app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

રાજકીય કદની હરીફાઇ .

Updated: Aug 12th, 2021


બીજી બધી રાજકીય પાર્ટીઓ પોતાને નસીબદાર માનતી હશે કારણ કે પાર્ટીની અંદર અધ્યક્ષની ખુરશીને લઈને વિવાદ થતા નથી. જેની પાર્ટી એ જ અધ્યક્ષ. પાર્ટી પણ એ જ બનાવે જેની પોતાની વોટબેન્ક હોય. પાર્ટીના બીજા નેતાઓને એ પણ ખ્યાલ હોય છે કે જો તે પોતે વળી અધ્યક્ષ બની ગયા તો તેને વોટ આપશે કોણ ? સ્થાનિક રાજકીય પાર્ટીઓમાં ઝઘડા પરિવારની અંદર ત્યારે જ થતા હોય છે જ્યારે પાર્ટીની ધૂરા સાંભળવાની વાત આવતી હોય છે.

ઉત્તરપ્રદેશમાં મુલાયમ સિંહની પાર્ટી સંભાળવા માટે તેના ભાઈ અને દીકરા વચ્ચે તણાવ સર્જાયો હતો. હરિયાણામાં ચૌધરી દેવીલાલના પરિવાર સાથે પણ આમ જ થયું હતું. મહારાષ્ટ્રના શરદ પવારના પરિવારની પણ આવી જ કઇંક સ્થિતિ હજુ છે. તામિલનાડુમાં જયલલિતાના અવસાન બાદ તેમના અંગત ગણાતા શશીકલા અને પાર્ટીના બીજા નેતાઓ વચ્ચે ખેંચતાણ થઈ હતી.

તામિલનાડુમાં કરુણાનિધિ પછી તેના દીકરા સ્ટાલિનને લઈને ખાસ કોઈ ધમાલ નથી થઈ. પંજાબના અકાલી દળમાં પણ એવી જ પરિસ્થિતિ છે. બિહારમાં રામવિલાસ પાસવાનના દીકરાએ પણ પાર્ટીની ધૂરા સંભાળી છે. પરંતુ રાષ્ટ્રીય કક્ષાની પાર્ટીઓની વાત અલગ હોય છે. તેમાં બધા રાજ્યો અને જાતિઓ વચ્ચે સમન્વય જાળવવું પડતું હોય છે. ખાસ કરીને એવા એક ચહેરાની આવશ્યકતા હોય છે જે ચૂંટણી સમયે વડાપ્રધાનનો દાવેદાર બની શકે. ક્યારેક રબ્બર સ્ટેમ્પ અધ્યક્ષ કામચલાઉ ધોરણો ઉપર ચાલે પણ પ્રધાનમંત્રી માટેનો ચહેરો બહુ પ્રભાવક હોવો જોઈએ.

ભારતીય પ્રજાની સંસ્કૃતિ અને સભ્યતાના અપાર વૈવિધ્ય છતાં એના પર એકસમાન ઈમ્પેક્ટ ઊભી કરી શકે એ ચહેરાની શોધ કોંગ્રેસની સૌથી મોટી સમસ્યા છે. બહારથી એવું દેખાય છે કે કોંગ્રેસનું જહાજ અધ્યક્ષપદના અખાતમાં ફસાયું છે જ્યારે કે હકીકત એ છે કે મનુષ્ય દેહ ધારણ કરેલી કોંગ્રેસની મુદ્રા જ પક્ષમાં લુપ્ત છે.

સમગ્ર કોંગ્રેસ લાપતાગંજમાં ખોવાઈ ગઈ છે. ઈ. સ. ૧૯૮૦ માં બનેલી ભારતીય જનતા પાર્ટી રામ મંદિરના આંદોલન સાથે રાષ્ટ્રીય રાજકારણના મેદાનમાં ઉતરે છે. પહેલી વખત તેર દિવસ અને પછી તેર મહિના જેટલો સત્તાકાળ ભોગવીને અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં ભાજપ પાંચ વર્ષ સરકાર ચલાવે છે. એટલો સમય માટે અટલ બિહારી વાજપેયી ભારતીય રાજનીતિનો પ્રમુખ ચહેરો બની ગયા હતા. એના જેટલો પ્રભાવ બીજા કોઈ નેતાનો પડતો ન હતો.

રાજીવ ગાંધીની હત્યા પછી કોંગ્રેસ જાણે 'એડહોક' વ્યવસ્થા ઉપર ગતિમાન થઈ જાય છે. બિન કોંગ્રેસી અને બિન ભાજપી એટલે કે થર્ડ ફ્રન્ટ પાસે પણ વાજપેયી જેટલું કદાવર વ્યક્તિત્વ ન હતું. માટે ભાજપ માટે ક્યારેય એ ચિંતાનો વિષય રહ્યો જ નહીં કે પાર્ટીના અધ્યક્ષ કોણ બને. બંગારું લક્ષ્મણથી લઈને કૃષ્ણમર્તિ અને વેંકૈયા નાયડુ સુધીના ઘણા નેતાઓ અધ્યક્ષ બન્યા. 

ઈ. સ. ૨૦૦૪ માં વાજપેયી સરકારે શાઈનિંગ ઇન્ડિયાનો નારો આપીને ચૂંટણી પ્રચાર કર્યો. પણ ચૂંટણીના પરિણામોમાં ચમક ન આવી. કારણ ? ત્યાં સુધીમાં સોનિયા ગાંધી અધ્યક્ષ બનીને કોંગ્રેસનું સુકાન સંભાળી રહ્યા હતા. પ્રધાનમંત્રી તે બન્યા નહીં પણ લાગલગાટ બે વખત તેનો પક્ષ ચૂંટણી જીત્યો. પહેલી ચૂંટણી વખતે ભારતીય પ્રજા મનમોહન સિંહને ઓળખતી ન હતી પણ બીજી ચૂંટણી વખતે તેમનો જ ચહેરો લાલકૃષ્ણ અડવાણી ઉપર ભારે પડયો.

મનમોહન સરકારના ઘણા નિર્ણયોએ મજબુર પ્રધાનમંત્રી બનામ મજબૂત પ્રધાનમંત્રીનો નારો નિષ્ફળ બનાવી દીધો હતો. ભારતીય જનતા પાર્ટી આ વરસો દરમિયાન અધ્યક્ષ બદલાવતી જ રહી હતી. પરંતુ ભીતરથી ભાજપને એવા ચહેરાની શોધ તો હતી જ જે અડવાણી અને વાજપેયી પછી નવો સુકાની બને અને એનો ચહેરો જ ભાજપની રાષ્ટ્રીય ઈમેજનો સમાનાર્થી બની જાય.

અડવાણી, રાજનાથ સિંહ, નીતિન ગડકરી અને ફરી વખત રાજનાથ સિંહ ઉપર દાવ રમવામાં આવ્યો. અંતમાં એ ખ્યાલ આવ્યો કે સફળતા માટે હજુ એક વધુ પ્રભાવક ચહેરો આવશ્યક છે. એવા ચહેરાની ખોજ નરેન્દ્ર મોદી પર આવીને પૂરી થઈ. નરેન્દ્ર મોદી એ ચહેરો બન્યા જે લોકપ્રિયતાના શિખર ઉપર પહોંચ્યો અને ટકી રહ્યો. ભારતીય જનતા પાર્ટી ફક્ત બે ચૂંટણી જીતે છે એટલું જ નહીં પણ સ્થાનિક ચૂંટણીમાં પણ મોદીનો ચહેરો આગળ કરીને ચૂંટણીમાં વિજય હાંસલ કરે છે. મમતા બેનરજી સમળીની જેમ દિલ્હી પર ચક્કર લગાવી રહ્યા છે. વિપક્ષોની એકતાના તેઓ સૂત્રધાર છે. પરંતુ ભાજપની વિરુદ્ધના પલ્લામાં મૂકવાનો ચહેરો તેમની પાસે નથી.

અહીંથી જ કોંગ્રેસની સમસ્યા શરૂ થાય છે. પાર્ટીની તમામ ગડમથલ રાહુલ ગાંધીનું વ્યક્તિત્વ મોટું કરવામાં થાય છે. રાહુલ ગાંધીની સીધી હરીફાઈ નરેન્દ્ર મોદી સામે છે. રાજકીય કદની હરીફાઈમાં તેને શિકસ્ત મળે છે. ગાંધી પરિવાર સિવાય પણ કોંગ્રેસ પાસે કોઈ પ્રભાવક ચહેરો હોય એવું લાગતું નથી. આ હકીકત ભાજપ માટે સારી પણ કોંગ્રેસ માટે કડવી વાત છે. ભારત જેવી વિરાટ લોકશાહીમાં નબળા વિરોધપક્ષો એ પ્રજાનું સૌથી મોટું દુર્ભાગ્ય છે.

Gujarat