પ્રચારકળાના નવા બ્યુગલ
દેશમાં કોરોનાની નિરંતર આગેકૂચ વચ્ચે ભાજપે પક્ષીય પ્રચારતંત્રને આધુનિક વળાંક આપવાની શરૂઆત કરી છે. ભાજપની નવી વેબિનાર જેવી ડિજિટલ રેલીઓ દેશભરમાં યોજાવાની શરૂઆત થઈ ગઈ છે. કરોડો રૂપિયાને ખર્ચે ભાજપે આ એક નવો ઉત્પાત શરૂ કર્યો છે જેને માટે કોઈ પણ ત્રાજવે આ સમયને યોગ્ય તોળી શકાય એમ નથી. બિહાર અને પશ્ચિમ બંગાળમાં કોરોનાની સ્થિતિ વિકટ છે. એને વીસરીને વિવિધ લોકાભિમુખ નામો આપીને ભાજપે પ્રચારના બ્યુગલ બજાવવાના શરૂ કરી દીધા છે.
પોતાના પક્ષના પ્રચાર માટે ભાજપ પ્રજા પર આવી પડેલી મહામારીની ઉપેક્ષા કરે છે અને વ્યર્થ ભાષણોનો ધોધ વહાવે છે. તબક્કાવાર વડાપ્રધાનના મનની વાત પણ ગૃહપ્રધાને ગોઠવેલા તખ્તા પર થઈને જ લોકો સુધી પહોંચતી જશે. તેઓ વાત મોગરાના ફૂલની સુગંધ વિશે કરતા હોય એવો દેખાડો હોય છે પણ આખરે એમાંથી પ્રચારની ગંધ જ ફેલાય છે. જો કે હવે માસ્ક બહુહેતુક ઉપયોગી નીવડશે.
અર્જુનને ફક્ત સ્વયંવર વખતે માછલીની આંખ દેખાઈ હતી. ભાજપ એવો પક્ષ છે જેને ચોવીસ કલાક ગુણ્યા ૩૬૫ દિવસ માછલીની આંખ દેખાય છે. ભાજપની માછલીની આંખ એટલે ચૂંટણી. પછી એ ગ્રામપંચાયતની ચૂંટણી હોય કે કોઈ રાજ્યની વિધાનસભાની. પૃથ્વી રાસાતળ જાય તો પણ ભાજપ તેનો ચૂંટણી પ્રચાર કરવાનું ન ભૂલે. ભાજપનું બ્લડ ગ્રુપ ઇ-પોઝિટિવ છે અર્થાત ઇલેક્શન પોઝિટિવ. આખા દેશમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા દિવસે ન વધે એટલી રાતે વધી રહી છે. એવા સમયમાં દેશના જુદા જુદા વિસ્તારોમાં ભાજપની રેલીઓ શરૂ થઈ ગઈ છે.
અલબત્ત આ વર્ચ્યુઅલ રેલી છે એટલે કે સોશ્યલ મીડિયા ઉપર થતી રેલી. પણ ભાજપને ભાષણ અને રેલી વિના ચાલતું નથી એની એક આ વધુ સાબિતી છે. આ વર્ચ્યુઅલ રેલી કેવી રીતે થાય છે? ભાજપની પેજપ્રમુખ બનાવવાની પદ્ધતિ જાણીતી છે અને સફળ છે. એ જ ફોર્મ્યુલા વર્ચ્યુઅલ રેલીમાં લાગુ કરવામાં આવી છે.
ભાજપના જે મુખ્ય નેતાઓ હોય તે પાર્ટીની ઓફિસમાંથી કોઈ ચોક્કસ રાજ્યના ચોક્કસ શહેર કે ગામમાં નિમણૂક લરેલા કાર્યકર્તાને સાથે રાખીને જે તે પોલિંગ બુથ પર મત કરવા આવનારા મતદાતાઓને સંબોધિત કરવામાં આવે છે. છેલ્લા ત્રણ દિવસમાં અમિત શાહે બિહાર, ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળમાં આવા વર્ચ્યુઅલ આયોજન કર્યા. સમય મુજબ ભાજપે તેની રણનીતિમાં ફેરફાર કર્યો અને ચૂંટણી પ્રચારમાં કોરોનાની સાડીબાર રાખ્યા વિના ઝંપલાવી દીધું. પણ ભાજપનું પ્રિય પક્ષી એક પગે ઉભો રહેતો બગલો હોઈ શકે.
કારણ કે ભાજપ એવું કહે છે કે આ તો ચૂંટણીપ્રચાર માટેની રેલીઓ નથી. પણ જે ત્રણ રાજ્યોમાં આ ઓનસ્ક્રીન કાર્યક્રમ કરવામાં આવ્યો તેમાંથી બે રાજ્યની વિધાનસભાની ચૂંટણી નજીક છે. બિહારમાં આ જ વર્ષે અને પશ્ચિમ બંગાળમાં આવતા વર્ષે. આવા સમયમાં આ પ્રકારના ઓનલાઇન કાર્યક્રમને ચૂંટણી સંદર્ભે ન સમજીએ તો કયા હેતુસર સમજીએ તે સવાલ છે.
પ્રેસ કોન્ફરન્સની શાસક પક્ષને એલર્જી છે માટે આવો સવાલ તેને કોણ પૂછે એ પણ સવાલ છે. વિપક્ષોએ પ્રતિક્રિયા આપી છે પણ એનો કોઈ અર્થ સરતો નથી. બિહારમાં આરજેડી સમર્થકોએ બોંતેર હજાર એલઇડી ટીવીઓની સાથે થયેલી વર્ચ્યુઅલ રેલીનો પ્રતીકાત્મક વિરોધ કર્યો. સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવે કહ્યું કે ભાજપ દોઢસો કરોડના ખર્ચે આવી મોંઘીદાટ રેલીઓનું આયોજન એટલે કરે છે કે વિપક્ષનું મનોબળ તૂટી જાય. દોઢસો કરોડનો આરોપ સાચો છે કે ખોટો એ ભાજપને ખબર પણ ટીવી સેટ્સ આપીને કરાતી રેલીઓ અતિખર્ચાળ હોય છે તે હકીકત છે.
આ પ્રકારે ચૂંટણીપ્રચાર વિશ્વમાં કદાચ પ્રથમ વખત થયો હશે. પ્રત્યેક મતદાન મથક ઉપર ટેલિવિઝન સેટની વ્યવસ્થા કરવામાં આવી. આના પરથી એ ફલિત થાય છે કે રાજકારણ માટે કામ કરતા કાર્યકર્તાઓ માટે બધું જ સંભવ છે. સાથે વિરોધાભાસ એ પણ ખરો કે આ સ્તરનો પ્રચાર ફક્ત એક જ પક્ષ કરી શકે એમ છે કે બીજા પક્ષો પણ આ રસ્તે ચાલશે?
અમિત શાહના વડપણ નીચે ભાજપે પોતાના ચૂંટણીપ્રચાર માટેના સંસાધનો અને બૃહદ તંત્રને દોડતું કરી દીધું છે. ભાજપની રણનીતિ લગભગ હંમેશા સફળ રહી છે જે આપણને ચૂંટણીના પરિણામોમાં જોવા મળતું હોય છે. જો કે કોરોના ભાજપને નડતો નથી પણ આ જ કોરોના બીજા વિપક્ષોને નડી રહ્યો છે. વ્યાપક રીતે જનસંપર્ક શક્ય નથી. વિપક્ષ સાથે વાત કરવા માટે પણ આ ભયના માહોલમાં લોકો રાજી ન થાય.
ભાજપના દાવા મુજબ એની રેલીઓ ભલે ચૂંટણીલક્ષી ન હોય તો પણ એ જનમાનસમાં પ્રવેશી શકે છે. વિપક્ષો માટે આ કઠિન છે અને કદાચ અશક્ય પણ ખરું. આનો અર્થ એ કે હવેની ચૂંટણીમાં બળિયાના બે ભાગ નહીં હોય. બધા જ વિપક્ષોનું પલડું હળવું જ રહેવાનું. દુનિયાની સૌથી મોટી લોકશાહીમાં ચૂંટણી પાછળ ઠેલવાની વાત પણ કરી શકાય એમ નથી. ચૂંટણી પંચની જવાબદારી ખૂબ વધી ગઈ છે.