For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આર્થિક ચિત્રમાં સુધારણા .

Updated: Mar 9th, 2023

Article Content Image

વિશ્વની પાંચમા ક્રમની અર્થવ્યવસ્થા બનવાની ઊંચાઈએ પહોંચ્યા પછી પણ ભારતને આનંદ ઓછો અને ચિંતા વધુ છે. દેશનું અર્થતંત્ર અનેક રીતે સંકટકાળમાંથી પસાર થઇ રહ્યું છે. વ્યક્તિ, સંસ્થા, રાજ્ય કે દેશ માટે સંકટ તો આવે ને જાય, કારણ કે એ તો સંસારનો સર્વકાલીન નિયમ છે. મહાપુરુષોએ તો સંકટોને જ ઘડતર કરનારા ઉત્તમ પ્રશિક્ષક માનેલા છે. આપણે ત્યાં અર્થતંત્ર પર જે સંકટ છે એનું ઉપસંકટ એ છે કે હોય છે કંઇક અને દર્શાવવામાં આવે છે કંઇક બીજું જ! આ ઢાંકપિછોડ નીતિને કારણે મૂળ સંકટ અધિક ઝડપે વધતું રહ્યું છે. જે રીતે અર્થતંત્ર વિવિધ પડકારોનો સામનો કરે છે એ રીતે દેશના ફાઇનાન્સિયલ સેકટર સામે પણ પહાડ જેવા પ્રશ્નાર્થો ઊભા છે. આ જે નોન-બેન્કિંગ નાણાંક્ષેત્રો છે એ અત્યારે સ્વયં નાણાંની કટોકટીમાંથી પસાર થઇ રહ્યા છે. ઈ. સ. ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી અને કેટલીક વિધાનસભાઓની ચૂંટણી નજર સામે જ તગતગી રહી છે, એટલે નવાં રોકાણોમાં ભારે અચકાટ જોવા મળે છે. વિદેશી રોકાણકારો પણ છેક લોકસભાની આગામી ચૂંટણીનાં પરિણામો સુધી રાહ જોઇને બેસી રહે એમ તો નથી, પણ એમણે વચગાળાનો નફો બાંધવા ભારે વેચવાલી આદરતા આ સ્થિતિમાં બજારો ઠંડી પડવા લાગી છે. અદાણી ફેક્ટર રહસ્યમય છે.

રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર બિમલ જાલાને તો સ્પષ્ટ કહ્યું છે કે અત્યારે દેશના અનેક આર્થિક સેકટરોને સપોર્ટની જરૂર છે. આ સમયમાં જો કેન્દ્ર અને રાજ્ય સરકારો તથા નીતિ નિર્માણક સંસ્થાઓ સાર્થક કદમ ઊઠાવશે અને એય સમયસર હશે તો દેશને અતિશય ઉપકારક રહેશે. ભારતની સમસ્યા જ એ છે કે દર પાંચ વરસના ચક્રમાં સતત પોલિસી બદલતી રહે છે. નવી આવનારી સરકાર જો નવી હોય તો પાછલી સરકારની નિંદા કરવામાં જ સમય વેડફી નાખે છે. એટલે દેશના લાંબાગાળાના હિતમાં કોઇ એક જ દીર્ઘકાલીન નીતિ ન તો ઘડાય કે ન તો એ ટકે છે. રિઝર્વ બેન્કે હમણાં જાહેર કરેલી નોંધ પ્રમાણે ગયા માર્ચની તુલનામાં બેન્કોના એનપીએ (એટલે કે ન ભરપાઇ થનારી લોનો)માં આ વખતે ઘટાડો થયો છે. આ ઘટાડો જોકે વીસ હજાર કરોડ રૂપિયા જેટલો છે, પરંતુ બેન્કોના કુલ એનપીએ દસ લાખ કરોડથી વધારે હોવાને કારણે આ સુધારો સાર્વત્રિક રીતે તો નહિવત્ છે, તો પણ એમાંથી એક સંકેત તો મળે જ છે કે દેશમાં બેન્કિંગ સેકટર સામે મચેલા અપૂર્વ ઉહાપોહને કારણે આખરે સુધારણાની શરૂઆત તો થઇ છે.

એ જ રીતે એનપીએમાં પણ ડૂબતા જતાં નવાં નાણાં અટકવા લાગ્યા છે. અગાઉ એનપીએના આંકડાઓ પુરપાટ વેગે વધતા હતા તેમાં બ્રેક વાગી છે. આ બધું એકલવીર શક્તિકાન્ત દાસની મહેનતનું પરિણામ છે. ગ્રોસ નોન પરફોર્મિંગ એસેટ્સનો જે સરવાળો આભને આંબતો હતો એને ધરાતલ પર આવતાં તો હજુ વરસો નીકળી જશે, પણ એ આંકડાઓ ઘટવાનો પ્રારંભ થયો છે. એનપીએમાં સુધારણાથી બેન્કોને આત્મવિશ્વાસ અને પ્રતિષ્ઠા બન્ને પાછા મળશે. નોન-બેન્કિંગ ફાઇનાન્શિયલ સેકટરમાં એક હજાર જેટલી કંપનીઓ છે અને એમાંય મહાકાય કંપનીઓ થોડીક અને નાની કંપનીઓ જ બહુ વધારે છે. આવા સંયોગોમાં જો રિઝર્વ બેન્ક અને કેન્દ્ર સરકાર એ નાની ફાઇનાન્શિયલ કંપનીઓને ઉગારવાનાં સકારાત્મક પગલાઓ ન લે તો ખાનગી સેકટરની કરોડરજ્જુ તૂટી જવાની દહેશત છે.

સરકાર માત્ર સરકારી બેન્કોને જ ટેકો કરે તે તો બરાબર છે, કારણ એ એમના હસ્તક જ છે, પરંતુ નૈતિક રીતે તો સરકારે ખાનગી કંપનીઓને નાણાં આપ્યા વિના પણ નીતિગત મદદ તો કરવી પડે એવી સ્થિતિ છે. પરોક્ષ રીતે આ ખાનગી સેકટર દેશના અનેક ઉદ્યોગોનું પરિચાલક પરિબળ છે. સરકાર અને રિઝર્વ બેન્ક પાસે પૂરતા સંસાધનો હોય છે અને છે, એનો જો અત્યારના ખરા સમયે નિર્વિવાદિત માર્ગે ઉપયોગ કરવામાં આવે તો દેશનું અર્થતંત્ર વધુ પાટે ચડી શકે છે. દુનિયાના બીજા અનેક દેશો જે રીતે આર્થિક તરફડિયાં મારે છે એ હાલત કંઇ આપણી નથી, બીજાઓની તુલનામાં આપણા કૃષિ, ઉદ્યોગો, પરિશ્રમ અને સેવાઓ મજબૂત છે.

એટલે કે અર્થતંત્રની હાલત એવી કે એટલી ખરાબ નથી કે સુધારણા ન થઇ શકે, પરંતુ હાલત એવી છે કે એને સેમિ-ક્રિટિકલ કહી શકાયય. જો આજના સંયોગોમાં નાણાં મંત્રાલય યુદ્ધના ધોરણે - જેવાં પગલાઓ ન લે તો સ્થિતિ વણસી શકે છે. અર્થતંત્રની ખરાબી ત્યારે પ્રગટ થાય છે જ્યારે સરકારી કે ખાનગી મોટા પ્રોજેક્ટ અટકી પડે. અત્યારે સરકારની જવાબદારી છે કે જે કોઇ પ્રોજેક્ટ અધૂરા છે તેને પૂરા કરે અને ખાનગી સેકટરને પણ તેમના પ્રોજેક્ટ પૂરા કરવા માટે નૈતિક તાકાત અને પ્રોત્સાહન આપે. પ્રોજેક્ટ ક્લિયરન્સ ઝડપી બનાવવાની કહેવાતા ડિજિટલિયા નેતાઓ વાતો તો બહુ કરે છે પણ વહીવટીય સાપસીડીમાં પ્રોજેક્ટ અટવાતા જોવા મળે છે. 

Gujarat