For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

શેરબજારનો આકસ્મિક ઉછાળો

Updated: Jan 9th, 2023


- શેરબજારનો આકસ્મિક ઉછાળો

બજાર નરમ હોવી જોઈએ છતાં ગરમ રહે તો એ એક કોયડો છે. લગભગ હજારેક પોઈન્ટના ઉછાળા સાથે ગઈકાલે સેન્સેક્સે રોકાણકારોને આશાઓનું ઘોડાપુર બતાવ્યું. સોના-રૂપામાં પણ તેજીનો વાયરો શરૂ થયો છે. ભારતીય શેરબજારમાં સદાય રહસ્યમય ગતિવિધિ ચાલતી રહે છે. નાણાં મંત્રાલય સિવાયની કેન્દ્ર સરકારની એક ગોપનીય ટીમ એવી છે જેની શેરબજાર પર નજર રહે છે, કારણ કે દુનિયાના અને દેશના એક વર્ગમાં હજુ પણ શેરબજારને દેશના અર્થતંત્રના બેરોમીટર તરીકે જોવાની ટેવ છે. હમણાથી ભારતીય શેરબજારની ચાલ અર્થતંત્રથી વિપરીત છે. એટલે કે ચારે બાજુ મંદીનો માહોલ છે અને વિકાસના અંદાજ પણ પતન પામવા લાગ્યા છે ત્યારે શેરબજારમાં મજબૂતી જોવા મળે છે. આ મજબૂતી જોકે બધા જ શેરોમાં વ્યાપક નથી, પરંતુ મહત્ત્વના અને લીડ કરનારા શેરોમાં છે. બજારની આ અકળ ગતિ જલ્દીથી ઓળખાય એવી નથી. આમ પણ ભારતીય શેરબજારમાં એક નંબરના અને બે નંબરના એમ બન્ને પ્રકારના ખેલાડીઓ સક્રિય હોય છે એટલે આજકાલના નવા ઉછાળા છતાં નાટયાત્મકતા તો જળવાશે જ.

એનું બીજું એક કારણ એ છે કે આ બજાર હવે આંચકા પચાવી જાય છે. છેલ્લા બે-ત્રણ વરસથી ઠેબા ખાતું અર્થતંત્ર હવે પાટે ચડવાની મોટા રોકાણકારોને આશા છે. લોકડાઉન પછી અનલોક અને એમાં વળી નવા વેરિયેન્ટના નવા લોકડાઉનની દહેશત. બજારના નિષ્ણાતો પણ ચકરાવે ચડે એમ છે. પાછલા અનુભવોમાં નાના રોકાણકારો અનેકવાર ધોવાયા છે. અનેકવાર એવું બન્યું છે કે શેરદલાલોની એક રિંગ બની જાય છે અને બધે લીલી વાડી દેખાવા લાગે છે. એટલે નાના રોકાણકારોનો વિરાટ સમૂહ એમાં પ્રવેશે છે. પછી રાતોરાત ચિત્ર બદલાઈ જાય છે. શેરબજારમાં એવા અનેક કડાકાઓ થયા છે એટલે પ્રારંભિક કોઈ પણ તેજી એ વધુ એક નવા કડાકા તરફ તો નથી લઈ જતીને? એ રોકાણ સાહસિકોએ જોવું પડે, કારણ કે ઘણીવાર લીડ શેરોને બી જૂથના શેરો અનુસરવા લાગે છે. એવા ડોગ શેરમાં અનેક લોકો આજ સુધી ધોવાયા છે, કારણ કે આખરે તો જે તે કંપનીના ફન્ડામેન્ટલ વિકાસ પર જ બધો આધાર હોય છે.

હર્ષદ મહેતાના જમાનાથી પોતાના શેરને ફુલાવવાની જે કેટલીક કંપનીઓને ટેવ પડી છે એ હજુ કંઈ ગઈ નથી. તેઓ નીચા ભાવે પોતાના જ કરોડોના શેરબજારમાંથી ધીરે ધીરે કવર કરી લે છે. પછી એકાએક લેવાલી વધારીને ઊંચા ભાવે લઈ જઈ તમામ અંકે કરેલા શેર વેચીને જંગી મૂડી ઊભી કરી લે છે. બેન્કોના વ્યાજદર ઘટયા પછી એક સાવ નવો જ રોકાણકાર વર્ગ બજારમાં દાખલ થયો છે અને એણે હજુ આ બધા ભીતરી ચલણ-વલણ જાણવાના બાકી છે. શેર બજારમાં હંમેશા રોકડિયું જ્ઞાાન મળે છે એટલે કે રોકડ ગુમાવીને પ્રાપ્ત થતું જ્ઞાાન! એટલે નવા રોકાણકારોએ બેન્કોના વિકલ્પે ઊંચી ટકાવારી લઈ લેવા જો અહીં ઝંપલાવ્યું હોય તો એમણે આંખેથી પાટા છોડીને સાવધાન રહેવાની જરૂર છે.

દેશના અર્થતંત્ર પર નજર રાખનારાઓ શેરબજારની ગતિ જોઈને ઉલઝનમાં પડી જાય એવું આ હવામાન છે. દેશના આર્થિક વિકાસદર સામે પહાડી આશંકાઓ છે. ઉત્પાદન, સેવાઓ અને કૃષિનો કુલ સરેરાશ વિકાસદર આ ચાલુ નાણાંકીય વરસમાં વિક્રમજનક તળિયે પહોંચવાનો છે. રેટિંગ એજન્સીઓ વિકાસદરનો અંદાજ ઘટાડવા લાગી છે, પરંતુ બીએસઈ અને એનએસઈનો ગ્રાફ સતત, થોડીક વચગાળાની ચડ-ઉતર બાદ કરતાં, સતત ઊંચે જઈ રહ્યો છે. શેરબજાર આવા અણધાર્યા ઉછાળા કેમ મારી રહ્યું છે? હકીકત એ છે કે હવે શેરબજારને દેશના અર્થતંત્રનો અરીસો સમજવાની ધારણા જ ખોટી છે. આર્થિક વિકાસના આંકડાઓનો શેરબજાર પર પ્રભાવ જરૂર પડે છે, પરંતુ હવે તો એ થોડા સમય માટે જ હોય છે.

હજુ સુધી ન ઝડપાયેલા અને એથી જેલમાં ન ગયેલા બેન્ક અધિકારીઓએ વિવિધ કંપનીઓ સાથે મળીને જે કૌભાંડો આચર્યા છે એની તો આખી નવી વંશાવલિ જ પ્રગટ થવાની બાકી છે. એવા અધિકારીઓના પેન્શન તો જશે પણ સરકાર એમની મિલકતોનું પણ લીલામ કરીને એ રકમ બેન્કમાં જમા લેશે. દેશના મુખ્ય નાણાકીય પ્રવાહની આધારશીલા એવી બેન્કોની અરાજકતાની પણ હવે શેરબજારને કંઈ પડી નથી. વિકાસ નરમ છે, પરંતુ સેન્સેક્સ ગરમ છે. આ કૌતુકમાં બહુ રાજી થવા જેવું નથી અને રોકાણકારોએ ખરેખર તો ચેતીને ચાલવા જેવું છે. અત્યારે ભારત ઉપરાંત દુનિયાના અનેક દેશોમાં શેરબજારમાં ગરમાવો જોવા મળે છે. વૈશ્વિક મંદીના આ વાતાવરણમાં ભારતનું બુનિયાદી અર્થતંત્ર તો એ દિશામાં ગતિ કરી રહ્યું છે જ્યાં મંદીની સૌથી વધુ અસર થવાની દહેશત વિદ્વાનોએ વ્યક્ત કરી છે.

Gujarat