અંધારી આલમનો વિકાસ .
એડવિન સધરલેન્ડ નામના ગુનાખોરીના સંશોધનશાસ્ત્રના ભીષ્મપિતામહે આદિકાળે એવું કહ્યું છે કે એક અપરાધીના મોત સાથે અન્ય સંખ્યાબંધ અપરાધોના રહસ્યોનો ન્યાયતંત્રને અપ્રિય એવો અંત આવે છે. માટે અપરાધીનું બિનન્યાયિક મોત સૌથી મોટો અપરાધ છે જે સમાજમાં અન્ય એના સંબંધિત સહાયક અપરાધીઓને મુક્ત રહેવાની વ્યવસ્થા કરીને હવામાં ઓગળી જાય છે.
વિકાસ દુબેના મોત સાથે ઉત્તર પ્રદેશના અનેક રાજકીય અપરાધીઓને હાલ પૂરતી તો ગુમનામ રહેવાની સગવડ મળી ગઈ છે. જ્યારે ફિલ્મ થિયેટરોના રજતપટ પરના તમામ વિલન અદ્રશ્ય થઈ ગયા છે અને એમને જોવાની ટિકિટ પણ મળતી નથી ત્યારે ઉત્તર પ્રદેશની યોગી આદિત્ય સરકારે એક રિયલ વિલનના દિલધડક એન્કાઉન્ટરના દ્રશ્યો ભારતીય પ્રજા સમક્ષ, સમાજ જીવનના ખતરનાક વાસ્તવ તરીકે રજૂ કર્યા છે.
ઉત્તર પ્રદેશના કાનપુરમાં દરોડો પાડીને પોતાને પકડવા આવેલા એક વરિ સહિતના આઠ પોલીસમેનને તેમની ફરજ દરમિયાન મોતને ઘાટ ઉતારી શહીદ કરનારા વિકાસ દુબેને શોધવા માટે લગભગ એક સપ્તાહ સુધી યુપી પોલીસના વિરાટ કાફલાએ જે ધરતી ઘમરોળી એમાં જ એ રાજ્યના ગૃહખાતાની સર્વ સુષુપ્તતા, ઉદાસી અને આંખે પાટાનો આટાપાટા જેવો હિસાબ પ્રગટ થઈ જાય છે. યોગી આદિત્ય સરકારે આ વિકાસને પકડવા માટે પચીસ ટીમનો મોટો એક કાફલો દોડાવ્યો હતો. અને છતાં એનાથી તો વિકાસ ઝડપાયો નથી.
મધ્ય પ્રદેશના ઉજ્જૈનના સુપ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિરની બહારથી જે રીતે એ ઝડપાયો એ ઘટનાથી શરૂ થયેલી નાટયાત્મકતા વિકાસના એન્કાઉન્ટર સુધી ફેલાયેલી છે. માત્ર વિકાસની કોલ ડિટેઇલ જાહેર કરવામાં આવે તોય ખબર પડી જાય કે મહાકાલેશ્વરના પગથિયે પહોંચ્યા પહેલા એણે બચવા માટે કોના કોના પગથિયા ઘસી નાંખ્યા હતા. પરંતુ મિસ્ટર આદિત્ય યોગી એ કદી જાહેર થવા દેશે નહિ કારણ કે એમાં પાણ્ડવાની સાથે અનેક મામકાઃ પણ હશે.
વિકાસનો વિકાસ ઉત્તર પ્રદેશમાં આજકાલનો નથી. છેલ્લા એક દાયકાથી આ રાજ્યમાં સરકારને સમાંતર કહેવાય એ હદે ભૂગર્ભમાં અંધારી આલમ કાર્યરત છે. વિકાસ તો એનો એક માત્ર ચહેરો હતો. સમગ્ર રાજ્યમાં સહસ્ર ફેણ જેવી અંધારી આલમે ભરડો લીધેલો છે. આ અસામાજિક તત્ત્વોથી ત્રાસીને છેલ્લા એક દાયકામાં અબજો રૂપિયાનું રોકાણ કરનારા ઉદ્યોગો બીજા રાજ્યોમાં ટ્રાન્સફર થઈ ગયા છે.
આજે પણ યુપીના કોઈ પણ શહેરના પોલીસ દફતરે વ્યક્તિગત ખૂનકેસના હજારો કેસ અણઉકેલ પડયા છે. એમાંના મોટાભાગના પ્રોફેશનલ કિલરોએ સોપારી લઈને કરેલા હત્યાકાણ્ડ છે. વિકાસ દુબે હવે ઉત્તર પ્રદેશની અંધારી આલમની એક છતી થઈ ગયેલી ઓળખ છે એટલું જ, બાકી હજુ આ વિકાસનો આપરાધિક વંશવેલો યુપીમાં પૂરબહારમાં વિકસેલો છે અને એને તમામ રાજકીય પક્ષોની હૂંફ મળતી રહે છે.
વિકાસ દુબે સામે પોલીસ ચોપડે ચડેલા સાંઈઠથી વધુ અપરાધો હતા. જો માત્ર આ અપરાધ સંખ્યાને આધાર માનીને ચાલવામાં આવે તો સાંઈઠથી વધુ કેસમાં વોન્ટેડ હોય એવા ગુનેગારોનું લિસ્ટ યોગીનું ગૃહખાતું તૈયાર કરે તો એ લિસ્ટ પાંચ-સાત હજાર સુધી પહોંચે. છેલ્લા દાયકામાં બોલિવૂડે અનેક ફિલ્મોમાં યુપીનું અન્ડરવર્લ્ડ એની આગવી જાનપદી ભાષા સાથે રજૂ કર્યું છે.
એટલે દેશના સિનેદર્શકો પાસે તો ઉત્તર પ્રદેશની અંધારી આલમનું ચિત્ર છે જ, પરંતુ અગાઉની અખિલેશ યાદવની મુલાયમ અભિગમ ધરાવતી ચોકલેટી એન્જિનિયર સરકાર કે યોગીની ભક્તિભાવના વિનાના રાજકીય ભગવા ધારણ કરેલી, સંસારીઓનું વૈરાગી નેતૃત્વ ધરાવતી સરકાર પાસે પોતાના જ રાજ્યની અંધારી આલમનું રિયલ પિક્ચર નથી. કારણ કે આ સરકાર પણ પોતાના પક્ષના ચોક્કસ એજન્ડાઓમાં એટલી બધી ગળાડૂબ છે કે પ્રજાહિતના કાયદો અને વ્યવસ્થાની ધુરા સંભાળવાનો સમય બહુ ઓછો બચે છે.
દુબે નેપાળ નાસી ગયો હતો અને ત્યાં ભીંસ વધતા મધ્યપ્રદેશના ગામડાંઓમાં સાગરિતો સાથે ભૂગર્ભમાં ભટકતો હતો એવી એક દંતકથા છે. તદનુસાર એને જીવતદાનનું ફેઈક વચન મધ્યસ્થી દ્વારા મોકલાવીને હાજર થવા ને શરણે આવવા કન્વીન્સ કરવામાં આવ્યો હતો. પછીથી મહાકાલેશ્વરના મંદિર બહારનો આખો તખ્તો ગોઠવાયો હતો. આ પણ માન્યતા જ છે. યુપી સરકારે આ સમગ્ર પ્રકરણ અંગે નીરક્ષીર અલગ કરીને સત્યને પ્રજા સમક્ષ મૂકવું જોઈએ.
ઉત્તર પ્રદેશની જેલોમાં અનેક માફિયાઓ કેદ છે અને એટલા જ બહાર છે. જેઓ જેલમાં છે તેઓ ત્યાં બેઠાબેઠા જ બધા ખેલ પાર પાડે છે. ખરેખર તો યુપી સરકારના ગૃહખાતાનું જ નવીનીકરણ કરવાની જરૂર છે. નહિતર હજુ પણ વિકાસ દુબે પછી વિકાસ તુબે ને વિકાસ ચોબે પણ લખનૌના ચોકમાં જોવા મળશે.