દુનિયામાં ૫૦૦ કરોડ લોકો પાસે ઈન્ટરનેટ એક્સેસ છે. એમાંથી ૨૨૭ કરોડ ૫જી યુઝર્સ છે. પાંચ વર્ષમાં ૫૬૫ કરોડ લોકો પાસે ૫જી ઈન્ટરનેટ હશે. ૪જી નેટવર્કનો દબદબો હતો ત્યારે એક સમયે એના યુઝર્સનો આંકડો ૪૮૦ કરોડ થઈ ગયો હતો. એ રીતે ૪જી વિશ્વમાં વધુ યુઝર્સ ધરાવતું નેટવર્ક હતું, પરંતુ ૨૦૩૦ સુધીમાં ૫જી નેટવર્ક આગળ વધી જશે. લોકો ઝડપભેર ૪જીમાંથી ૫જીમાં સ્વિચ થઈ રહ્યા છે ત્યારે દુનિયામાં ૬જી નેટવર્કનો આગાઝ થઈ ગયો છે.
પૂર્વ એશિયાના દેશ દક્ષિણ કોરિયામાંથી ૬જી નેટવર્કનો સૂર્યોદય થશે. દક્ષિણ કોરિયાએ મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ સમક્ષ કહ્યું કે દેશમાં ૨૦૨૮ સુધીમાં ૬જી નેટવર્કની સુવિધા આપી દેવામાં આવશે. દક્ષિણ કોરિયાના નેટવર્ક એક્સપર્ટ્સ તેના પ્રયોગો કરી રહ્યાં છે. કે-નેટવર્ક પ્રોજેક્ટ હેઠળ ૬જી ઈન્ટરનેટના પ્રયોગો હાથ ધરાયા છે. ૨૦૨૬મા દેશના અમુક હિસ્સામાં ૬જી નેટવર્ક આપ્યા બાદ ૨૦૨૮માં આખા દેશને ૬જીથી સજ્જ કરવાનું લક્ષ્યાંક દક્ષિણ કોરિયાએ સેટ કર્યો છે. દક્ષિણ કોરિયાએ આ પ્રોજેક્ટ માટે ૪૮.૨ કરોડ ડોલરનું માતબર બજેટ ફાળવ્યું છે. દક્ષિણ કોરિયામાં ૬જી વર્કશોપના આયોજનો થઈ રહ્યાં છે. નેટવર્ક કંપનીઓ અને મોબાઈલ પ્રોવાઈડર્સ કંપનીઓ વચ્ચે ૬જી નેટવર્કની ટેકનોલોજીનું આદાન-પ્રદાન થાય તે માટે સરકાર મધ્યસ્થી કરી રહી છે. દક્ષિણ કોરિયન સરકારે ૬જી નેટવર્કને ધ્યાનમાં રાખીને ખાનગી મોબાઈલ સવસ પ્રોવાઈડર કંપનીઓને આ પ્રોજેક્ટમાં જોડીને સબસિડી જાહેર કરી છે. જે કંપનીઓ ૬જી માટે કામ કરશે તેમને સ્પેક્ટ્રમ ફાળવણીમાં રાહત અપાશે.
વેલ, ભારતમાં ૨૦૨૮માં ૭૦થી ૯૦ કરોડ લોકોને ૫જી મળે એવો લક્ષ્યાંક સેટ થયો છે. અત્યારે દેશમાં ૨૭ કરોડ યુઝર્સ સુધી ૫જી નેટવર્ક પહોંચી ગયું છે. બરાબર એ જ અરસામાં ૨૦૨૮માં આખું દક્ષિણ કોરિયા ૬જીની સ્પીડે ભાગતું હશે. જોકે, એ હકીકત સ્વીકારવી પડે કે દક્ષિણ કોરિયામાં ગુજરાત કરતાં પણ ઓછી વસતિ છે. સાડા પાંચ કરોડની વસતિને ૬જીની સવસ આપીને દક્ષિણ કોરિયા ૫જીની જેમ ૬જીમાં પણ નવો ટ્રેન્ડ સેટ કરશે એ નક્કી છે. દક્ષિણ કોરિયાએ જ ૨૦૧૮માં દુનિયામાં ૫જી નેટવર્ક આપ્યું હતું. વિશ્વ ૪જીની સ્પીડથી ખુશ હતું ત્યારે દક્ષિણ કોરિયા ૫જી નેટવર્કમાં મોટું પ્લેટર બનીને ઉભરી આવ્યું હતું અને તેના પગલે અમેરિકા-ચીને પણ આ ટેકનોલોજીમાં ધ્યાન કેન્દ્રિય કર્યું હતું.
દક્ષિણ કોરિયાના કહેવા પ્રમાણે ૬જીની સ્પીડ ૫જી કરતા ૫૦ ગણી વધારે હશે. તે હિસાબે ૫જીની સ્પીડ ૧જીબીએસ (જીબી પર સેકન્ડ) છે એટલે ૬જીની સ્પીડ ૫૦જીબીએસ હશે. ઈન્ટરનેટની આ ઝડપ અકલ્પનીય છે. જો સારી સ્પીડ આવતી હોય તો મોબાઈલમાં ૪જીની સ્પીડ પણ પૂરતી છે. ૫જીની સ્પીડ હોય તો બધું જ ઝડપભેર થઈ જાય છે. આંખના પલકારામાં આખી ફિલ્મ ડાઉનલોડ થઈ જાય છે. સેકન્ડમાં સોશિયલ મીડિયા પોસ્ટ બ્લાસ્ટ થઈ જાય છે. એમાં જો ૬જીની સ્પીડ પાંચ વર્ષમાં આવી જશે તો દુનિયા કેટલી ઝડપી બની જશે? દક્ષિણ કોરિયાએ ૬જીના જે ગુણો ગણાવ્યા છે તે પ્રમાણે આ નેટવર્ક ૧૦ કિલોમીટર સુધી મળશે. એટલે કે એક ટાવરનું નેટવર્ક ૧૦ કિલોમીટર સુધી આપણાં મોબાઈલમાં આવશે. પરિણામે નેટવર્ક ન આવતું હોવાની ફરિયાદ ભૂતકાળ બની જશે.
દક્ષિણ કોરિયા ઉપરાંત ચીન અને અમેરિકામાં પણ આ દિશામાં પ્રયોગો થાય છે. ચીનની નજર સેટેલાઈટ ઈન્ટરનેટના ક્ષેત્રમાં ૬જી સવસ પ્રોવાઈડ કરવાની છે. સેટેલાઈટ ઈન્ટરનેટની મદદથી વિશ્વના ૩૦૦ કરોડ નોન ઈન્ટરનેટ યુઝર્સ સુધી પહોંચવા માટે ઈલોન મસ્ક, જેફ બેઝોસ જેવા ટોચના ઉદ્યોગપતિઓ મેદાને પડયા છે ત્યારે ચીને એ જ ક્ષેત્રમાં ૬જીના મોજે સવાર થઈને પડતું મૂક્યું છે. નવેમ્બર-૨૦૨૨માં ચીને ૧૨ ઉપગ્રહો લોંચ કર્યાં હતા, એમાં એક ઈન્ટરનેટ સેટેલાઈટ પણ હતો. એ સેટેલાઈટ ૬જી ઈન્ટરનેટના પ્રયોગો માટે લોંચ થયો હતો. ચીનના કહેવા પ્રમાણે ૨૦૨૬ સુધીમાં ચીન સેટેલાઈટ ઈન્ટરનેટની સવસ શરૂ કરવા ધારે છે અને એ ઈન્ટરનેટ ૬જી હશે. ૨૦૩૦ સુધીમાં ચીન આ સવસ કમશયલી શરૂ કરવા માગે છે અને એના માધ્યમથી ઓછામાં ઓછા ૧૫૦ કરોડ યુઝર્સ સુધી પહોંચવાનો લક્ષ્યાંક છે. અમેરિકા-કેનેડા-બ્રિટન-જાપાન જેવા દેશો પણ ૬જીના બિઝનેસમાં આવશે એ લગભગ નક્કી છે. અમેરિકન સરકારે દેશમાં પાંચ-સાત વર્ષમાં ૬જી ટેકનોલોજી શરૂ થઈ જશે એવો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. ભારતમાં પણ ૨૦૨૩માં વડાપ્રધાને ૬જી નેટવર્ક પર કામ ચાલતું હોવાની જાહેરાત કરી હતી. ભારતે હજુ સુધી એ માટે કોઈ ડેડલાઈન જાહેર કરી નથી, પરંતુ ૨૦૨૭ સુધીમાં મર્યાદિત યુઝર્સ માટે ૬જી સર્વિસ લોંચ થઈ શકે છે.


