ ઉદ્યોગપતિ પર લોકો એ રીતે સન્માનનો અભિષેક કરી રહ્યા છે જાણે કે એમણે આખી જિંદગી માત્ર લોકસેવા જ ન કરી હોય! એમના હૃદયની ભાવનાઓને આખું ભારત સમજતું હતું અને એટલે જ સહુ કોઈને એક પોતાના સ્વજન ગુમાવ્યા જેવો આઘાત અનુભવાય છે. તેઓ ભારતીય કોર્પોરેટ જગતનો આંતરરાષ્ટ્રીય ચહેરો હતા અને કોર્પોરેટ સૌજન્ય મૂર્તિ કેવી હોય એનો તેઓ સાક્ષાત્ જવાબ હતા. ફક્ત ચારેક બિલિયન ડોલરની તેની કંપનીને તેઓ સેંકડો બિલિયન ડોલરની વેલ્યુએશન સુધી પહોંચાડવામાં સફળ થયા. માત્ર કોર્પોરેટ સફળતા નહીં, પણ આધુનિક ભારતનું નવનિર્માણ. તાતા ગુ્રપના આ દેશ માટેના અભૂતપૂર્વ યોગદાનની એક સંપૂર્ણ સૂચિ બનાવવી પણ લગભગ અશક્ય છે. બોર્ડરૂમ ડીલ અને કોન્ફરન્સ મીટિંગ કરીને ઉદ્યોગો ચલાવનારા હજારો ઉધોગપતિઓ આ દેશમાં છે. રતન તાતાએ વિચારોને ઉદ્યોગોમાં તબદિલ કર્યા, વાણિજ્યની નીતિમત્તાને પુનઃ વ્યાખ્યાયિત કરી, નવી પેઢીઓ માટે એક જ્વલંત દ્રષ્ટાંત પૂરું પાડયું અને ભારતને ગ્લોબલ પ્લેટફોર્મ ઉપર મૂક્યું.

કોર્પોરેટ ક્ષેત્રમાં પણ હૃદય સતત ધબકતું રહી શકે છે અને પોતાની દરેક પ્રવૃત્તિમાં માનવીય અભિગમ તથા ઉચ્ચ મૂલ્યો સાથે રાખી શકાય છે. રતન તાતાએ ઈ. સ. ૧૯૯૧ માં ટાટા ગુ્રપના ચેરમેન તરીકે જવાબદારી સંભાળી. એ જ વર્ષે ભારત આર્થિક રીતે સ્વતંત્ર થયું. નરસિંહ રાવની સરકારે ભારતના બંધ આર્થિક દરવાજા દુનિયા માટે ખોલી આપ્યા. રતન તાતાએ તે તકનો ટાટા ગુ્રપ માટે અને દેશના વિકાસ માટે જે સરસ રીતે ઉપયોગ કર્યો તે ઇતિહાસ બની ગયો. રતન તાતા મુક્ત મનના ઉદ્યોગપ્રેમી હતા. તેઓ બાપ-દાદાની ગાદી ઉપર કંઈ વિચાર્યા વિના બેસી જનારી વ્યક્તિ ન હતા. તેઓ જ્યારે ટાટા કંપનીના સર્વેસર્વા બન્યા ત્યારે ટાટાની પ્રમુખ ઇન્ડસ્ટ્રી સ્ટીલ અને ઓટોમોબાઇલ હતી. એસ.ટી.ની બસો ટાટા બનાવે. રતન તાતાએ કંપનીના પોર્ટફોલિયોનું જબરદસ્ત વિસ્તરણ કર્યું.

જેમ ભારતની પ્રજામાં વૈવિધ્ય જોવા મળે એમ ટાટાની પેટા કંપનીઓમાં ગજબનાક વિવિધતા લાવી. રતન તાતા પ્રથમ ઉદ્યોગપતિ હશે જે ઉદ્યોગને દેશ કરતાં અલગ ગણતા નહીં. જુદા જુદા ઉદ્યોગો તો એકબીજા સાથે જોડાઈને દેશવાસીઓ માટે લાઇફલાઈન બની શકે - એવું તેઓ માનતા. તેમણે જુદા જુદા ઉદ્યોગોની શરૂઆત કરી અને અમુક અપવાદ સિવાય બધામાં સફળતા મેળવી, જેને કારણે દેશના વિકાસને વેગ મળ્યો. તેમની પ્રથમ મહત્ત્વની સક્સેસ સ્ટોરી ગણવી હોય તો ટાટા મોટર્સ ગણી શકાય. રતન તાતાની દૂરંદેશી ટાટા ઇન્ડિકાના લોન્ચિંગ માટે કારણભૂત નીવડી. ઇન્ડિકાની મોટા પાયે સફળતા એ ફક્ત કોઈ ઉદ્યોગને મળેલી સફળતા ન હતી, પણ એ ગાડી દુનિયાને ભારતની સાબિતી હતી કે ભારત પોતે કોઈની પણ મદદ વિના સંશોધન કરી શકે છે, ઉત્પાદન કરી શકે છે અને વિશ્વના મોટા પ્રતિસ્પર્ધીઓ સાથે સ્પર્ધામાં ઉતરી શકે છે.

શરૂઆતમાં આંશિક સફળતા મળી, પણ વિશ્વ સ્તરે તેના પડઘા એટલા મજબૂત પડયા કે ટાટાએ ભારત ખાતે જેગુઆર અને લેન્ડ રોવરને હસ્તગત કરી લીધી. આ એ જ ગાડી છે જેમાં વર્તમાન વડાપ્રધાન મુસાફરી કરતા દેખાય છે. ગાડીઓ બનાવવાની શરૂઆત નાની હતી, પણ ગ્લોબલ સ્તરની ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીમાં ભારતનું નામ થઈ ગયું. ટાટા સ્ટીલે તો ઈ. સ. ૨૦૦૭ માં કોરસને હસ્તગત કરીને ઇતિહાસ રચ્યો. સ્ટીલ ઉત્પાદનમાં ભારતનું નામ વૈશ્વિક સ્તરે મુકાયું. રતન તાતાને જુદી જુદી ઇન્ડસ્ટ્રી એક્વાયર કરીને ભેગી કરવાનો શોખ ન હતો. તેમની ફિલસૂફી અને આગ્રહ સરખા હતા કે પ્રોડક્ટ ગમે તેવી મહાન કે આંતરરાષ્ટ્રીય હોય, પણ તેનો ફાયદો સાવ સાધારણ માણસને પણ મળવો જોઈએ.

Tags :