અલવિદા મહારાણી...! .


માનવ ઇતિહાસમાં સૌથી વધુ વખત તખ્તેનશિન રહેનારા મહારાણી એલિઝાબેથ દ્વિતીય માટે ભારતે  રવિવારે શોક જાહેર કર્યો તેનું મુખ્ય કારણ મહારાણીની ભારતમાં લોકપ્રિયતા ગણી શકાય. એલિઝાબેથ દ્વિતીય જ્યારે પહેલી વખત આઝાદ ભારતની મુલાકાતે આવેલા ત્યારે દસ લાખ લોકો તેમને જોવા માટે એકઠા થયેલા અને અમેરિકન અખબારોએ અચંબિત થઈને તે દ્રશ્યની ઘાટા અક્ષરે નોંધ લીધેલી. મહારાણી એલિઝાબેથ ૧૯૬૧માં જ્યારે ભારતની પ્રથમ મુલાકાતે પધાર્યા હતા ત્યારે ભારતીયો એ સમયે માથે તોળાઈ રહેલા ભારત - ચીન યુદ્ધના તણાવને પણ વીસરી ગયા હતા. તે સમયની સરકારને એ બતાવવાની પણ ઈચ્છા હતી ખરી બ્રિટિશરોએ ભારત છોડયું પછી ભારતે સ્વબળે ઘણી પ્રગતિ કરી છે. મહારાણીએ ભારતના વિકાસની આજથી છ દાયકા પહેલાં પણ ખાસ નોંધ લીધી હતી. ક્વીન એલિઝાબેથ દ્વિતીય મહારાણીનું  સંબોધન કમાયા છે. તે મહારાણી એટલા માટે નથી કે કોઈ મહિલા સત્તાધીશે સૌથી વધુ વખત રાજ કર્યું, પરંતુ કોમનવેલ્થ દેશો સુધી ફેલાયેલો એમનો રાજવિસ્તાર એટલો વિશાળ હતો કે એકવીસમી સદીમાં પણ એલિઝાબેથ દ્વિતીયનો સૂરજ અસ્ત થતો ન હતો. ઔચિત્ય અને સૌજન્યશીલતામાં મહારાણીનો જોટો ન જડે. દુનિયાભરના મહાનુભાવો, રાજકારણીઓ, હાઈ પ્રોફાઈલ સેલિબ્રિટીઓ તેમના ચાહક હતા. મહારાણીને મળ્યા પછી તેમની મનોહારિતાભરી પર્સનાલિટીના પ્રભાવમાંથી બહાર આવવું અઘરું છે એવું ઘણી હસ્તીઓએ સ્વીકાર્યું છે. પ્રોટોકોલ અને પ્રતિષ્ઠાના પર્યાય જેવું તેમનું આખું જીવન પસાર થયું છે. શિસ્તનાં તેઓ એ હદે આગ્રહી હતા કે છેલ્લે છેલ્લે તેમને તેમના ઘરની પુત્રવધૂ સાથે અણબનાવ બન્યા અને પુત્રવધૂ રાજમહેલ છોડીને બીજા દેશમાં જતા રહ્યા.

બ્રિટનમાં રાજાશાહીનો સૂર્ય વર્ષો પહેલા અસ્ત થઈ ગયેલો છતાં લોકશાહીમાં પણ નૈતિક મૂલ્યોના વારસાને જાળવીને મહારાણી એલિઝાબેથ દ્વિતીયએ વિશ્વમાં રાજકીય સ્થિરતાનું બેનમૂન ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે. રાજકાજની ખટપટને નિવારવી અને ફરજ પ્રત્યે નિષ્ઠા જાળવવી તો તેમને ગળથૂથીમાં મળેલા સંસ્કાર, પણ બ્રિટિશરોના માનસમાં મહારાણી તરીકેની તેમની છબી હંમેશા સ્વચ્છ, નિખાલસ અને સાલસ રહી છે. એ તો માત્ર સંયોગ હશે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાણીના દાદા કિંગ પંચમ જ્યોર્જના સ્ટેચ્યુને સ્થાને સુભાષચંદ્ર બોઝના સ્ટેચ્યુનું અનાવરણ કર્યું, ગયા અઠવાડિયે ઇંગ્લેન્ડનું રાજચિહ્ન ધરાવતા જૂના ભારતીય નેવીના લોગોને બદલે નવા લોગોનું પણ અનાવરણ કર્યું અને મહારાણીનો આયુષ્યકાળ પૂરો થયો.

એક સમયે તેમના આસનને ડગમગાવનાર લિઝ ટ્રસ હવે પીએમ બની ગયા છે છતાં પણ મહારાણીએ તેમની સાથે ઉષ્માભરી મુલાકાત કરી હતી. રાજકીય રાગદ્વેષથી દૂર રહીને પ્રજા પાલનને તેમણે જીવનભર પ્રાધાન્ય આપ્યું હતું. બ્રિટિશ રાજ્યના જીવંત અવતાર તરીકે, એલિઝાબેથે સંસદીય ખરડાઓ પર હસ્તાક્ષર કર્યા હતા, અન્ય દેશોના રાજદૂતો પ્રાપ્ત કર્યા હતા અને સશસ્ત્ર દળોના સભ્યોને તેમની વ્યક્તિગત નિષ્ઠા માટે શપથ લેવડાવ્યા હતા. તેઓ ચર્ચ ઓફ ઈંગ્લેન્ડના નામાંકિત વડા પણ હતાં. છતાં તેની આસપાસની તમામ ભવ્યતા માટે, તેણી પાસે ઔપચારિકતાથી આગળ કોઈ ઔપચારિક શક્તિઓ નહોતી. બ્રિટિશ રાજપરિવારની અનેક રૃઢિગત પ્રણાલીઓને પણ મહારાણી એલિઝાબેથએ ધરમૂળથી પરિવર્તિત કરી દીધી. બ્રિટનના રાજકુમારો ક્યારેય શાળા કે કોલેજનું પગથિયું ન ચડે. તેમને વિશ્વની દરેક સુવિધા બકિંગહામ પેલેસમાં મળી રહે એવી પ્રથા વર્ષોથી ચાલતી હતી, પણ પ્રિન્સ ચાર્લ્સને ફરજિયાતપણે શાળાએ મોકલવામાં આવ્યા.એ વાતનો સ્વીકાર ચાર્લ્સ તૃતીય આજે પણ કરે છે કે શાળાના અભ્યાસના દરમિયાન તેમને શીખવા મળ્યું કે જીવનમાં મહેનતનું પણ મૂલ્ય છે. એશો-આરામની જિંદગી અંતે સ્થૂળતા અને બરબાદીને જ આમંત્રિત કરે છે.

મહારાણી એલિઝાબેથ જયારે પુત્રને સ્કૂલમાં મોકલતાં ત્યારે પાપારાઝી તેમના પ્રિન્સ ચાર્લ્સને ઘેરી વળતા. બાળપણથી પ્રેસની નિયમિત પ્રતીતિ થવાને કારણે આજે પણ પ્રિન્સ ચાર્લ્સ પત્રકારોને બેફામ અને બેધડક નિવેદનો આપી દે છે, કારણ કે તેમના રક્તકણોમાં મહારાણી એલિઝાબેથના વિચારો વિહરે છે. એટલે જ રાજપરિવાર પત્રકારોને ક્યારેય છાવરતો પણ નથી અને છંછેડતો પણ નથી. છતાં અઠંગ પત્રકારો ગરમાગરમ ખબરો માટે સતત તેમના પેલેસની પેલે પાર જ અડ્ડો જમાવીને બેસતા. તેમાં જ રાજકીય રહસ્યો ખૂલ્યા અને અખબારોના મથાળા બનીને ખીલ્યાં. પત્રકારોએ સતત પ્રહાર કર્યા, પણ એલિઝાબેથ અંતિમ શ્વાસ સુધી અડીખમ જ રહ્યા. 

City News

Sports

RECENT NEWS