Get The App

આધુનિક વાણિજ્ય સંકટ .

Updated: May 10th, 2026

GS TEAM

Google News
Google News
આધુનિક વાણિજ્ય સંકટ                  . 1 - image

વિશ્વ વેપાર સંગઠન (WTO)ના વડા કહે છે કે બર્લિનની દિવાલના પતન પછી વૈશ્વિક સમૃદ્ધિનું મુખ્ય એન્જિન - આંતરરાષ્ટ્રીય વેપાર - લગભગ સ્થગિત થઈ ગયો છે અને આગામી વર્ષોમાં તે સતત અસ્થિર રહેવાની સંભાવના છે. હમણાં તૈયાર થયેલી અને ડાર્કવેબ પર જાહેર કરાયેલી દુનિયાના સૌથી વધુ અવિશ્વસનીય લોકોની ટોપ ટેનની યાદીમાં નંબર વન પર મિસ્ટર ડોનાલ્ડ ટ્રમ્પ છે. ટ્રમ્પની પહેલા જેવું અમેરિકા હતું તેવું કરવામાં બીજા ત્રીસ વરસની જરૂર પડશે. એનો બીજો અર્થ છે કે એ દિવસો હવે કદી પાછા નહિ આવે. ઈરાન પ્રકરણ પૂરું થશે પછી બીજે ક્યાંક અહંકાર ટકરાશે ને એ વળી ચાલશે. એના પછી વળી નવું કોઈ ભૂત કે તૂત એ રાષ્ટ્રવડાઓના દિમાગમાં ભમવા લાગશે. આમાં આધુનિકતા જેવું ક્યાં કંઈ રહેવાનું છે? શેલી, કિટ્સ અને બાયરનની કવિતામાં માનવજાતની કૌતુકપ્રિયતાના જે મહાન ઉદગાન છે એનાથી આ દુનિયા બહુ દૂર નીકળી ગઈ છે.

અરૂપ રત્નો પામવા માટે હું રૂપના સાગરમાં ડૂબકી મારું છું એમ કહેતા કવિવર ટાગોરના આનંદલોકની આ જગતને શું પડી હોય? આના પરથી અંદાજ લગાવવાનો કે જે આધુનિકતાના ભ્રમમાં આ જગત જીવે છે તે ખરેખર તો પરસ્પરની ઈર્ષ્યામાં ભડકે બળતી એક વિરાટ ભઠ્ઠી છે જેમાં અનેક દેશોની પ્રજાનું ભવિષ્ય સરેઆમ હોમાઈ રહ્યું છે. વૈશ્વિક મંદી વિવિધ દેશોને બહુ ગંભીર અસર કરશે. તે દરેક જગ્યાએ લોકોના જીવનધોરણ માટે ખરાબ સંકેત છે. ૧૯૯૦ પછી વૈશ્વિક વેપારના ઝડપી વિસ્તરણથી એક અબજ લોકો ભારે ગરીબીમાંથી બહાર નીકળી શક્યા હતા. અર્થકારણ માટે એ તો એક ચમત્કાર જ હતો. તેનાથી વિકાસશીલ અર્થતંત્રોમાં વૃદ્ધિ થઈ, જેના કારણે ઘણા લોકો સમૃદ્ધ અર્થતંત્રો સાથે આવકનો તફાવત ઓછો કરી શક્યા. આ સદીના પ્રથમ દાયકા દરમિયાન, વિકાસશીલ અર્થતંત્રોમાં માથાદીઠ આવક વિકસિત અર્થતંત્રો કરતાં ૩.૫ ટકા વધુ ઝડપથી વધી. વેપારે ટેકનોલોજીના પ્રસારને પણ વેગ આપ્યો, જેનાથી સમગ્ર વિશ્વમાં ઉત્પાદકતા વૃદ્ધિમાં યોગદાન મળ્યું.

આજે, ઘણા દેશોમાં ગેરમાર્ગે દોરાયેલી  વૈશ્વિક વેપાર નીતિ આધુનિક કહેવાતા જગતને ગંભીર નુકસાન પહોંચાડી રહી છે. હવે આ ટ્રમ્પના જગખ્યાત ઉત્પાતો પછી આધુનિક જેવું કંઈ રહ્યું નથી. પંદરમી સદીના મધ્યકાલીન અંધકાર યુગની જેમ મનના બારણા બંધ હોય, ગોરા-કાળાનો ભેદ આખા પશ્ચિમમાં છવાયેલો હોય, એક જ ધર્મના સુન્ની-શિયાના વેરઝેર જગતના ચોકમાં પ્રદર્શિત થતા રહેતા હોય, અને બે દેશો વચ્ચેના યુદ્ધ જેવા ગંભીર ઉપક્રમમાં શેરીઓમાં ચાલતી ગપ્પાબાજી જેવી દશા હોય એમાં મોડર્ન એજ ક્યાં રહી? માનવજાતના પતનની આ સત્તાવાર શરૂઆત છે. સમયરેખા પર કોરોના એક એવું કાળબિંદુ છે કે એના પછી બધું જ પતનોન્મુખ પરિવર્તન થયા કરે છે અને લોકો જોયા કરે છે. ઘણા દેશોએ નવા વેપાર કરારો માટેની તેમની ભૂખ ગુમાવી દીધી છે. ૨૦૨૦ ના દાયકામાં અત્યાર સુધીમાં, દર વર્ષે સરેરાશ પાંચ કરારો પર હસ્તાક્ષર થયા છે - જે ૨૦૦૦ ના દાયકાના દર કરતા અડધા કરતા પણ ઓછા છે.

દરમિયાન, વેપાર પ્રતિબંધો માટેની તેમની ભૂખ ભડકે બળી છે ને એમાં તેઓ અતૃપ્ત લાગે છે. ૨૦૨૩ માં વિશ્વભરમાં લગભગ ૩,૦૦૦ વેપાર પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા - જે ૨૦૧૫ ની સંખ્યા કરતા લગભગ પાંચ ગણા હતા. આંતરરાષ્ટ્રીય વેપારની દુનિયા હવે એક નવી અજાયબ પ્રતિબંધોની દુનિયા બની ગઈ છે. પ્રાદેશિક વેપાર કરારો પણ સાવ ઘટી રહ્યા છે. ઈરાન સાથેના ચાલુ યુદ્ધે તો કંઈ થઈ શકે નહિ પણ વૈશ્વિક સમુદાય માટે એક સારી શરૂઆત એ હશે કે નિયમો-આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને મજબૂત બનાવવામાં આવે. નીતિ નિર્માતાઓએ મૂળભૂત સિદ્ધાંતોને ફરીથી સ્થાપિત કરવાની તકો શોધવી જોઈએ. વેપાર અવરોધો ઘટાડવાની જરૂરિયાત, વિકૃત સ્થાનિક નીતિઓ ટાળવાની અને આંતરરાષ્ટ્રીય વાણિજ્ય માટે વ્યાપક અને સમાન વ્યવહારદક્ષતાનું ક્ષેત્ર બનાવવાની જરૂરિયાત. વધુ સ્પષ્ટ રીતે, તેમણે WTO ને તેના આદેશને પૂર્ણ કરવા માટે સમર્થન આપવાની જરૂર છે. આ મહિનાની WTO બેઠક માટે અપેક્ષાઓ સમજી શકાય તેવી રીતે સામાન્ય છે, પરંતુ તે વેપાર એજન્ડાને આગળ વધારવા માટે બીજી એક મહત્વપૂર્ણ તક રજૂ કરી શકે છે. 

રાષ્ટ્રીય સ્તરે, દેશો માટે વેપાર પ્રતિબંધો પ્રત્યેના તેમના મોહને છોડી દેવાનો સમય આવી ગયો છે - તેમના લાંબા ગાળાના ખર્ચ ઘણીવાર તેઓ લાવી શકે તેવા ટૂંકા ગાળાના ફાયદા કરતાં ઘણા મોટા હોય છે. તાજેતરના વેપાર પ્રતિબંધોએ દેશો વચ્ચે પરસ્પર નિર્ભરતાની પેટર્નમાં ઘણો ફેરફાર કર્યો છે.