Get The App

લાંચની ભિક્ષાનો રિવાજ .

Updated: Dec 10th, 2025

GS TEAM

Google News
Google News
લાંચની ભિક્ષાનો રિવાજ                                   . 1 - image

કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી ભ્રષ્ટાચાર સામે થોડાક પગલાં લેવાની શરૂઆત થઈ છે એવું દેખાય છે. કારણ કે ભાજપને યાદ આવ્યું છે કે મુખ્યત્વે તો કોંગ્રેસની યુપીએ સરકારના ભ્રષ્ટાચાર સામે બૂમાબૂમ કરવાથી આપણને ઈ. સ. ૨૦૧૪ માં કેન્દ્રમાં સત્તા મળી હતી. એ સમયે કોંગ્રેસ પાસે પણ દૂધે ધોયેલાં સ્વયં અભ્રષ્ટ વડાપ્રધાન હતા. જે મનમોહનસિંહને આજે પણ પ્રજા સન્માનસહ યાદ કરે છે. છતાં આખું જહાજ ડૂબી ગયું હતું. એકલો કેપ્ટન વિશાળ જહાજને બચાવી શકે નહિ. ખલાસીઓ પણ અભ્રષ્ટ હોવા જોઈએ. કોંગ્રેસ કે ભાજપમાં એ શક્યતા ઓછી છે. ભાજપમાં નીતિન ગડકરી કક્ષાના લોકો નહિવત્ છે. વળી ગડકરીના પુત્રની જાહોજલાલી હવે છતી થવા લાગી છેત્ભ્રષ્ટાચાર સામે કેન્દ્ર સરકારે શરૂ કરેલી ઝુંબેશ કઈ હદ સુધી સફળ નીવડે છે તે જોવાનું રહે છે. ડ્રગ્સ અને શરાબના મૂળમાં લાંચિયા અધિકારીઓનું ટોપલેવલ નેટવર્ક કામ કરે છે.

જોકે આ રાજરોગ એટલો બધો વ્યાપ્ત છે અને છેક નળિયાથી તળિયા સુધી ફેલાયેલો છે કે એનો બહુ ઝડપથી ઉકેલ આવે એમ નથી. અથવા તો એને આપણી વહીવટીય સિસ્ટમમાંથી નામશેષ કરી શકાય એમ નથી. કારણ કે સમાજનો બહુ જ મોટો વર્ગ એવો છે જે લાંચ-રુશ્વતને એક વ્યવહાર માને છે. એને કારણે સરકારી અધિકારીઓમાં લાંચભિક્ષુકોનો એક મોટો વર્ગ ઊભો થયો છે. તેઓ ઉત્સાહપૂર્વક બે નંબરના નાણાંથી પોતાની અભરાઈઓ ભરે છે. તેમના શ્રીમતીઓ મોટા મોટા જ્વેલરીના શોરૂમમાં શોપિંગ કરે છે અને આનંદનો અનુભવ લે છે. પરંતુ દુર્ઘટના ત્યારે થાય છે કે જ્યારે તેમના સંતાનોમાં બુદ્ધિ અને ડહાપણની કટોકટી ઊભી થાય છે. બે નંબરના નાણાંથી જે અધિકારીઓએ પોતાની તિજોરી ભરી છે, તેમની પછીની પેઢીની હાલત બહુ જ ખરાબ જોવા મળે છે અને એ પ્રકારના કિસ્સાઓ ચોતરફ જોઈ શકાય છે.

જેમ ધનલક્ષ્મી છે, વૈભવ લક્ષ્મી છે, કૃષિલક્ષ્મી છે, વ્યાપાર લક્ષ્મી છે, એમ રાજલક્ષ્મી છે અને પ્રજાલક્ષ્મી પણ છે. રાજલક્ષ્મી એ પ્રજાલક્ષ્મીનું જ એક સ્વરૂપ છે. રાજ્યની તિજોરીમાં રહેલો દરેક સિક્કો બહુ લાંબી યાત્રા કરીને આવે છે અને એમાં પ્રજાના પરસેવાની મહેક હોય છે. એનો દુરુપયોગ કરવો કે એને ગેરરીતિથી ઘરે લઈ જવી એ એક ગંભીર અપરાધ છે. આપણે ત્યાં જેને ઓફિસ કલ્ચર કહેવાય એનો પૂરતો વિકાસ થયો નથી. અનેક લોકો સરકારમાં અને ખાનગી કંપનીઓમાં એવા છે કે ઓફિસ ટાઈમમાં ઓફિસના ટેબલ પર બેસીને બહારના કામ કરે છે. તેઓ આ રીતે પ્રજ્ઞાાપરાધ કરે છે. સતત પોતે ખોટું કરતા હોવાનો અનુભવ હોવા છતાં તેઓ તેમ કરવાનું ચાલુ જ રાખે છે. તેઓ માને છે કે હું ઓફિસમાં બેસીને જે બહારનું કામ કરું છું તે કોઈને ખબર નથી. હકીકતમાં ભલે કોઈને ખબર ન પણ હોય પરંતુ કર્મના સિદ્ધાંત પ્રમાણે તો તમે જે પુરસ્કાર કે પગાર લો છો તેટલું વળતર ન આપો એટલે એ વધારાની લક્ષ્મી અણહક્કની બની જાય છે અને તે તમને યાતના આપ્યા વગર રહેતી નથી.

ગુજરાતમાં કોઈ સરકારી હોદ્દો એવો નથી કે તે પદ પરનો નમૂનાનો કર્મચારી કે અધિકારી લાંચ લેતા ઝડપાયો ન હોય. કેટલાક એવા નમૂના પણ છે કે નોકરીના છેલ્લા દિવસે રંગે હાથ ઝડપાયેલા છે. નોકરીને એક કે બે વરસ થયા હોય ને લાંચના છટકામાં ફસાઈ ગયા હોય એવા લોકોની યાદી બહુ લાંબી છે. એમના પરિવાર પર સર્વકાલીન ઉદાસી છવાઈ જાય છે. જે કર્મચારીઓ કે અધિકારીઓ લાંચભિક્ષુક બની ગયા છે એમાં એમના શ્રીમતીઓનો પણ સાથ હોય છે. અકર્મણ્યતાથી ઉપલબ્ધ અલક્ષ્મી પતનને નોંતરે છે. એવી સ્ત્રીઓ જેના ઘરમાં હોય એ પરિવારનો વિનાશ નક્કી છે એમ ચાણક્ય કહે છે. આ જે લાંચભિક્ષુકોની જાતિ છે એ સમાજમાં ફૂલાતી ફરતી હોય છે પરંતુ બધા મનોમન તો એનો ઉપહાસ કરતા હોય છે. એમના બંગલાનું નામ કટકી બંગલો હોય એવા અનેક દાખલાઓ છે. ગુજરાતમાં આવા કુખ્યાત કટકી બંગલાઓ ઠેર ઠેર દેખાય છે.આ બધા આમ તો પ્રજાના સામુદાયિક પતનના ચિન્હો છે. લાંચભિક્ષુકો છે એમ લાંચદાતાઓ પણ છે જ ને! સ્પર્ધાત્મક પરીક્ષામાં જે કૌભાંડ થયા એમાં વાલીઓ જ વિલન હોય છે.