સુબ્રમણ્યમ સ્વામીએ તેમના છેલ્લા પ્રકાશિત પુસ્તકમાં નિખાલસતાથી જે વાતો કરી છે તે દેશના નાણાં પ્રધાનની પ્રેસનોટ વિતરણ જેવી પ્રેસ કોન્ફરન્સોની તુલનામાં કોઈને પણ સાચી લાગે એમ છે. સુબ્રમણ્યમ સ્વામીના કહેવા પ્રમાણે મિસ્ટર મોદી આસપાસ વાહવાહી કરનારું એક આભામંડળ રચાઈ ગયું છે, જે વડાપ્રધાન અને વાસ્તવિકતા વચ્ચેનું અંતર સતત વધારતું રહે છે. એનડીએ સરકારના તમામ પ્રધાનો વડાપ્રધાન મોદીની સ્તુતિ-પ્રશંસામાં એટલા બધા પાવરધા છે કે જમીની હકીકતોથી મોદીને સતત અંધારામાં રાખવામાં તેઓ સફળ નીવડે છે. સુબ્રમણ્યમ સ્વામીનું કહેવું છે કે મોદી કેબિનેટ સતત ખોટી પદ્ધતિ પ્રમાણે કામ કરે છે જેને કારણે વર્તમાન કેન્દ્ર સરકાર પ્રજામાં હવે અપ્રિય થવા લાગી છે. એક તરફ આંતરરાષ્ટ્રિય નાણાં ભંડોળે ભારતના આર્થિક વિકાસના અંદાજમાં ઘટાડો કર્યો છે. એનાથી દેશની વૈશ્વિક છબીને ઘસારો લાગ્યો છે. બીજી તરફ ટેરિફ વોર દ્વારા ભારત સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. ભારતે દુબઈ જેવા મેગા શોપિંગ ફેસ્ટિવલની યોજના જાહેર કરી છે. એટલે જ સુબ્રમણ્યમ સ્વામી કહે છે કે જ્યાં ધ્યાન આપવાનું છે એ કામ પડતું મૂકીને સરકાર ચમક દમક અને પ્રચાર પાછળ જ એકાગ્ર છે.
ગઈકાલે પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ નિકાસ વધારો અને આયાત ઘટાડો ને એને જ દેશભક્તિ કહેવાય એવી વાત નાગપુરમાં કહી. આ વાત ખરેખર નાણાં પ્રધાને કહેવી જોઈએ અને એ માટેની યોજનાઓ ઘડવી જોઇએ. નિર્મલા સીતારામને એક સાથે બે-ત્રણ પક્ષીને નિશાનમાં લેવા માટે હાઉસિંગ ક્ષેત્રને બેઠું કરવા મોટું પેકેજ જાહેર કર્યું હતું. એને કારણે સાવ પૂરા થવા આવેલા છતાં અટકી ગયેલા અનેક પ્રોજેક્ટ ફરી ધમધમતા થયા હતા. કેન્દ્ર સરકારની નવી પ્રોત્સાહક નીતિનો એમને લાભ તો જ મળે જો તે પ્રોજેક્ટ પર કોઈ બાકી બેન્ક લોન ન હોય. બાંધકામ ક્ષેત્ર સાથે છૂટક મજુરી કરનારા અસંગઠિત કામદારોનો વિશાળ સમુદાય જોડાયેલો છે. એમાં સરકારના પ્રયાસોથી નવચેતન આવ્યું છે. પરંતુ ગુજરાતમાં નવી ખાનગી ઔદ્યોગિક વસાહતોનું પ્લોટિંગ કરનારા અને કરોડોમાં ફસાયેલા બિલ્ડરો આવી સરકારી નીતિમાં મંદીમાંથી બહાર નીકળી શક્યા નથી.
સીતારામનની સમસ્યા એ છે કે તેઓ એમ માને છે કે તેઓ સાચું બોલે છે અને ખરેખર એ અસત્ય જ હોય છે. જેમ કે આ વખતે તેમણે કહ્યું કે મોંઘવારી કાબૂમાં છે. ખરેખર તો મોંઘવારી બેકાબૂ છે. એટલે કે કાબૂમાં છે એમ ક્યારે કહેવાય એનીય એમને ખબર નથી ? ડોલર અને રૂપિયા અંગેના તેમના હાસ્યાસ્પદ નિવેદનો જાણીતા છે. સીતારામને વળી એક વાત એવી કહી કે દેશમાં ઔદ્યોગિક ઉત્પાદન વધવાના સંકેતો જોવા મળે છે. કદાચ એમની પાસે ડિવાઈન નજર હોય અને તેઓ જોઈ શકતા હોય તો ભલે, બાકી દેશમાં સતત ઉત્પાદન ઘટતું જાય છે એ તો પ્રજ્ઞાાચક્ષુ સજ્જનને પણ અહેસાસ થાય એવી વાત છે. છતાં આપણા નાણાં પ્રધાનને શુભ સંકેત દેખાય છે તો સારી વાત છે. નેતાઓ કઈ હદે પ્રજા સમક્ષ અસત્ય અને સાવ વિપરીત વિધાનો કરે છે તેનો સંકેત પણ સીતારામનના આ વિધાનોમાંથી મળી જાય છે.
નિકાસ પ્રોત્સાહન માટેની વાત ખરેખર રસપ્રદ છે અને એમાં સરકાર ખરેખર કંઈક કરી શકશે. પણ ટેરિફ પ્રકરણે આખું ચિત્ર બદલાવ્યું છે. આપણે ત્યાં નિકાસ પ્રવિધિનું જંગલ છે. પહેલી વાત તો એ છે કે કોઈ પણ ઉદ્યોગપતિ જે જિલ્લામાં ઉદ્યોગ માટે જમીન સંપાદન કરે એટલે રાજકીય કાગડાઓના ટોળા એમની માથે ચકરાવા લેવા લાગે. ગુજરાતમાં કેટલા બધા જિલ્લાઓ એવા છે જ્યાં છેલ્લા પચીસ વરસમાં એક પણ નવા ઉદ્યોગના શ્રીગણેશ થયા નથી. એક સામાન્ય અને ઉત્તમ ગુણવત્તા ધરાવતી એક જ વસ્તુ નિકાસ કરવાનો નિર્ણય કરો એટલે સરકાર ઉત્પાદકને એવા ચકડોળમાં બેસાડે છે કે નિકાસનો ખ્યાલ જ નવાસવા તો પડતો મૂકે. આ સંકટ દૂર કરવાની નાણાં પ્રધાને ખાતરી આપી છે.
જો કે દેશમાં અનેક કંપનીઓ ફંડ સલાહકાર તરીકે કામ કરે છે. તેઓ યોગ્ય રીતે ફાઈલ તૈયાર કરીને વિશ્વસનીયતા ડેવલપ કરી આપે છે જેને કારણે બેન્કો લોન આપવાનું કામ કરે છે. આ એક નવો અને સચ્ચાઈપૂર્ણ બિઝનેસ છે. જો કે આપણી જાહેર ક્ષેત્રની બેન્કોએ હજુ વિધિસર ફંડ કન્સલ્ટન્ટોને પોતાની લોન આપવાની પ્રણાલિકામાં એડમિટ કર્યા નથી. તો પણ ફંડ કામ કરતા થઈ ગયા છે. હવે સરકાર એ ફંડ કન્સલટન્ટની ભૂમિકામાં ખુદ આવવા ચાહે છે. એને કારણે દેશના કરોડો લોકોને પોતાની લોન લેવાની પાત્રતા વિકસાવવામાં મોટી મદદ મળશે. આ એક રસપ્રદ જાહેરાત સીતારામને કરી છે. સૌથી ગંભીર બાબત એક જ છે કે અર્થતંત્રને બેઠું કરવા નિર્મલા સીતારામન સમયાંતરે બુસ્ટર ડોઝ આપે છે પરંતુ દર્દીને ખોરાક જ ન મળે તો દવાઓ શું કરે ? લઘુ ઉદ્યોગો ભારતીય અર્થતંત્રનું પ્રાણતત્ત્વ છે અને એ વાત એનડીએ સરકાર છેલ્લા ઘણા વરસોથી સ્વીકારવા તૈયાર નથી. આ વખતે પણ લઘુ ઉદ્યોગોની ઉપેક્ષા ચાલુ જ રહી છે. નાના નિકાસ યુનિટોને ફાયદો થશે. પરંતુ લઘુ ઉદ્યોગોનું વિશ્વ બહુ વિરાટ છે અને હજુ સુધી તે કોઈ રહસ્યમય કારણસર કેન્દ્ર સરકારની નજરની બહાર છે.


