ઓટીટી ભવિષ્ય છે અને સિનેમાના પાટિયાં પડી ગયાં છે આ સત્ય હવે આઉટડેટેડ છે. સાઉથનું સિનેમા ચાલે છે અને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ફિક્કી પડી રહી છે એ પણ ઉપરછલ્લું સત્ય છે. છતાં કેટલીક ફિલ્મો હમણાં ચાલી છે. એમેઝોન, હોટસ્ટાર, નેટફ્લિક્સ, સોની લીવ, ઝી ફાઈવ, શેમારું, એચબીઓ, હુલુ જેવા ઓવર ધ ટોપ (ઓટીટી) પ્લેટફોર્મ તેની પરાકાષ્ઠાએ પહોંચી ગયા છે અને ત્યાંથી હવે તેની અવનતિનો માર્ગ સુરેખ દિશામાં નીચે તરફ ઢળી રહ્યો છે. અપવાદો બાદ કરતાં સિનેમા સ્ક્રીન ખાલી રહે છે. થિયેટરોમાં ફૂટફોલ સતત ઘટી રહ્યા છે. દિવાળી હોય કે નાતાલ, હાઉસફૂલના પાટિયાં વણવપરાયેલાં રહે છે. મોટાં મોટાં ઓટીટી પ્લેટફોર્મના સબ્સ્ક્રાઇબર્સ ઘટી રહ્યા છે. એમેઝોન કે નેટફ્લિક્સ જેવા વૈશ્વિક પ્લેટફોર્મ તેનો કર્મચારી ગણ ઘટાડી રહ્યા છે, કારણ કે તે બધા ધીમે ધીમે ભીંસમાં આવી રહ્યા છે. બોલિવુડ કહેવાતી મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રી હોય કે દક્ષિણ ભારતની તમિલ - તેલુગુ - કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી હોય બધે પ્રગતિનો સૂચકાંક સ્થિર થઈ ગયો છે અથવા તો અધોગતિ દર્શાવી રહ્યો છે.
ઈ. સ. ૨૦૨૬ એક પણ માધ્યમ માટે 'કેકવોક' સાબિત થવાનું નથી. ૨૦૨૬ની સાલ પોતાની પ્રગતિ માટે નહીં, પણ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટેના સંઘર્ષની સાલ દરેક મનોરંજન માધ્યમ માટે સાબિત થશે. જો સિનેમા સ્ક્રીન પણ ચાલતા ન હોય અને ઓટીટી માધ્યમો પણ મંદ થઈ ગયા હોય તો ચાલે છે શું? ૨૦૨૬માં મનોરંજનનું કયું માધ્યમ ટોપ ઉપર હશે? જવાબ છે - રીલ્સ અને શોર્ટ્સ. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની રીલ્સ અને 'યુટયુબ શોર્ટ્સ' ના નામે ઓળખાતા ટૂંકા વીડિયો અત્યારે મનોરંજનની આખી દુનિયાનાં સમીકરણો ઉથલાવી રહ્યાં છે. સિત્તેર એમએમના પડદા ઉપર સિત્તેર સેકન્ડનો વીડિયો ભારે પડી રહ્યો છે. સાઉથની ખમતીધર ફિલ્મ દુનિયા ઉપર શોર્ટ વીડિયો બાહુબલી બનીને ફરી વળ્યા છે. ઓટીટીના સબસ્ક્રાઈબર્સને તેનો પ્લાન રિન્યુ કરાવવામાં રસ નથી, કારણ કે તેના ફોનમાં એક સાથે દસ હજાર નવા વીડિયો રોજ આવે છે. ફક્ત એક અંગૂઠો ટચસ્ક્રીનને સહેજ સ્પર્શે એવો નવો વીડિયો આવી જાય છે.
અંગુઠામાં એકલવ્યથીય એટલી વધુ તાકાત છે કે દર ત્રીસ સેકન્ડે તે વ્યક્તિના મનોરંજનની દુનિયા બદલી કાઢે છે. અર્થશાસ્ત્રની ભાષામાં કન્ઝયુમર એટલે કે ઉપભોક્તા પાસે મનોરંજનના સંદર્ભે આટલો પાવર ઇતિહાસમાં ક્યારેય ન હતો. એક ફિલ્મ આવતી જે મહિનાઓ સુધી ચાલતી. આખું વર્ષ તે ફિલ્મની જ વાત પાડોશમાં, તે ફિલ્મની જ ફેશન માર્કેટમાં અને તે ફિલ્મનાં ગાયનો જ રેડિયોમાં સાંભળવામાં આવતા. હવે આવી મોનોપોલી રહી નથી. ઉપભોક્તા પોતે સર્જક બની ગયો છે. પોતે જ પોતાના પરિવાર સાથે રીલ બનાવે છે અને આખો પરિવાર દીવાનખંડમાં બેસીને પોતપોતાના ફોનમાં દિવસની એકાદી કલાક જુદી જુદી રીલ - વીડિયો જોઈને પોતાને જોઈતું મનોરંજન મેળવી લે છે. સિનેમા - ઓટીટી - સાઉથની ફિલ્મો - બોલિવુડ - સ્ટારડમ પાવર વગેરેને એક મંત્ર નજર સામે દેખાઈ રહ્યો છે અને તે છે 'ધબાય નમ:'.
ટાઇમ મેગેઝિને આ વર્ષે હીરો ઓફ ધ યર અને પર્સન ઓફ ધ યર કોને જાહેર કર્યા એ જોવા જેવું છે. રૂઢિચુસ્ત ઈરાનમાં હિજાબ સામે મોરચો માંડતી મહિલાઓ અને યુક્રેનની પ્રજાને ટાઇમ મેગેઝિન આ વર્ષના હીરો તરીકે ઓળખે છે. ફક્ત એક જ વ્યક્તિ મહાન બને એ સમય હવે જતો રહ્યો છે. લોકશાહી અને સામૂહિક તાકાત તેના સર્વોત્તમ બિંદુ ઉપર પહોંચી રહી છે. સમાજ અને અર્થકારણમાં છેલ્લે પ્રજાનું ચાલે છે. સરમુખત્યારી ભેજું ધરાવતા પુતિન જેવા ઘુરિયલ શાસકને પણ રશિયન પ્રજાની નારાજગી ભોગવવી પાલવતી નથી અને જલ્દી યુદ્ધવિરામ થશે એવું રાહતવચન આપવું પડે છે. મનોરંજનના માધ્યમમાં દાયકાઓ સુધી અમુક કુટુંબો અને અમુક પ્રોડક્શન હાઉસે બેફામ સત્તા ભોગવી અને તેનો દુરુપયોગ પણ કર્યો. ઈન્ટરનેટ આવ્યા પછી મોનોપોલીની તીવ્રતા મંદ થઈ પણ તે દૂષણ પૂરું ન થયું. દૂષણ પૂરું કર્યું ટૂંકા વીડિયો બનાવનારી એપ્લિકેશનના ઉદય પછી.
અત્યાર સુધી દર્શક બનતી પ્રજા પોતે સ્ક્રીન ઉપર આવતી થઈ. હવે હીરો કે હિરોઈન બનવા માટે મુંબઈ ધક્કા ખાવાની જરૂર ન રહી. ઈંટોના તગારા ઉંચકતા ઉંચકતા પણ વીડિયો બનાવીને લાખો લોકો સુધી પહોંચી શકાય છે. આ શોર્ટ વીડિયો બનાવવા એ શરૂઆતના તબક્કામાં ચોક્કસપણે એક રમકડું હતું પણ હવે તે મલ્ટી બિલિયન ઇન્ડસ્ટ્રી બની ગઈ છે. ગુજરાત વિધાનસભાની આ ચૂંટણીમાં બધા રાજકીય પક્ષોએ પોતાના ચૂંટણીપ્રચારનું મોટું બજેટ રીલ્સ અને શોર્ટ વીડિયો બનાવવા પાછળ ખર્ચ્યું તે જ બીજા બધાં મનોરંજન માધ્યમો અને મોટી સ્ક્રીનની પડતી સૂચવે છે. એક મિનિટના વીડિયોએ એક સદી સુધી ભેગુ કરેલું અભિમાન તોડી નાખ્યું છે. સુપર સ્ટાર અને ક્રાઉડ પુલર જેવી વિભાવનાઓ ઇતિહાસ બની રહી છે. ૨૦૨૬ પ્રજાની સાથે પ્રજા માટે અને પ્રજા દ્વારા નવો ઇતિહાસ લખશે.


