Get The App

સર પે લાલ ટોપી રૂસી .

Updated: Jul 11th, 2024


Google NewsGoogle News
સર પે લાલ ટોપી રૂસી                                    . 1 - image


ત્રીજી વખત સત્તા સંભાળ્યા પછી પોતાની પહેલી વિદેશ યાત્રા માટે આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાની પસંદગી કરી. છેલ્લા બે કાર્યકાળમાં તેઓએ પોતાની પ્રથમ વિદેશ યાત્રા માટે પડોશી દેશોની પસંદગી કરી હતી. સ્વાભાવિક છે કે ૨૦૧૪ અને ૨૦૧૯ની તુલનામાં આજના વૈશ્વિક પડકારો ઘણી બધી રીતે અલગ છે. રશિયા-યુકેન યુદ્ધને કારણે તમામ દેશોની અર્થ વ્યવસ્થાને ઓછી-વત્તી અસર થઈ છે. આવા સંયોગો વચ્ચે વડાપ્રધાને એવો મેસેજ આપવાનો પ્રયત્ન કર્યો છે કે ભારત પોતાના વિશ્વાસપાત્ર મિત્ર દેશ તરીકે રશિયાનું મહત્ત્વ સમજે છે. રશિયા પણ ભારતીય વડાપ્રધાનની મુલાકાતના મહિમાથી સારી રીતે વાકેફ છે. વડાપ્રધાન મોસ્કો તરફ ઉડ્ડયન શરૂ કરે એ પહેલાં ક્રેમલિન પ્રવક્તા દિમિત્રી પેસ્કોપે કહ્યું કે અમે સંબંધોના નવા ઘટાટોપ આકાશની ધારણા રાખીએ છીએ જે ઉભય પક્ષે અતિશય મહત્ત્વપૂર્ણ છે.

ભારત અને રશિયાના ટોચના નેતાઓની છેલ્લી વાર્ષિક શિખર મંત્રણા ડિસેમ્બર ૨૦૨૧માં યોજાઈ હતી. ત્યારે રશિયન રાષ્ટ્રપ્રમુખ પુતિન પોતે જ નવી દિલ્હી આવ્યા હતા. એના પછી આ બંને નેતાઓની સત્તાવાર મંત્રણા યોજાઈ શકી ન હતી. છતાં બંને દેશોના સંબંધો ઉષ્માપૂર્ણ રહ્યા હતા. આ મધુર સંબંધોની એક ઝલક આંતરરાષ્ટ્રીય ક્ષિતિજે ત્યારે જોવા મળી જ્યારે યુક્રેન યુદ્ધને કારણે રશિયાની વિરુદ્ધ તમામ પ્રતિબંધોની અવહેલના કરીને, પશ્ચિમી દેશોના અભિગમની ઉપેક્ષા કરીને ભારતે રશિયા પાસેથી પેટ્રોલિયમ પેદાશો ખરીદવાનું ચાલુ રાખ્યું. એટલું જ નહીં, અગાઉ કરતાં પ્રમાણમાં ઘણી વધુ આયાત કરી. એથી રશિયા અને ભારત બંને પક્ષે ઘણો ફાયદો થયો. અબજો ડોલરની બચત થઈ. હાલની વડાપ્રધાન મોદીની રશિયા મુલાકાતે પશ્ચિમી દેશોને પણ એવો મેસેજ આપ્યો છે કે ભારત પોતાની સ્વતંત્ર વિદેશ નીતિને અનુસરે છે અને આંતરરાષ્ટ્રીય સમુદાયમાં પોતાના અભિગમનો નિર્ણય જાતે જ કરે છે.

જોકે આ અભિગમ કોઈને પણ નુકસાનકર્તા નથી અને બીજા કોઈના પણ હિતને નડે એમ નથી. નોંધપાત્ર ઘટના એ છે કે વડાપ્રધાન મોદીની આ મુલાકાત ત્યારે યોજાઈ છે જ્યારે રશિયા વિરોધી નાટો રાષ્ટ્ર સમૂહની અમેરિકામાં બેઠક ચાલી રહી છે. કોઈ એક દેશ સાથેના સંબંધોનો ભોગ આપીને બીજા દેશ સાથે તાર જોડવાનું કામ ભારત કદી કરતું નથી. મોડે મોડે પણ પશ્ચિમના દેશોને આ વાત હવે સમજાવા લાગી છે. કદાચ આ જ કારણ છે કે અમેરિકા સાથેના ભારતના સંબંધો છેલ્લા બે દાયકામાં ઘણા સુધર્યા છે અને ભારતની જરૂરિયાતોને વોશિંગ્ટન હવે સારી રીતે સમજે છે. જ્યાં સુધી રશિયા સાથેના સંબંધોની વાત છે તો એની સાથે ઉર્જા, સંરક્ષણ, વ્યાપાર, ઔદ્યોગિક રોકાણ, સ્વાસ્થ્ય, શિક્ષણ, સંસ્કૃતિ પર્યટન વગેરે ક્ષેત્રોમાં ભારતે ગાઢ સંબંધો કેળવેલા છે. હવે બદલાયેલા વૈશ્વિક રાજકીય પરિપ્રેક્ષ્યમાં આ બધા પર એક પ્રકારે પારસ્પરિક વિમર્શ અને નવીનીકરણ જરૂરી છે.

ભારતે દરેક દેશના સાર્વભૌમત્વને સત્કારથી જોયું છે અને એટલે કદી પણ યુક્રેન પર રશિયાના આક્રમણને સમર્થન આપ્યું નથી. વડાપ્રધાન મોદી અનેક પ્રસંગોએ રશિયા - યુક્રેન બંને દેશો વચ્ચે વાટાઘાટો શરૂ કરવાનો આગ્રહ કરી ચૂક્યા છે. શક્ય છે કે રાષ્ટ્રપ્રમુખ પુતિન સાથે ટહેલતી વેળાએ અનૌપચારિક રીતે આ મુદ્દા પર પણ વડાપ્રધાન મોદીએ વાત કરી હોય. રશિયા, ચીન અને ઈરાન વચ્ચે સતત વધતા જતા હુંફાળા સંબંધો ઉપર પણ ભારતની તીક્ષ્ણ નજર છે. વડાપ્રધાન મોદીએ રશિયાને એમ કહેવાની તક આપી છે કે તે લોકતાંત્રિક રાષ્ટ્રોથી સાવ અલગ પડી ગયેલો દેશ નથી. રશિયાનો ભારત સાથેનો ઇતિહાસ બહુ ઉજ્જવળ છે. તત્કાલીન વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીના જમાનામાં રશિયાએ પોતાના બધા નિયમો નેવે મૂકીને ભારતનું સમર્થન કર્યું હતું. એ જમાનો અમેરિકાની વધુ પડતી દાદાગીરીનો હતો. તે સમયે રશિયાએ કોઈપણ શરત વિના ભારતને તમામ પ્રકારની મદદ કરી હતી.

ભારતની બિન જોડાણવાદી નીતિને કારણે ભારત રશિયાનો ખુલ્લો પક્ષ લઈ શકે એમ ન હતું. એટલે કે ભારત, અમેરિકા અને રશિયા બંને પ્રત્યે તટસ્થ હતું. તો પણ રશિયાનો સંપૂર્ણ ઝુકાવ ભારત તરફ રહ્યો હતો. દુષ્કાળનાં વર્ષોમાં અનાજની ઘટ હંમેશા રશિયાએ પૂરી પાડી હતી. એ ઉપરાંત પણ ભારતના ટેકનોલોજીકલ વિકાસમાં રશિયાનું પ્રારંભિક ઘણું મહત્ત્વનું પ્રદાન છે. રશિયા આજે પણ તેના ભેદી સામ્યવાદને કારણે એક રહસ્યમય દેશ માનવામાં આવે છે. રશિયન સરકારોએ સતત લોકશાહીના પ્રણેતાઓની કતલ કરી છે અથવા તો તેઓને દેશનિકાલ કર્યા છે. યુક્રેનને ભારતના વડાપ્રધાનની રશિયાની મુલાકાતની ટીકા કરી છે - એ એની મુગ્ધતા અને બાલિશતા છે. ભારતે હંમેશા યુક્રેનમાં શાંતિ સ્થાપવા માટેના પ્રયાસોમાં સક્રિય ભાગ લીધો છે અને છતાં યુક્રેનના વડાપ્રધાન આડેધડ વિધાનો કરે એ એમની નાસમજ છે.


Google NewsGoogle News