For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

દક્ષિણની ઘરેલુ હિંસા .

Updated: Aug 11th, 2021

Article Content Image

દક્ષિણ ભારતમાં ઘરની ભીતર જ મુરઝાતા જતાં ફૂલોની સંખ્યા બહુ મોટી છે. ઉપરના એટલે કે પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર ભારતમાં જાહેર જીવન અને ગુનાખોરીનો ઘટનાક્રમ તથા વિધવિધ કૌભાંડો એટલા હોય છે કે એમાં દક્ષિણના ડૂસકાં સંભળાતા નથી. દક્ષિણ ભારતના રાજ્યોમાં એકાએક જ ઘરેલુ હિંસાની ઘટનાઓ આશ્ચયજનક રીતે વધવા લાગી છે. દક્ષિણ ભારતમાં સુપરસ્ટાર અભિનેતાઓની અંધ ભક્તિ છે, ભારે સંઘર્ષમાંથી પસાર થતા ગ્રામવાસીઓ છે અને છતાં પ્રજાની સુવર્ણ પ્રીતિ પણ એટલી છે કે ભારતનું સર્વાધિક ગોલ્ડ દક્ષિણમાં છે. એવા વિરોધાભાસોનો અહીં સંકુલ જમેલો (પેનોરમા ઓફ કોમ્પ્લેક્સિટી) જામ્યો છે કે એ પ્રજાને એમાંથી બહાર આવતા વરસો અને દાયકાઓ તો લાગશે જ. દક્ષિણમાં ભાગ્યે જ કોઈ પર્વત-ટેકરી એવા હશે જ્યાં મંદિર ન હોય. શાસ્ત્રોક્ત વિધિવિધાન અને વૈદિક પરંપરાની શાંત જ્ઞાાાનસરિતાઓ પણ અહીં જ વહે છે. કલા, સાહિત્ય, સંગીત અને પોતપોતાની માતૃભાષાના આત્મગૌરવ પણ ઊંચા આસને બિરાજે છે.

આ દક્ષિણ ભારતમાં છેલ્લા કેટલાક સમયથી ઘરેલુ હિંસાના કિસ્સાઓ ચકચાર મચાવી રહ્યા છે. દક્ષિણ ભારતની ફિલ્મોમાં પણ હિંસાનું પ્રમાણ મનોરંજનની માત્રા કરતા વધારે છે. દક્ષિણની ફિલ્મોમાં ફાઈટિંગ જોવા જેવી હોય છે એમ દેશનો સામાન્ય દર્શક માને છે. પરંતુ એ ફાઈટિંગ પરદા પરથી ઉતરીને સમગ્ર દક્ષિણ ભારતના જનજીવન પર ગંભીર પ્રભાવ પાડશે એની કોઈને કલ્પના ન હતી. ઘરેલુ હિંસાના વર્ણનો ચોંકાવી દે તેવા અને અપ્રસ્તુત છે. ઘરેલુ હિંસામાં એકતરફી પ્રેમ પણ એક કારણ છે. કેટલીક ઘટનાઓ તો એવી છે કે રાજકીય ક્ષેત્રમાં થતી અથડામણોનો પણ કોઈ કલાસ નહિ ! કરપીણ હત્યાના કિસ્સાઓ એવા છે કે એના આરોપી અને ગુનેગારોએ એમની જિંદગીમાં આ કૃત્ય કર્યા પહેલા એક મચ્છર પણ માર્યું હોતું નથી.

એટલે કે તેઓ સિઝન્ડ અપરાધી નથી. પરંતુ ઘટનામાં તેઓ ખૂની હોય છે અને સાબિત પણ થાય છે. આવી ઘટનાઓના સિલસિલાથી દક્ષિણ ભારતનું જનજીવન ડહોળાઈ ગયું છે. કેટલીક ઘટનાઓ તો એવી છે કે હત્યા કરનારા ગૃહસ્થ, નોકરિયાત અને વેપારી વર્ગે પ્રોફેશનલ કિલરોને પણ પાછળ રાખી દીધા છે. પોલીસ અધિકારીઓ કહે છે કે આ હત્યારાઓ આ ઘટના પહેલા સાવ સામાન્ય જિંદગી જીવતા હતા. હત્યા તો ઠીક છે એમને માટે કોઈને લાફો મારવાનું પણ શક્ય ન હતું.

કેટલાક એવા શખ્સો પણ છે કે જેઓ ઘટના પછી માનસિક સમતુલા ગુમાવી ચૂક્યા છે. આનો એક અર્થ એવો પણ છે કે તેઓનું બદલાયેલું વર્તન કોઈક રહસ્યમય બાહ્ય પરિબળોને આધીન થઈ ગયું હતું. તેઓ જાણતા જ ન હતા કે તેઓ કેવા નવા ખતરનાક વિચારોના પ્રભાવમાં આવી રહ્યા છે. એક તારણ એવું પણ છે કે આર્થિક તંગદિલીને કારણે દંપતી - બન્ને નોકરી કરતા થયા છે અને દક્ષિણ ભારતના સમાજને હજુ આ પ્રણાલિકા અનુકૂળ આવી નથી. નેશનલ ફેમિલી એન્ડ હેલ્થ સર્વેએ આપેલી વિગતો પ્રમાણે ભારતીય મુસ્લિમ સ્ત્રીઓ ઘરેલુ હિંસાનો વધુ ભોગ બને છે.

ભારતમાં અંદાજે ત્રણ કરોડ સ્ત્રીઓ તેના સમગ્ર જીવનકાળ દરમિયાન ક્યારેક જાતીય સતામણીનો ભોગ બને છે, પરંતુ સર્વેક્ષણો કહે છે તે પ્રમાણે દુનિયાના અન્ય દેશોના આંકડાઓ અને ટકાવારીની તુલનાએ ભારતની સ્થિતિ તુલનાત્મક રીતે સૌથી સારી છે. જોકે આ ત્રણેક કરોડનો આંકડો નાનો સૂનો નથી. નેશનલ ક્રાઈમ રેકોર્ડસ્ બ્યુરોએ પણ તેના છેલ્લા અહેવાલમાં દેશમાં વધતી જતી ઘરેલુ હિંસાની ચોંકાવનારી વિગતો રજૂ કરી છે. દક્ષિણ ભારતની દસ ટકા ગ્રામવાસી સ્ત્રીઓ પણ ઘરેલુ હિંસાના અનુભવમાંથી પસાર થાય છે એમ ભારત સરકારના સર્વેક્ષણો કહે છે. 

અગાઉ ભારત સરકારમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના પ્રધાન રહી ચૂકેલા રેણુકા ચૌધરીએ તો એમ કહ્યું છે કે ભારતમાં ઘૂંઘટ પાછળની દાસ્તાન કોઈ જાણતું નથી અને ૭૦ ટકા સ્ત્રીઓ ઘરેલુ હિંસાનો ભોગ બને છે. તમામ રાજ્ય સરકારો દ્વારા આ પ્રકારની ઘરેલુ હિંસા સામે પ્રતિરોધક પગલા લેવા અંગે આમ તો છેક નરસિંહરાવની સરકારના જમાનાથી કવાયત ચાલે છે. પરંતુ સમાજ જીવનના આંતરિક કલહ અને સરકારી વ્યવસ્થા વચ્ચે અનુસંધાન નથી.

ખુદ ઇન્દિરાજી દેશના મહિલા વડાપ્રધાન હતા, પછીથી આપણે ત્યાં મહિલા રાષ્ટ્રપતિ પણ હતા અને ગુજરાતમાં તો અર્ધ મુદતે અન્ય મુખ્યમંત્રીઓની જેમ વહેલા સત્તા નિવૃત્ત થયેલા મહિલા મુખ્યમંત્રી પણ હતા છતાં અનુક્રમે દેશમાં કે રાજ્યમાં સરકાર તરફથી યુનેસ્કો પ્રમાણિતતા પ્રમાણે પગલાઓ લેવાયા નથી. 

એક તરફ કન્યાઓના શિક્ષણની અને ટેકનોલોજીકલ પ્રગતિની વાતો છે પરંતુ બીજી તરફ રૂઢિચુસ્ત કહેવાતા ભારતીય સમાજમાં નવો પવન અને નવી મોસમ તો આંશિક જ દેખાય છે. ભારતીય પરિવારોમાં સ્ત્રીને સન્માન મળે છે, હવે સ્વતંત્રતા પણ મળે છે પરંતુ દક્ષિણ ભારતની ઘરેલુ હિંસાની ઘટનાઓ એ માન્યતાઓનું ખંડન કરી આપે છે. પુનઃ મૂલ્યાંકન અને સામાજિક તથા સરકારી ઉપચારક ઉપાય જરૂરી છે.

Gujarat