આજકાલ સર્વોચ્ચ અદાલતમાં પ્રેમ પ્રકરણના કિસ્સાઓના થરના થર શરૂ થઈ ગયા છે. પોક્સો કાયદાને કારણે દેશની અનેક નાની અદાલતોમાં વિવિધ પ્રેમ પ્રકરણો ગંભીર અપરાધની સીમા રેખાની અંદર પ્રવેશી ગયા છે. હવે અદાલતો માટે પણ એનું સીમાંકન અને સીમા ઉલ્લંઘન અઘરું છે, કારણ કે ૧૮ વર્ષથી નીચેની વયના યુવક યોવતીઓને એનાં ગુનેગાર માનવામાં આવે છે. એટલે કે તેમનામાં શરીરમાં કે મનમાં કુદરતી રીતે જ પ્રવેશેલી વસંતનૈ ભારતીય કાનૂનો મંજુરી આપતા નથી. પ્રેમને અપરાધ તરીકે જોનારો બહુ મોટો સમુદાય ભારતીય સમાજમાં છે અને એ પરંપરાથીથી ચાલ્યો આવતો સમાજ છે અને તે શાસ્ત્રોક્ત રીતે યોગ્ય પણ છે.
ભારતના સર્વ ધર્મમાં વ્યાપ્ત સંસ્કારિકતામાં ઉચ્ચ ચરિત્રના જે ગુણગાન ગાવામાં આવ્યા છે તે સીધી રીતે સત્ય અને નીતિપરક યુવાન હૈયાઓના ઉમંગો માટે અત્યંત વિઘાતક પુરવાર થઈ રહ્યા છે જેના તરફ દેશની સર્વોચ્ચ અદાલતનું ધ્યાન ગયું છે. તાજેતરમાં સર્વોચ્ચ અદાલતે વિવિધ અરજીઓના સંદર્ભમાં વારંવાર એવી ગાઈડલાઈન ઉચ્ચારી છે કે ભારત સરકારે અને કાયદાના ઘડવૈયા તરીકે ચૂંટાયેલી પાંખોએ આ દિશામાં થોડું ધ્યાન આપવું જરૂરી છે કે ખરેખર જ જે પ્રેમી પંખીડાઓ એની નિશ્ચિત વય પહેલાં ઉડી જાય છે અને પછી તેઓ સ્વાભાવિક રીતે પકડાઈ જાય છે ત્યારે તેવાઓમાંના કન્યાપાત્ર મુક્ત થઈને પિતૃગૃહે જાય છે અને યુવક કે તરૂણ જાણે કે ખતરનાક યાતનાઓ ભોગવવા માટે જેલના સળિયાની પાછળ જતો રહે છે. એક યુવાન હૃદય માટે પતંગિયાની જેમ ફૂલોની પાછળ પાછળની યાત્રામાંથી જેલના સળિયાની પાછળ પહોંચી જવાની આ ઘટના કદાચ દોષિત અને નિર્દોષ એમ બંને યુવાનો માટે એક નવી ખતરનાક ગેઈમ બની ગઈ છે.
જોકે એના પરિણામ સ્વરૂપે સમાજનાં અન્ય યુવક-યુવતીઓમાં જે ધાક બેસવી જોઈએ એવી કોઈ ધાક બેસી નથી અને એનું એવું કોઈ પરિણામ સમાજને પ્રાપ્ત થયું નથી. ઊલટાનું એનું પુનરાવર્તન તો તેઓના અંતઃકરણની મોસમને કારણે અથવા તો યુગના પ્રભાવને કારણે અથવા તો સામુદાયિક માધ્યમો અને ટેકનોલોજીને કારણે વધતું જ રહ્યું છે. આવા સંજોગોમાં સર્વોચ્ચ અદાલતના નામદાર ન્યાયમૂર્તિઓએ ભારત સરકારને ટકોર કરી છે કે આવા જે કેટલાક કિસ્સાઓ કે જેમાં બંને પક્ષો સંમત હોય બંને પરિવારો પણ એકમત ધરાવતા હોય અને થોડીક ઉંમરની બાંધછોડ હોય એમાં રોમિયો એન્ડ જુલિયેટ ક્લોઝ લગાવવો જોઈએ. સુપ્રીમ કોર્ટે આ પરિભાષા વાપરીને બહુ ટૂંકા શબ્દોમાં એક આખું નવું પ્રણય શાસ્ત્ર સમાજના અને સરકારના મૂકી દીધું છે.
સર્વોચ્ચ અદાલતનું કહેવું છે કે આવી ઘટનાઓને કાયદા અને કાનૂનના ચશ્માથી જોવાને બદલે હૃદયથી આત્મસાત કરવી જોઈએ અને એનો ન્યાય બૌદ્ધિક રીતે કરવાને બદલે હૃદયથી કરવો જોઈએ, કારણ કે ઘણા બધા કિસ્સામાં અપરાધ હોતો નથી. યુવાનોની આ ઘટનાઓ જે બૌદ્ધિક રીતે અપરાધી સાબિત થતી હોય તે હૃદયની અદાલતમાં નિર્દોષ સાબિત થઈ શકે છે. એટલે કે તેઓ વચ્ચેનો સંબંધ નિર્દોષ અને પવિત્ર હોઈ શકે છે. જોકે આ પ્રકારનો અભિગમ દાખવવો બંધારણીય સંસ્થાઓ માટે બહુ અઘરો વિષય છે. એક તો મૂળભૂત રીતે કાયદામાં નવા ફેરફાર કરવા પડે જે કાયદાને કારણે રાજકીય પક્ષો સમાજમાં એવો યશ લઈ રહ્યા છે કે અમે સમાજના નાની વયના લોકોના ઉચ્ચ ચારિત્રનું પાલન પોષણ કરીએ છીએ.
એની સામે બીજી પરિસ્થિતિ એ છે કે અદાલત પાસે જ્યાં સુધી કાનૂની પરિવર્તનનો આધાર ન હોય અને કાયદાની સુધારણાઓ એના સત્તાવાર સ્વરૂપમાં ન હોય ત્યાં સુધી બુદ્ધિના વિકલ્પે અદાલતો કદી હૃદયથી વિચારી શકે કે નહિ તે પણ એક કોયડો છે. માત્ર લિખિત બંધારણ ધરાવતા ભારતમાં જ નહીં, પણ અલિખિત બંધારણ ધરાવતા બ્રિટનમાં પણ આ એક સમસ્યા હોય છે. કાનૂની પ્રક્રિયાઓ પાર પડી ન હોય ત્યાં સુધી માત્ર અંતઃકરણના અવાજને અનુસરીને કોઈ ન્યાયતંત્ર આ પ્રકારના સંવેદનશીલ કિસ્સામાં ચૂકાદો આપી શકે નહીં, અલબત્ત, સર્વોચ્ચ અદાલતની એ રોમિયો એન્ડ જુલિયેટ ટકોર બતાવે છે કે કાનૂનની દેવીની આંખે પાટા છે પરંતુ એનું હૃદય હજી પણ ધબકે છે. જો કોઈ ઘટના વિશુદ્ધ માનવીય પ્રેમથી વિભૂષિત હોય અને એમાં લવ જેહાદ કે શારીરિક વ્યર્થ આકર્ષણથી જન્મતા જાતીય શોષણ ન હોય અને ઉંમર સિવાયની તમામ સામાજિક સભ્યતા અને સંસ્કૃતિનું અવિચ્છિન્ન રીતે સહજ પાલન થતું હોય તો સમાજે એના પર સકારાત્મક વિચાર કરવો જોઈએ કે નહિ એટલો જ પ્રશ્ન પરોક્ષ રીતે ભારતીય સમાજને ન્યાયતંત્રે પૂછયો છે અને એનો જવાબ પણ સમાજ અને સમાજના મોભીઓએ શોધવાનો રહે છે.


