ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે એક લાંબા વિરામ બાદ એની બીજી ઈનિંગ્સ શરૂ કરી અને ક્રમશ: જે ઉત્પાત મચાવવાની શરૂઆત કરી ત્યારે દુનિયાના તમામ રાજકીય વિશ્લેષકો એમ માનતા હતા કે આ ચાર વરસ કેમ પૂરાં કરશે? પરંતુ તેઓ ખોટા પડયા છે અને ટ્રમ્પની આગેકૂચ તથા અમેરિકન અર્થતંત્રની પીછેહઠ નિરંતર ચાલુ છે. હમણાં આ તુઘલખ મહોદયે શિકાગોમાં નેશનલ ગાર્ડ મોકલ્યા, જેમાં ઇમિગ્રન્ટ્સને અમેરિકાની અંદર સમસ્યા તરીકે દર્શાવવામાં આવ્યા, જેના કારણે ફેડરલ અને રાજ્ય સરકારો વચ્ચે સંઘર્ષ થયો. ટ્રમ્પે તમામ વિદેશી આગંતુકોને અને પ્રવાસીઓને ખલનાયક કહ્યા છે. તેઓ કહે છે કે તમે મહેમાનો છો, વતની નથી તો જલ્દીથી તમારા બેગ-બિસ્તર પેક કરો અને અહીંથી વિદાય લો. આની એક આડ અસરરૂપે ભારતમાં એનઆરઆઈ મુરતિયા હવે ડાઉનમાં ચાલવા લાગ્યા છે. ભારતીય વાલીઓ પોતાની દીકરી કોઈ એનઆરઆઈ સાથે પરણવા રાજી નથી. આકર્ષણ હવે અપાકર્ષણ થઈ ગયું છે.
શિકાગોના રાજનેતાઓ કહે છે કે ટ્રમ્પ વહીવટીતંત્ર જનતામાં ભય પેદા કરી રહ્યું છે, જ્યારે શિકાગોના મેયર દાવો કરે છે કે અપરાધો મર્યાદિત છે છતાં દરેક આગંતુકને અપરાધીની દ્રષ્ટિએ જોવામાં આવે છે. આ ઘટના અમેરિકામાં ફેડરલ વિરુદ્ધ રાજ્ય સંઘર્ષને પ્રતિબિંબિત કરે છે. અમેરિકાને ફરીથી મહાન બનાવો - એવા નારા સાથે પાછા ફરેલા ડોનાલ્ડ ટ્રમ્પે ઇમિગ્રન્ટ્સને તેમના દેશ માટે એક મોટી સમસ્યા તરીકે વારંવાર રજૂ કર્યા. તેમની નીતિઓ અનુસાર, ઇમિગ્રન્ટ્સ એક નુકસાનકારક પરિબળ છે, જેમણે અમેરિકનોની આજીવિકા છીનવી લીધી છે. જોકે, આનાથી આખા અમેરિકામાં જ કેન્દ્ર વિરુદ્ધ રાજ્ય સંઘર્ષ શરૂ થયો છે, અને શિકાગોમાં જે થઈ રહ્યું છે તે તેની એક ઝલક છે.
ટ્રમ્પે પડોશી ટેક્સાસથી નેશનલ ગાર્ડ સૈનિકોની એક ટુકડી શિકાગો મોકલી છે. ટ્રમ્પનો દાવો છે કે દેશના કેટલાક મુખ્ય શહેરો ગેરકાયદે ઇમિગ્રન્ટ્સથી ભરેલા છે અને ગુનાખોરીના કેન્દ્ર બની ગયા છે. જાન્યુઆરીમાં સત્તા સંભાળ્યા પછી, ટ્રમ્પે અન્ય વિપક્ષી રાજ્યોમાં પણ આવી જ રણનીતિ અજમાવી છે. થોડા મહિના પહેલા, તેમણે લોસ એન્જલસમાં ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ તૈનાત કર્યું હતું, કારણ ગેરકાયદે ઇમિગ્રેશન હોવાનું જણાવાયું હતું. જોકે, જ્યારે ફેડરલ ફોર્સે કાર્યવાહી કરી, ત્યારે માત્ર લોસ એન્જલસ જ નહીં, પરંતુ સમગ્ર કેલિફોર્નિયામાં ભડકો થયો. ટેક્સાસ રિપબ્લિકન પાર્ટી દ્વારા શાસિત છે, જ્યારે ઇલિનોઇસ, જ્યાં શિકાગો સ્થિત છે, ડેમોક્રેટ્સ દ્વારા શાસિત છે. પરિણામે, રાજકીય ઉથલપાથલ થવાની છે. વધુમાં, એવી પરિસ્થિતિ ઊભી થઈ છે જ્યાં બે રાજ્યો વચ્ચે ઝઘડો થયો છે. આ પરિસ્થિતિની તુલના સન ૧૮૬૧ના ગૃહયુદ્ધ સાથે કરવામાં આવી રહી છે, જ્યારે ઉત્તર અને દક્ષિણ રાજ્યો વચ્ચે ઊંડી રાજકીય અને સામાજિક તિરાડ પડી હતી.
ટ્રમ્પનો કાર્યકાળ અત્યાર સુધી અનિશ્ચિત નીતિઓ, ધમકીઓ અને બદલો લેવાની વૃત્તિ દ્વારા ઓળખાય છે. તેમની સાથે જોડાયેલા લોકોને ૨૦૨૧ના યુએસ કેપિટોલ હિલ હુમલા જેવી ઘટનાઓ માટે માફી મળી છે, જ્યારે અસંમતિ વ્યક્ત કરનારાઓને કાઢી મૂકવામાં આવ્યા છે. ઇમિગ્રેશનના બહાના હેઠળ હરીફ રાજ્યો સામે તેમની વ્યવસ્થિત કાર્યવાહી એક પ્રકારની તુમાખી અને નકારાત્મક શક્તિનું પ્રદર્શન છે - એક પ્રથા જે તેમની વિદેશ નીતિમાં પણ પ્રતિબિંબિત થાય છે. ટ્રમ્પની સ્છય્છ લડાઈઓ ફેડરલ વિરુદ્ધ રાજ્ય, માનવ અધિકાર વિરુદ્ધ રાષ્ટ્રીય સુરક્ષા અને બંધારણ વિરુદ્ધ જિદ પર ટકી રહે છે. તેઓ અનેકવાર વ્હાઈટ હાઉસમાં મોડી રાત સુધી સલાહકારો સાથે લમણાં લેતા હોય છે. કેટલીક વાર તો તેઓ આ સલાહકારો અમેરિકાના દુશ્મન હોય એવું વર્તન કરી ચૂક્યા છે.
એવું નથી કે ટ્રમ્પ પાસે વિદ્વાનો નથી, તો પણ તેઓ પોતાની મનમાની ચલાવીને આડેધડ નિર્ણયો લે છે. ટ્રમ્પ એક બુદ્ધિમાન પ્રાણી છે અને તેમની મુખ્ય તાર્કિક ક્ષમતા કોને કેટલી હદે કઈ રીતે નડી શકાય એમાં રોકાયેલી છે. પોતે જગતકાજી છે, પણ કોઈનુંય ભલુ ચાહી શકતા નથી. 'ધ વોશિંગ્ટન પોસ્ટ' અખબારના એક અહેવાલ પ્રમાણે તો ટ્રમ્પને અમેરિકામાં વસતા વિદેશોમાં ભારતીયો એટલે કે એનઆરઆઈ પ્રત્યે ઘોર કિન્નાખોરી છે. તેમની નવી વિઝા નીતિ પણ એ કિન્નાખોરીનો પડછાયો છે. ટ્રમ્પ જાણે છે કે ટેરિફની કટાર બીજાને હુલાવવા જતા એ પોતાને પણ ઘાયલ કરનારી બેધારી છે, છતાં તેઓ માને છે કે અમેરિકામાં ઈતર દેશોની તુલનામાં નુકસાન વેઠવાની તાકાત વધારે છે એટલે અન્ય દેશોના માળા વિખવા માટે જ એમની બાજવૃત્તિ સક્રિય રહે છે.


