ગયા અઠવાડિયે, ઉત્તરાખંડના માના ગામમાં હિમપ્રપાત બાદ, ભારતીય સેના અને ભારત-તિબેટીયન બોર્ડર પોલીસની ટીમોએ જાડા અને ઘન બરફના કાટમાળ નીચે ફસાયેલા ૨૩ મજૂરોને બચાવ્યા. બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન BRO ના બાંધકામ સ્થળે થયેલી આ દુર્ઘટનામાં આઠ કામદારોના મોત થયા હતા, જ્યાં આઠ કન્ટેનરમાં ૫૪ કામદારો રહેતા હતા. અલબત્ત એ વાસ્તવિકતા છે કે બચાવ કામગીરી મુશ્કેલ હતી. દરિયાની સપાટીથી ૧૦,૫૦૦ ફૂટની ઊંચાઈએ ભારે હિમવર્ષા વચ્ચે બચાવ ટીમોએ લગભગ ૬૦ કલાક સુધી સતત વારાફરતે શિફ્ટમાં કામ કર્યું. બરફને કારણે રસ્તાઓ બંધ થઈ ગયા હોવાથી, કાટમાળમાંથી બચાવેલા લોકોને હેલિકોપ્ટર (ભારતીય સેનાના પાંચ, વાયુસેનાના બે અને એક નાગરિક હેલિકોપ્ટર) દ્વારા જોશીમઠ લશ્કરી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
સ્થળાંતરમાં સામેલ ભૌતિક પ્રયાસોની સાથે, બચાવ કામગીરીમાં બર્ફીલા થર, ઘન બરફ અને ખડકો નીચે દટાયેલા કન્ટેનર શોધવા માટે ડ્રોન-આધારિત શોધ પ્રણાલીઓનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભારતીય ક્ષેત્રના છેલ્લી ચોકીઓમાંની એક અને ચીનની સરહદની નજીક આવેલા માના પર જે પ્રકારનો હિમપ્રપાત થયો તે હિમાલયના રાજ્યોમાં અનોખું નથી. અહીંના ગ્રામજનો ઐતિહાસિક રીતે શિયાળામાં સ્થળાંતર કરનારા રહ્યા છે, જેનો અર્થ એ થાય કે શિયાળાના મહિનાઓમાં ગામ ઉજ્જડ રહે છે. નવેમ્બરમાં બદ્રીનાથ મંદિરના દરવાજા બંધ કરવાની વિધિ સાથે, શિયાળા માટે ગોપેશ્વર અને જ્યોતિર્મઠ જેવા નીચાણવાળા ગામોમાં સ્થળાંતર થાય છે. એપ્રિલ કે મે મહિનામાં મંદિર ફરી ખુલે ત્યારે જ ગ્રામજનો પાછા ફરે છે. આ પરંપરાગત શાણપણનો એક ભાગ છે અને હિમાલયના ઉપરી પ્રદેશના લોકો દ્વારા આપત્તિઓ માટે સંવેદનશીલ હોવાના અનુભવ સાથે સંબંધિત છે.
જ્યારે આ પ્રથાએ ગામના રહેવાસીઓને રક્ષણ આપ્યું હશે, ત્યારે એ પ્રશ્ન તો છે જ કે શું કામદારો - જેમાંથી ઘણા સ્થળાંતરિત હતા - તેમના કામમાં રહેલા જોખમોથી પૂરતા પ્રમાણમાં વાકેફ ન હતા? ગામડાઓના વ્યૂહાત્મક સ્થાન અને નાગરિક અને લશ્કરી પહોંચ માટે વધુ સારા રસ્તાઓ વિકસાવવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને, આ વિસ્તારોમાં હંમેશા યોગ્ય સંખ્યામાં લોકો કાર્યરત રહેશે. આ એવા ક્ષેત્રો છે જે સ્વાભાવિક રીતે જ પ્રતિકૂળ અને જોખમોથી ભરપૂર છે. જ્યારે પણ કોઈ આપત્તિ આવે છે, ત્યારે બધા પ્રયાસો બચાવ કામગીરી પર કેન્દ્રિત હોય છે, અને એકવાર આ કામગીરી સમાપ્ત થઈ જાય પછી, કયા નિવારક પગલાં લઈ શકાયા હોત તેના પર બહુ ઓછો વિચાર કરવામાં આવે છે. હિમપ્રપાતની ચોક્કસ આગાહી કરી શકાતી નથી, પરંતુ એવા કન્ટેનર ડિઝાઇન કરવા માટે પગલાં લઈ શકાય છે જે રહેવા માટે વધુ સુરક્ષિત હોય અને અકસ્માતની સ્થિતિમાં બચવાની શક્યતા વધારે હોય.
એન્ટાર્કટિકામાં સંશોધન સ્ટેશનો જે રીતે ડિઝાઇન કરવામાં આવે છે તેમાંથી ઘણું શીખવા જેવું છે. આ બધા માટે જોખમો વચ્ચે મહેનત કરતા કામદારો પ્રત્યે વધુ સંવેદનશીલતાની જરૂર છે. આ દુર્ઘટનાઓને ફક્ત કુદરતી આફતોના અનિવાર્ય પરિણામો તરીકે વર્ણવવાથી સમસ્યાનો ઉકેલ નહીં આવે. દર વર્ષે શિયાળામાં પહાડોમાં હિમવર્ષા અને હિમસ્ખલનને કારણે રસ્તાઓ બંધ થઈ જવાની સામાન્ય ઘટના છે. પરંતુ હવે આ ઘટનાઓ જે રીતે તબાહી મચાવી રહી છે તે ચિંતાનો વિષય છે. કાશ્મીરના સોનમર્ગ વિસ્તારમાં પહાડ પરથી બરફના ખડકો પડતાં ત્યાં વહેતું નાળું બંધ થઈ ગયું હતું. જેના કારણે ગટરના પાણી રોડ પર વહેવા લાગ્યા હતા. સોનમર્ગના અપાર કુદરતી સૌન્દર્યનો સાક્ષાત્કાર કરવા આવેલા પ્રવાસીઓ માટે આ એક અણધાર્યું દુઃસ્વપ્ન હતું. માત્ર આવી કોઈ આકસ્મિક ઘટના હોય તોય ઠીક છે પરંતુ અહીં તો આ પ્રકારના પુનરાવર્તનનો લાંબો દૌર ચાલુ છે. ઉત્તર ભારતના પહાડી પ્રવાસન ક્ષેત્રો અને તીર્થક્ષેત્રો બન્ને હવે જોખમથી ભરપૂર છે.
પ્રવાસનના બિઝનેસમાં પડેલા લોકોને નગદ નારાયણમાં જ રસ હોય છે, તેમનું ધ્યાન જોખમો તરફ હોતું નથી કારણ કે તેઓ ટેવાઈ ગયા હોય છે. લોકો બહુ રોમાંચપૂર્વક ભેખડો ધસી પડતી હોય એવા દૃશ્યો વીડિયોમાં જુએ છે પણ તેઓ જાણતા નથી કે તેમની સાથે પણ આમ બની શકે છે. ગુલમર્ગમાં સદભાગ્યની વાત છે કે વહેતા પાણીને કારણે કોઈ મોટી જાનહાનિ કે માલહાનિ થઈ નથી, પરંતુ રસ્તાને થતા નુકસાનને કારણે લોકોને લાંબા સમય સુધી અસુવિધા થશે. ગયા વર્ષે પણ આવા જ હિમપ્રપાતમાં બે મજૂરો દટાયા હતા અને મૃત્યુ પામ્યા હતા. હિમાચલ પ્રદેશના મનાલિ વિસ્તારમાં પણ હિમપ્રપાતને કારણે આવા અકસ્માતો થતા રહે છે.


