સહુને જંગલ સફારી ગમે છે. ઘટાટોપ વનની વચ્ચે પૂરપાટ વહેતી નિર્મળ નદીના મીઠા નીરને કાંઠે એક રાત પસાર કરવી એ એક લ્હાવો છે, પરંતુ એ જંગલને ધબકતું કે જીવંત રાખવામાં મનુષ્ય નિષ્ક્રિય છે. લગભગ સાડા ચાર દાયકા પહેલાં, જ્યારે વિશ્વની સામે પર્યાવરણ એક નિકટવર્તી કટોકટી તરીકે ઉભરી રહ્યું હતું, ત્યારે ભારતમાં 'વન (સંરક્ષણ) અધિનિયમ-૧૯૮૦' લાગુ કરવામાં આવ્યો હતો. આજે પરિસ્થિતિ એનાથી વધુ વિકટ છે. વિકાસની અબૌદ્ધિક દોડ સામે હવે પર્યાવરણ ગાયબ થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં, પર્યાવરણને અનુકૂળ કાયદાઓથી કોઈ બચતું નથી તે સ્વાભાવિક છે. જંગલોનો પક્ષ લેનારી અને જંગલો વતી વકીલાત કરનારી એનજીઓ પણ ભારતમાં ક્વચિત જ બોલે છે. એનો અવાજ પણ શાસકો કે પ્રજાને સંભળાતો નથી, ભક્તો તો વિચારશૂન્ય છે અને બુદ્ધિજીવી તટસ્થ નાગરિકોનું જંગલો તરફ ધ્યાન જ નથી. એને કારણે વન સંરક્ષણ હવે વન સંભક્ષણ બની રહ્યું છે.
આને કારણે દેશના સમૃદ્ધ પ્રાકૃતિક સંપદા સમાન જંગલો હવે સરકારી છૂટછાટ ધરાવતા અધિનિયમોથી જોખમમાં મૂકાયા છે. અગાઉ લોકસભામાં ફોરેસ્ટ (સંરક્ષણ) સંશોધન બિલ ૨૦૨૩ પસાર કરવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ્ય વન (સંરક્ષણ) અધિનિયમ, ૧૯૮૦માં નોંધપાત્ર ફેરફારો લાવવાનો છે. ભારતમાં જંગલોના રક્ષણ માટે આ એક મહત્વપૂર્ણ કેન્દ્રીય કાયદો છે. સંયુક્ત સંસદીય સમિતિએ આ કાયદા સાથે સંબંધિત સુધારાઓને મંજૂર કરી દીધા. સમિતિએ આ બિલમાં કોઈ ફેરફાર સૂચવ્યો નથી. એક અહેવાલ અનુસાર, આ અંગે આદિવાસીઓ દ્વારા દાખલ કરવામાં આવેલા વાંધાઓને સમિતિએ સંપૂર્ર્ણપણે ફગાવી દીધા. અને એનો કોઈ વિવાદ પણ થયો નથી. સંયુક્ત સંસદીય સમિતિના અહેવાલમાં વન (સંરક્ષણ) અધિનિયમ-૧૯૮૦માં સુધારા માટેના પ્રસ્તાવિત બિલનું પહેલા તો કલમ-વાર વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આ ક્રમમાં, ભારત સરકારના ઓછામાં ઓછા ૧૦ મંત્રાલયો પાસેથી સૂચનો અથવા માહિતી મંગાવવામાં આવી હતી.
આ ઉપરાંત, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને તેલંગાણા જેવાં રાજ્યોના નિષ્ણાતો, વ્યક્તિઓ અને જાહેર સંસ્થાઓ પાસેથી પણ વાંધા કે અભિપ્રાય માંગવામાં આવ્યા હતા. સંપૂર્ણ તપાસ બાદ સમિતિને પોતાની મનઘડંત રીતે જ જાણવા મળ્યું છે કે આ બિલને લઈને રાજકીય પક્ષો, સામાજિક સંગઠનો અને આદિવાસી કાર્યકર્તાઓ અને પત્રકારોની ચિંતાઓ પાયાવિહોણી છે. સમિતિની બધિરતાએ આ બિલને આગળ ધપવા માટેનો માર્ગ સિંગલ પટ્ટીમાંથી ફોરલેન કરી આપ્યો હતો. જોકે નેશનલ કમિશન ફોર શેડયુલ્ડ ટ્રાઈબ્સે ફોરેસ્ટ (સંરક્ષણ) એક્ટ-૧૯૮૦માં સૂચિત સુધારાઓને આદિવાસીઓના હિત માટે ઘાતક ગણાવ્યા હતા, પરંતુ સમિતિએ એમાંય આપખુદી અભિગમ દાખવી કહ્યું કે અમને આવી કોઈ આશંકા માટે કોઈ આધાર મળ્યો નથી.
સમિતિમાં સમાવિષ્ટ કેટલાક સાંસદોએ આ બિલની જોગવાઈઓ સામે વાંધો નોંધાવ્યો હતો, પરંતુ સમિતિનો અંતિમ અહેવાલ આ બિલને મંજૂરી આપનારો જ નીવડયો છે. રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના તત્કાલીન વડા હર્ષ ચૌહાણે અગાઉ આ બિલની પૂર્વ ભૂમિકા જેવા 'ફોરેસ્ટ કન્ઝર્વેશન રૂલ્સ-૨૦૨૨' સામે વાંધો ઉઠાવ્યો હતો, પરંતુ એના પરિણામરૂપે ભારે દબાણ કરીને તેમને રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી હતી. તેમણે મેદાન છોડીને જવું પડયું. એમનો અવાજ સત્યનિષ્ઠ અને ક્રાન્તિકારી તથા મૂળ વનવાસીઓની તરફેણ કરનારો હતો. જ્યારે શાસક પક્ષે સંસદમાં મહત્ અંશે વિરોધ પક્ષોની દખલગીરી અટકાવી દીધી છે, ત્યારે તેણ ચર્ચા ર્વિના સરકારી કામકાજ પણ ચાલુ રાખ્યું હતું.
આશ્ચર્યજનક રીતે, બિલ સંસદમાં રજૂ થયા પછી, સરકારે તેને બંને ગૃહોના સભ્યોની બનેલી 'સંયુક્ત સંસદીય સમિતિ' પાસે મોકલ્યું. આ પણ, જ્યારે 'પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય' સંબંધિત તમામ મુદ્દાઓ માટે સંસદની 'સ્થાયી સમિતિ' પહેલેથી જ છે. સવાલ એ થાય છે કે પછી સરકારે તેની અવગણના કેમ કરી? સ્થાયી સમિતિના અધ્યક્ષ અને ભૂતપૂર્વ પર્યાવરણ મંત્રી જયરામ રમેશે આ પ્રક્રિયાને અભૂતપૂર્વ અને સ્થાયી સમિતિની જોગવાઈઓનું ઉલ્લંઘન ગણાવીને તેની સામે સખત વાંધો વ્યક્ત કર્યો હતો. આ બિલને પરિણામે આદિવાસીઓ પાસેથી જંગલ, આજીવિકા અને આવાસ છીનવી લેવાની અને દેશના જંગલોને વિનાશ તરફ દોરી જવાની સ્થિતિ આવશે. વનવાસીઓનું અકારણ સ્થાનાંતરણ, નદીઓ, ભૂગર્ભ જળ, માછીમારી, જંગલી પ્રાણીઓ અને પર્વતો, માટી અને પ્રકૃતિ જેવા દરેક અનેક સંસાધનોનો આ બિલને કારણે વિનાશ થશે.
દેશમાં માત્ર ઈ. સ. ૨૦૧૫ અને ઈ. સ. ૨૦૨૦ વચ્ચે જ ૬,૬૮,૪૦૦ હેક્ટર જંગલનો નાશ થયો છે. કાગળ પર ભારતનું વન આવરણ ૭૭ મિલિયન હેક્ટર હોવાનું કહેવાય છે, જ્યારે પર્યાવરણ સંશોધકો કહે છે કે માત્ર ૫૧ મિલિયન હેક્ટર બાકી છે. મધ્યપ્રદેશમાં લગભગ ૩૦ લાખ હેક્ટર જંગલ વિસ્તાર ગાયબ છે. સત્તાવાર માહિતીમાં જાણવા મળ્યું છે કે ૫ વર્ષમાં ૮૮,૯૦૫ હેક્ટર વન વિસ્તાર બિન-જંગલ હેતુઓ માટે ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. આમાંના મોટા ભાગના હાઇવે અને ખાણો માટે ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.


