ભારતને આત્મરક્ષણનો અધિકાર .
પહલગામ હુમલાના પંદર દિવસ બાદ ભારતે આદરેલા ઓપરેશન સિંદૂરને કારણે પાકિસ્તાનની ઊંઘ ઉડી ગઈ છે. ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં આવેલાં આતંકવાદીનાં નવ ઠેકાણાઓને ઉડાવી દીધાં છે. આપણા ૨૬ નિર્દોષ નાગરિકોની જઘન્ય હત્યા કરનારા આતંકવાદીઓના ૧૦૦થી વધારે સાથીઓને રાત્રે ઊંઘમાં જ જીવતા ફુંકી મારવામાં આવ્યા હતા.
અત્યાર સુધી ભારતને પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની ધમકી આપતા પાકિસ્તાનના નપાણીયા નેતાઓ આરોપ મુકી રહ્યું છે કે, ભારતીય વાયુસેના દ્વારા યુદ્ધ જેવી કામગીરી કરવામાં આવી છે. ભારતે મિસાઈલમારો કરીને પાકિસ્તાનની સંપ્રભુતાને ઠેસ પહોંચાડી છે, યુએનના ચાર્ટરના આર્ર્ટિકલ ૫૧નો ભંગ કર્યો છે, વગેરે. પાકિસ્તાનના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર અને વિદેશ પ્રધાન ઈશાક ડારનો આરોપ છે કે, ભારતે કરેલા મિસાઈલ હુમલાને કારણે મહિલાઓ, બાળકો સહિત સામાન્ય નાગરિકોનાં મોત થયાં છે, પાકિસ્તાનના કોમર્શિયલ એવિયેશન સેક્ટરને નુકસાન થયું છે. હતું. ઈશાક ડાર એક જ રાગ આલાપે છે કે ભારતે ખોટું કર્યું છે.અલ્પબુદ્ધિ ડારે એવું પણ કહ્યું કે, યુએનના અને આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે પાકિસ્તાન વળતો જવાબ આપવાનો અધિકાર ધરાવે છે.
પાકિસ્તાના આરોપો અને ભારતે ખરેખર કરેલી કામગીરી જોઈએ તો સમજાઈ જશે કે પાકિસ્તાન માત્ર પ્રોપેગેન્ડા કરી રહ્યું છે. ભારતનો પહેલા દિવસથી ઉદ્દેશ આતંકવાદીઓના ઠેકાણાં ધ્વસ્ત કરવાનો હતો. ઓપરેશન સિંદૂર દ્વારા ભારતે કોઈ પાકિસ્તાની લશ્કરી થાણાને નુકસાન પહોંચાડયું નથી. સામાન્ય નાગરિકો પર પણ કોઈ હુમલો કર્યો નથી. ભારતે સંયમ સાથે પુરતા પુરાવા રાખીને પોતાના લક્ષ્યની પસંદગી કરી છે અને આતંકીઓનો સફાયો કર્યો છે.
પાકિસ્તાન જે યુએન ચાર્ટરની વાત કરે છે તે સમજવા જેવું છે. તેને યુએનનું બંધારણ પણ કહી શકાય. યુએનમાં જોડાયેલાં તમામ રાષ્ટ્રો માટે અમલીકરણ કરવા કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે જેનો સમાવેશ આ ચાર્ટરમાં કરાયો છે. યુએનના તમામ સભ્ય રાષ્ટ્રો આ નિયમોનું પાલન કરે છે. પાકિસ્તાની દાવા પ્રમાણે તેની પાસે આત્મરક્ષણનો અધિકાર છે. તે યુએનના ચાર્ટર પ્રમાણે તેમ કરી શકે છે. હવે મુદ્દો એ છે કે, ભારતે પણ ચાર્ટરના આર્ટિકલ ૫૧ પ્રમાણે આત્મરક્ષણની જ કામગીરી કરી છે. તેમાં સ્પષ્ટ જણાવાયું છે કે, કોઈપણ રાષ્ટ્ર ઉપર સશસ્ત્ર હુમલો થાય અથવા તો તેની શાંતિ અને સુરક્ષાનો ભંગ કરવા માટે પગલાં લેવામાં આવે તો તે રાષ્ટ્ર પોતાની સામે થયેલી આક્રમકતાનો જવાબ આપી શકે છે.
યુએન ચાર્ટર ૧૯ ચેપ્ટર અને ૧૧૧ આર્ટિકલમાં વહેંચાયેલું છે. તેના સાતમા ચેપ્ટરમાં આર્ટિકલ ૩૯થી શરૂ કરીને આર્ટિકલ ૫૧ સુધી બધામાં રક્ષણ વિશે વાત કરવામાં આવી છે. તેમાં દેશની સંપ્રભુતા અને શાંતિનો ભંગ કરનારા કે તેના માટે મુશ્કેલી ઊભી કરનારનો વિકાલ કેવી રીતે કરવો તેની વિગતો આપવામાં આવી છે. યુએનના સાતમા ચેપ્ટરના ૫૧મા આર્ટિકલમાં સ્પષ્ટ જણાવાયું છે કે, કોઈ સભ્ય દેશ ઉપર હુમલો થાય અથવા તો તે સુરક્ષા પરિષદ દ્વારા આપવામાં આવેલા અધિકારો હેઠળ તે આત્મરક્ષણ કરી શકે છે. તેના માટે કોઈપણ દેશ પોતાની રીતે પગલાં લઈ શકે છે. કોઈપણ દેશ આ પગલાં લે ત્યારે તેણે યુએનને જાણ કરવી પડે છે. દુનિયામાં પ્રવર્તમાન ૧૯૫ દેશોમાંથી ૧૯૩ દેશો આ નિયમોનું પાલન કરે છે.
ભારતે આતંકવાદીઓના ઠેકાણાં ધ્વસ્ત કર્યા તેમાં ક્યાંય કોઈ નિયમોનું ઉલ્લંઘન થયું નથી. તેમાં કોઈ દેશની પ્રતિષ્ઠા ખરાડાય તો ભારતનો વાંક નથી. ભારતે પોતાના સંપ્રભુતા જાળવવા અને આતંકવાદીઓને પાઠ ભણાવવા તેમનાં ઠેકાણાં તોડી પડયા. તેથી બોખલાયેલા પાકિસ્તાને પાછો ભારત ઉપર હુમલો કરી દીધો. પાકિસ્તાને તો ભારતીય જવાનો અને સરહદી ગામડાઓને નિશાન બનાવ્યા જે દેખીતી રીતે યુએનના ચાર્ટરનો ભંગ છે, પણ પાકિસ્તાન તેના વિશે વાત કરશે નહીં. પાકિસ્તાનની આ નાપાક કામગીરીને તોડવા અને તેને પાઠ ભણાવવા ભારતે ફરી એક વખત મિસાઈલમારો કરવો પડયો.
દેખીતી રીતે સ્પષ્ટ છે કે, ભારત પોતાના વલણોમાં અને મૂલ્યોમાં તથા યુએનના નિયમોમાં બંધાયેલો રહીને કામગીરી કરવામાં માને છે. પાકિસ્તાન અવળચંડાઈ કરે છે અને તેથી જ તે માર ખાતું રહે છે.