હમણાં લંડનમાં એક ખાલિસ્તાની પ્રદર્શનકારી વિદેશ મંત્રી એસ. જયશંકરની કાર પાસે પહોંચ્યો ત્યારે જે સુરક્ષા ભંગ થયો એ ઘટના અસામાન્ય છે. બ્રિટન અને કેનેડા બન્ને એવા દેશો છે જેઓ ખાલિસ્તાની ચળવળને ગુપ્ત સમર્થન આપે છે. બ્રિટન તો ભારત વિરોધી કોઈ પણ મુવમેન્ટને ફંડ આપવા પણ તૈયાર હોય છે. જ્યાં જ્યાં બ્રિટિશરોએ રાજ કર્યું હતું તે તમામ દેશો તરફ બ્રિટિશ સરકારની કિન્નાખોરી નિરંતર ચાલુ હોય છે. વિદેશ મંત્રાલયે મંત્રીના બ્રિટિશ યજમાનો સમક્ષ પોતાની નારાજગી વ્યક્ત કરી. જોકે, પૂર્વ આયોજિત મુલાકાતમાં કોઈ ફેરફાર થયો ન હતો અને જયશંકરે જાહેર કર્યું કે ભારત-યુકે સંબંધો તેમના જટિલ ઇતિહાસ અને ચાલુ સમસ્યાઓ હોવા છતાં જબરજસ્ત પ્રગતિ માટે તૈયાર છે.
ભારત માન્ચેસ્ટર અને બેલફાસ્ટમાં તેના બે વાણિજ્ય દૂતાવાસો સાથે બ્રિટનમાં તેની ક્ષમતાઓનું નિર્માણ કરી રહ્યું છે, જ્યારે જયશંકરે બ્રિટિશ વિદેશપ્રધાન ડેવિડ લેમી સાથે વાટાઘાટોને આગળ ધપાવી છે, જે ખૂબ વિલંબિત મુક્ત વેપાર કરાર (FTA)ને પૂર્ણ કરવા પર કેન્દ્રિત છે. આ કરાર વર્ષ ૨૦૨૦માં બ્રિટનના બ્રેંક્ઝિટ બાદ પૂર્ણ થવાનો હતો, પરંતુ તેના તરફ ધ્યાન આપવામાં આવ્યું નહિ. આયર્લેન્ડમાં પણ, એફટીએ સંબંધિત વાટાઘાટો જ ઈતર ચર્ચાઓમાં પ્રભુત્વ ધરાવતી દેખાઈ. ભારત અને યુરોપ દ્વારા ઈ. સ. ૨૦૨૫ના અંત સુધીમાં દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ થયાના દિવસો પછી આ બન્યું છે. આ BTA પર વાટાઘાટો વર્ષ ૨૦૦૭માં શરૂ થઈ હતી. યુકે સાથે ૫૨ બિલિયન ડોલર અને આયર્લેન્ડ સાથે ૧૭ બિલિયન ડોલરનો દ્વિપક્ષીય વેપાર છે, જે તેની ક્ષમતા કરતા ઓછો છે. બન્ને દેશો વચ્ચે હાઈટેક ટેકનોલોજી આધારિત ઉત્પાદનોના પારસ્પરિક વેપાર માટે પણ નવા કરાર થયા છે.
ગયા મહિને ભારત અને યુકે વચ્ચે FTA વાટાઘાટો ફરી શરૂ થઈ હતી અને ભારત અને યુરોપ વચ્ચેનો બીજો રાઉન્ડ આ અઠવાડિયે પૂરો થયો હતો. આ એફટીએ વાટાઘાટો યુએસ સાથે આયાત જકાત પર ભારતના વધુ સમાધાનકારી અભિગમથી લાભ મેળવશે (આયાત જકાત યુકે અને ઇયુ માટે પણ એક સ્ટિકિંગ પોઇન્ટ છે). યુએસ પ્રમુખ ટ્રમ્પની માંગણીઓ સામે ઝૂકીને, સરકારનો વાઇન અને સ્પિરિટ્સ, મોટર અને ઇલેક્ટ્રિક વાહનો પરની ડયુટી ઘટાડવાનો નિર્ણય તેનું ઉદાહરણ છે અને ભારત-યુએસ બીટીએ પરની વાટાઘાટોમાં આવા વધુ ઘટાડાની અપેક્ષા છે. આ અર્થમાં, ટ્રમ્પનું યુએસ જોડાણ અને વેપાર નીતિનું પુનર્ગઠન જયશંકરને મદદરૂપ થઈ શકે છે. આ મુલાકાત યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેનની આગેવાની હેઠળના EU પ્રતિનિધિમંડળની અને બેલ્જિયમની પ્રિન્સેસ એસ્ટ્રિડની આગેવાની હેઠળની વરિ મંત્રી અને વ્યાપારી ટીમની દિલ્હીની મુલાકાતને અનુસરે છે, જેણે એક અહેસાસ આપ્યો હતો કે યુરોપ નવા અને વધુ વિશ્વસનીય મિત્રોની શોધમાં છે.
તદુપરાંત, જયશંકરની મુલાકાત વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ અને યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી વચ્ચેની નાટકીય મુકાબલો પછી તરત જ યોજાઈ હતી. આનાથી લંડનમાં બિન-યુએસ નાટો દેશોની ઉતાવળી સમિટ બેઠક થઈ, જ્યાં બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમેરે ઇચ્છુક દેશોના ગઠબંધન સાથે યુક્રેનને ટેકો આપવાનું વચન આપ્યું. સમગ્ર એટલાન્ટિકમાં ભૌગોલિક રાજકીય અને ભૌગોલિક નાણાકીય મૂલ્યાંકનનું પુન:કાર્ય કરવામાં આવી રહ્યું હોવાથી, ભારત મુત્સદ્દીગીરીને વેગ આપીને અને બંને પક્ષો તરફ મિત્રતાનો હાથ લંબાવીને ફાયદો ઉઠાવશે. ટ્રમ્પ એક નંબરના કલાકાર વેપારી છે. ખેલાડી છે. ભારતનો આંતરરાષ્ટ્રીય ફાયદો કેમ લેવો એનો તેમને સારો અંદાજ છે. ટ્રમ્પની નજર દક્ષિણ ચીની સમુદ્રમાં પોતાનો ડંકો વગાડવાની છે. એ માટે ભારત વિના ચાલે એમ નથી.
નિ:શંકપણે દક્ષિણ ચીન સમુદ્રનો વિસ્તાર એશિયાના પ્રશાંત સાગર બાજુના વિસ્તારમાં સૌથી વધુ સંવેદનશીલ વિસ્તાર બની ગયો છે. ચીને પોતાના નવા માનવ સજત ટાપુ ઊભા કરી દીધા છે અને તેના પર શો અને સૈન્યની જમાવટ કરી દીધી છે. અમેરિકાને ચીનના આ જ વલણ સામે વાંધો છે કે દક્ષિણ ચીની સમુદ્ર કે જે આંતરરાષ્ટ્રીય છે અને એના પર કોઈ એક દેશનો હક નથી તેના ઉપર ચાઈનીઝ લશ્કર પોતાનો અડ્ડો જમાવે જ શું કામ? અમેરિકા દક્ષિણ ચીની સમુદ્રમાંથી ચાઈનીઝ લશ્કરને હટાવવા માટે કોઈ મોટું પગલું ભરે એ પહેલા જ ચીને સમુદ્રમાં મિસાઈલનું પરીક્ષણ કરીને પાણી પહેલા પાળ બાંધી દીધી. અમેરિકાને ચીન હવે ખતરાજનક લાગી રહ્યું છે. અમેરિકા આખી દુનિયા માટે વીસમી સદીમાં ખતરાજનક સાબિત થયેલું એ પણ ન ભુલાવું જોઈએ. હવે ધીમે ધીમે એ સ્થાન ચીન લઈ રહ્યું છે.


