Get The App

ગોવાની રાજકીય લહેરો .

Updated: Jul 10th, 2024


Google NewsGoogle News
ગોવાની રાજકીય લહેરો                                          . 1 - image


ગોવામાં વર્ષ ૨૦૨૭માં વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે, એટલે કે હજુ તો બહુ વાર છે, પરંતુ રાજ્યમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી માટે ક્યાંક ને ક્યાંક ચિંતાનું કારણ અત્યારથી જ જોવા મળી રહ્યું છે. ગોવામાં બે સંસદીય બેઠકો છે - દક્ષિણ ગોવા અને ઉત્તર ગોવા. દક્ષિણ ગોવાની બેઠકે લોકસભા ચૂંટણીમાં ભાજપને મોટો ફટકો આપ્યો છે. પાર્ટીને લાગ્યું કે તેણે પલ્લવી ડેમ્પોને તેના ઉમેદવાર બનાવીને એક તેજસ્વી રાજકીય ચાલ ચાલી છે. ભાજપને આશા હતી કે નવા ચહેરા સાથે તે ફરી એકવાર કોંગ્રેસને તેના ગઢમાંથી હટાવી દેશે.

કોંગ્રેસે દક્ષિણ ગોવાની બેઠક દસ વખત કબજે કરી છે, જ્યારે ભાજપે ૧૯૯૯ અને ૨૦૧૪માં જીત મેળવી હતી. ડેમ્પોનું નામ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે સૂચવ્યું હતું ડેમ્પો રાજ્યમાં સંસદીય મતવિસ્તારમાંથી ચૂંટણી લડનાર પ્રથમ મહિલા હતી અને તેમનું નામ પણ ગોવાના લોકો માટે સાવ નવું નહોતું. તે એવા પરિવાર સાથે સંબંધ ધરાવે છે જે માઇનિંગ, શિપબિલ્ડીંગ, સ્પોર્ટ્સ અને રિયલ એસ્ટેટ ક્ષેત્રે સંકળાયેલા છે. તેના સોગંદનામામાં ડેમ્પોએ રૂ. ૨૫૫.૪૪ કરોડ રૂપિયાની સંપત્તિની વિગતો આપી હતી. તેમના પતિ શ્રીનિવાસ ડેમ્પોએ રૂ. ૯૯૮.૮૩ કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી હતી.

આમાંની મોટાભાગની અસ્કયામતો ૮૧ કંપનીઓમાં શેરહોલ્ડિંગના સ્વરૂપમાં હતી અને કેટલીક મોટી બ્રાન્ડ્સ અને બેન્કો પાસેથી ખરીદેલા બોન્ડ્સના સ્વરૂપમાં હતી. ડેમ્પો દંપતી પાસે દુબઈ અને લંડનમાં ઘર છે. એફિડેવિટ મુજબ તેની પાસે મોંઘી કાર, જ્વેલરી અને અન્ય રોકાણ પણ છે. કાંગ્રેસે કપ્ટન વિરિયાતો ફર્નાન્ડિસને ડેપોની સામે પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. ફર્નાન્ડિસ ૨૬ વર્ષ સુધી સેવા આપ્યા બાદ ભારતીય નૌકાદળમાંથી નિવૃત્ત થયા હતા. તેમણે તેમની સેવા માટે અનેક પ્રશસ્તિપત્રો પણ પ્રાપ્ત કર્યા છે અને જ્યારે ભારતીય નૌકાદળે ઓપરેશન તલવાર શરૂ કર્યું હતું અને તેના સૈનિકો સુધી સહાય પહોંચતી અટકાવવા માટે પાકિસ્તાની બંદરો પર નાકાબંધી કરી હતી ત્યારે કારગિલ યુદ્ધમાં પણ પરોક્ષ રીતે ભૂમિકા ભજવી હતી.

ફર્નાન્ડિસે દક્ષિણ ગોવાની બેઠક ૧૩,૦૦૦ મતોથી જીતી હતી. બીજેપી ઉત્તર ગોવાની બેઠક જાળવી રાખવામાં સફળ રહી અને તેના ઉમેદવાર અહીં એકાદ લાખ મતોથી જીત્યા. પરંતુ, દક્ષિણ ગોવાની બેઠક રસપ્રદ છે કારણ કે તેમાં ખ્રિસ્તી સમુદાયની મોટી વસ્તી છે. ઉદાહરણ તરીકે, સાલ્સેટમાં, વસ્તીના ૪૦ ટકા ખ્રિસ્તીઓ છે. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત અને રાજ્ય ભાજપ અધ્યક્ષ સદાનંદ તનાવડે સહિત ભાજપના નેતાઓએ દક્ષિણ ગોવાની બેઠકમાં હાર માટે બહુમતી ખ્રિસ્તી વર્ગ અને ખ્રિસ્તી 'ધર્મગુરુઓ'ની ભૂમિકાને જવાબદાર ગણાવી હતી.

ગોવાના કેથોલિક ચર્ચના વડા ફિલિપ નેરી ફારાઓએ અનુયાયીઓને બંધારણમાં નોંધાયેલા મૂલ્યોનું પાલન કરનારાઓની તરફેણમાં મતદાન કરવા જણાવ્યું હતું. પરંતુ સત્ય થોડું વધારે જટિલ છે. વર્ષ ૨૦૨૨માં રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં જીતેલા કોંગ્રેસના ૧૧ ધારાસભ્યોમાંથી ૮ ભાજપમાં જોડાયા, જેનાથી રાજ્ય વિધાનસભામાં તેના (ભાજપ) સભ્યોની સંખ્યા વધીને ૩૩ થઈ ગઈ. રાજ્ય વિધાનસભામાં કુલ ૪૦ બેઠકો છે. આ આઠ ધારાસભ્યોમાં દક્ષિણ ગોવાની વિધાનસભા બેઠકો પરથી ત્રણ મોટા નામ ચૂંટાયા હતા.

ચર્ચે મતદારોને કેટલા પ્રભાવિત કર્યાં અને પક્ષપલટો કરનારા નેતાઓથી લોકો કેટલા નિરાશ થયા તે કહેવું મુશ્કેલ છે. પરંતુ ઘણી હદ સુધી પરિસ્થિતિ સ્પષ્ટ છે કારણ કે ભલે ભાજપે ઉત્તર ગોવાની બેઠક મોટા માર્જિનથી જીતી હોય, પરંતુ પક્ષ બદલનારા ધારાસભ્યોનું વર્ચસ્વ ધરાવતા વિધાનસભા ક્ષેત્રોમાં ભાજપનું પ્રદર્શન સારું નહોતું. તેથી, ભાજપ આમાંથી જે બોધપાઠ લઈ શકે છે તે એ છે કે કેટલીકવાર માત્ર થોડી બુદ્ધિ દેખાડવાથી તમને મોટું નુકસાન થાય છે. રાજ્યમાં રાજકીય પક્ષોને વિભાજિત કરીને 'સ્થિર' સરકાર બનાવી શકાય છે, પરંતુ પછી લોકસભામાં, લોકો દક્ષિણ ગોવાની બેઠકમાં જે કર્યું તે કરી શકે છે.રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી મનોહર પરકરે ૨૦૧૪માં ગોવામાં ભાજપની જીતની સ્ક્રિપ્ટ ચર્ચને સાથે લઈને લખી હતી. 


Google NewsGoogle News