Get The App

હિઝ માસ્ટર્સ વોઇસ .

Updated: Apr 11th, 2025

GS TEAM

Google News
Google News
હિઝ માસ્ટર્સ વોઇસ                                    . 1 - image

તમિલનાડુના રાજ્યપાલ આર. એન. રવિના વર્તન અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણયની કેન્દ્ર-રાજ્ય સંબંધો પર દૂરગામી અસરો પડશે. આ નિર્ણય આપીને સર્વોચ્ચ અદાલતે હંમેશની જેમ ભારતના સંઘીય સિદ્ધાંતોને રેખાંકિત કર્યા, તે પણ એવા સમયમાં જે ચોક્કસપણે ચિંતાજનક છે. આ નિર્ણય રાજ્યોની વહીવટીય સ્વાયત્તતામાં વધારો કરે છે, અને બંધારણીય હોદ્દાઓના કાર્યને નિયંત્રિત કરે છે, જેની અસર સમગ્ર દેશ પર પડશે. તામિલનાડુ રાજ્ય વિધાનસભા દ્વારા પસાર કરાયેલાં ૧૦ બિલો સાથે રાજ્યપાલ રવિના વર્તનને લગતા આ કેસમાં, સુપ્રીમ કોર્ટે રાજ્યપાલોની બંધારણીય જવાબદારીનો ઉપયોગ કરવાની રીતને વર્ચ્યુઅલ રીતે બદલી નાખી છે. એટલું જ નહિ કેન્દ્ર સરકાર તરફ હિઝ માસ્ટર્સ વોઇસ બનીને રાજ કરતા રાજભવનોની ન્યાયમૂર્તિઓએ આકરી ટીકા પણ કરી છે. રાજ્યપાલનું પદ પણ ઉચ્ચ બંધારણીય પદ હોવાને કારણે જલદીથી એમની નિંદા થતી નથી અને તેમનો મલાજો સહુ જાળવે છે, પરંતુ હવે તેઓની પ્રવૃત્તિઓએ એટલું સન્માન એમને આપવું કે નહિ એ અંગે દ્વિધા ઊભી કરી છે.

સર્વોચ્ચ અદાલતનો આ શુભંકર હસ્તક્ષેપ એવા સમયે થયો છે જ્યારે બિન-ભાજપ શાસિત રાજ્યોમાં રાજ્યપાલો અને જે તે સરકારો વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે - ખાસ કરીને રાજ્ય સંચાલિત યુનિવર્સિટીઓમાં (જ્યાં રાજ્યપાલ કુલાધિપતિ તરીકે સેવા આપે છે) વાઇસ-ચાન્સેલર્સ (વીસી)ની નિમણૂક જેવા મુદ્દાઓ પર આ ચૂકાદાનો ગહન પ્રભાવ રહેશે. આ કોઈ સંયોગ નથી કે આ મુદ્દાના કેન્દ્રમાં રહેલા બિલમાં રાજ્યપાલને બદલે રાજ્ય સરકારને વાઇસ-ચાન્સેલરની નિમણૂક કરવાની સત્તા આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રાજ્ય વિધાનસભા દ્વારા આ બિલોને ફરીથી અપનાવવામાં આવ્યા પછી, રાજ્યપાલ રવિએ એને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મોકલ્યા. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ બિલોને મંજૂરી મળી ગઈ હોવાનું માનવામાં આવે છે. 

આ પ્રકરણમાં રાષ્ટ્રપતિને બિલ મોકલવાની રાજ્યપાલની ચેષ્ટાને અદાલતે સારી દાનતની નહિ હોવાનું કહ્યું છે અને તેમના આચરણને મનસ્વી, ગેરબંધારણીય અને ભૂલભરેલું ગણાવ્યું છે - જે ટકોર રાજ્યપાલના કાર્યાલયના કાર્યનું મૂલ્યાંકન કરવા સમાન અને તેમની પ્રણાલિકાઓનું પતન થયું હોવાના સંકેતરૂપ હતી. સામાન્ય સંજોગોમાં, આટલા કડક ઠપકાના પરિણામે જે વ્યક્તિનું વર્તન સમીક્ષા હેઠળ છે, એ મિસ્ટર આર. એન. રવિ ખુદ જો સ્વમાની હોય તો આ દશા એમને રાજીનામું ધરી દેવા તરફ દોરી જાત. પરંતુ તેમને એવા કોઈ અપમાન કે ગૌરવભંગનો અનુભવ નથી, કારણ કે તેઓ તો બંધારણ અને આચાર સંહિતાની ઉપરવટ જઈને કેન્દ્રના શાસકોના ઉપાસક છે. આ સામાન્ય પરિસ્થિતિઓ નથી, અને રવિ સ્પષ્ટપણે કેન્દ્ર સરકાર દ્વારા સોંપવામાં આવેલી રાજકીય પક્ષપાત અદા કરવાની ચોક્કસ ભૂમિકા ભજવી રહ્યા છે.

કેન્દ્ર સરકારનું નેતૃત્વ કરતી ભાજપ, તમિલનાડુમાં સત્તામાં રહેલા ડીએમકેને દુશ્મન તરીકે નાપસંદ કરે છે. ડીએમકેને શાસન કરવામાં અવરોધો ઊભા કરતા રહેવા એ રાજ્યપાલની વ્યૂહરચના છે. એને તેઓ પોતાની સ્વામીભક્તિ માને છે. આ નિર્ણયનું મહત્ત્વ કોઈ ચોક્કસ રાજ્યપાલની નિંદા પૂરતું મર્યાદિત નથી. તે આપણા દેશના તમામ રાજ્યપાલો માટે બિલો પર કાર્યવાહી કરવા માટે નિશ્ચિત સમય મર્યાદા  નક્કી કરે છે. આ સુનિશ્ચિત કરે છે કે રાજ્યપાલો હવે સમીક્ષાના બહાને કાયદાને અનિશ્ચિત સમય માટે વિલંબિત કરી શકશે નહીં અથવા મનસ્વી રીતે અથવા મુક્તિ સાથે કાર્ય કરી શકશે નહીં. એ સ્વતંત્રતા એમને હવે નહિ જ મળે. 

હવે જ્યારે સુપ્રીમના ઠપકા પછી રાજ્યપાલની બોલતી બંધ થઈ ગઈ છે ત્યારે વિધાનસભાએ ઘડેલો કાયદો અમલમાં આવ્યો છે અને તમિલનાડુ સરકાર પાસે વાઇસ-ચાન્સેલર્સની નિમણૂક કરવાની સત્તા હાથમાં આવી ગઈ છે. તેણે ૧૨ યુનિવર્સિટીઓમાં આ ખાલી જગ્યાઓ ભરવા માટે ઝડપથી કામ કરવું જોઈએ. ભૂતકાળમાં થયેલા ભ્રષ્ટાચારના આરોપોને ધ્યાનમાં રાખીને, આ નિમણૂકો યોગ્યતા, પ્રામાણિકતા અને ક્ષમતાના આધારે થવી જોઈએ. એટલે કે ગુજરાતમાં થાય છે તેમ સંઘ અને ભાજપના છેડાવાળા ઠોઠ વીસીઓને બદલે વિદ્વાન સારસ્વત પ્રોફેસરોને નિયુક્તિ આપી સર્વોચ્ચનું પણ પરોક્ષ સન્માન જાળવવું જોઈએ. આ નિર્ણય ફક્ત એક કાનૂની સીમાચિહ્નરૂપ નથી, આ બંધારણીય નૈતિકતા અને સહકારી સંઘવાદની પુનઃસ્થાપના અને રાજ્યપાલ પદની ગરિમા માટેનું આહ્વાન છે. સુપ્રીમ કોર્ટે કહ્યું તેમ, રાજ્યપાલ પાસેથી રાજ્ય મંત્રીમંડળના મિત્ર, દાર્શનિક અને માર્ગદર્શક તરીકે કામ કરવાની અપેક્ષા રાખવામાં આવે છે, કેન્દ્રની કઠપૂતળી તરીકેની નહીં.