વેબ સિરીઝનો વાવંટોળ .
બોલિવુડ બોયકોટનો તકલાદી યુગ ચાલે છે. થિએટરમાં ફિલ્મો ચાલતી નથી. ફ્લોપ ફિલ્મોની થપ્પી બોક્સઓફિસની છતને સ્પર્શી રહી છે. મેડિકલમાં એડમિશન ન મળે તે ફાર્મસીમાં એડમિશન લઈ લે એ રીતે જેને મેઈનસ્ટ્રીમ ફિલ્મોમાં બ્રેક ન મળે તે નવોદિત કલાકાર ઓટીટી પ્લેટફોર્મમાં આવતી વેબસિરીઝનો સહારો લે છે. ભારતમાં હવે ફિલ્મો ઓછી અને સિરીઝ વધુ બને છે. હજુ બે વર્ષ પહેલાં વેબસિરીઝ માત્ર ચાર-પાંચ પ્લેટફોર્મ ઉપર આવે એવું સમીકરણ હતું. હવે તો યુટયુબ જેવાં ઘણાં ફ્રી પ્લેટફોર્મ માટે પણ વેબસિરીઝ બનતી હોય છે. વોટ્સએપ જેવી ચેટ એપ્લિકેશન માટે પણ ત્રણ-ચાર નાના એપિસોડ બનાવવામાં આવે છે. વેબસિરીઝનો તોફાની વાવંટોળ ફૂંકાયો છે, જેમાં બિગ બજેટ ફિલ્મો ફેંકાતી જાય છે.
ભારતમાં મનોરંજનનાં માત્ર બે મુખ્ય માધ્યમો ઃ ક્રિકેટ અને ફિલ્મો. હવે આ હકીકત જૂની અને ભ્રામક થઈ ચૂકી છે. ફિલ્મોનું સ્થાન વેબસિરીઝે લઈ લીધું છે. કોરોનાના બે વર્ષના સમયગાળાએ પબ્લિકને થિએટરની ટિકિટ અને પોપકોર્નના રૂપિયા બચાવીને તેને શેરબજારમાં લગાડતા શીખવાડી દીધું છે. થિએટરમાં રજૂ થનારી કોઈ પણ ફિલ્મ બે કે ત્રણ મહિનાની અંદર ઇન્ટરનેટ ઉપર કાયદેસર રીતે આવી જાય છે એ સાયકલ દર્શકો સમજી ગયા છે. લેટેસ્ટ રિલીઝ થયેલી ફિલ્મોમાં કોઈ રસપ્રદ ફિલ્મ ન હોય તો વેબસિરીઝ કે ડોક્યુમેન્ટરીનો ખજાનો દરેકના ફોનમાં નજીવી કિંમતે ઉપલબ્ધ છે. સસ્પેન્સ-થ્રિલર, કોમેડી, પ્રણય, જાસૂસી, આત્મકથાનત્મક, ફેન્ટેસી, ડ્રામા, સામાજિક પડકારો, ઐતિહાસિક - પિરીયડ ડ્રામા, સર્વાઇવલ, એડવેન્ચર, હોરર, ક્રાઇમ, સ્પોર્ટ્સ, એનિમેશન, એવોર્ડ-વિનિંગ, મ્યુઝિકલ જેવી કોઈ પણ કેટેગરી જોવાનો મૂડ હોય તો એક કરતાં વધુ ભાષામાં, એક કરતાં વધુ દેશની, જુદી જુદી લંબાઈની વેબસિરીઝની વણથંભી વણઝાર હાથવગી રહે છે.
ભારતીય પબ્લિકનો સિનેમાપ્રેમ ઓછો થવાનું એક મહત્વનું પણ અદ્રશ્ય રહેલું પરિબળ ચાઇનીઝ કંપનીઓ પણ છે. ચાઇનીઝ કંપનીઓએ આખી દુનિયામાં અસંભવ લાગે એટલા સસ્તા ભાવે ઇલેક્ટ્રોનિક તથા ઇલેક્ટ્રિક ઉપકરણો ઠાલવી દીધાં. માટે છેલ્લા દસ વર્ષમાં ટેલિવિઝન બનાવતી કંપનીઓની સંખ્યા બે આંકડામાંથી ત્રણ આંકડામાં થઈ ગઈ છે. બેનામી હોય એવી તો હજારો કંપનીઓ ટેલિવિઝન બનાવે છે. દસેક જેટલી કંપનીઓ તો એક જ મેન્યુફેકચરિંગ યુનિટની અંદર સ્માર્ટ ફોન, ટેબ્લેટ અને સ્માર્ટ ટીવી બનાવે છે. માટે ટીવીની સ્ક્રીનની સાઈઝ વધી અને તેની કિંમત ઘટી. હવે બાવન ઇંચના ટીવીને મોટા બંગલામાં જ સ્થાન મળે એવું નથી રહ્યું. રંગની પોપડીઓ ઉખડતી હોય અને મકાનના છેલ્લા બે હપ્તા ન ભરાયા હોય એવા ઘરની દીવાલ ઉપર પણ છપ્પન ઇંચનું ટીવી આપણને આશ્ચર્ય આપતું નથી. માટે જે જૂની પેઢીના અમુક શોખીનો વાજબીપણે એવી દલીલ કરતા કે પિક્ચર જોવાની મજા તો મોટા પડદે જ આવે તેનો છેદ ઉડી ગયો છે. હવે ઘરે ઘરે બારીના પડદા હોય કે નહી, પણ ટીવીનો મોટો પડદો અચૂક હોય છે, જેમાં રોજ રાતે વેબસિરીઝના એપિસોડ રન થતા હોય છે.
વેબસિરીઝના અતિ ફુગાવાને કારણે અનેક નવોદિતોને તો ચાન્સ મળ્યો જ, પરંતુ રંગભૂમિ કે સિનેમાના જે જૂના ભુલાઈ ગયેલા જોગીઓ હતા તેમને પણ ફરીથી કામ મળવાનું શરુ થયું. વેબસિરીઝ જૂની પેઢીના કલાકારો માટે પેન્શન યોજના છે. એક જમાનાના આખા દેશમાં પ્રખ્યાત એવા એ. કે. હંગલ જેવા અનેક કલાકારો પાછલી જિંદગી ગુમનામી અને ગરીબીમાં કાઢતા હોય છે. વેબસિરીઝ હવે બધાને સાચવી લે છે, કારણ કે વેબસિરીઝ વધુ જોવાય એના માટે ફક્ત કન્ટેન્ટ ઉપર આધાર રાખવો પૂરતો નથી, અમુક ચહેરા પણ જાણીતા હોવા જોઈએ. જૂના ચહેરાને વેબસિરીઝમાં લેવાનો ફાયદો એ પણ છે કે જૂની પેઢીના દર્શકો તેમની યુવાનીમાં તેમના પસંદીદા કલાકારને ફરીથી નવી વાર્તામાં જોવા માટે જ આખી સિરીઝ જુએ છે. વેબસિરીઝે મનોરંજન જગતનાં ઘણાં સમીકરણો બદલાવી નાખ્યાં અને મોનોપોલી ભોગવતા ઘણા મુંગેરીલાલોનાં સિંહાસનો ડોલાવી નાખ્યાં છે.
વળી, હાલ વેબસિરીઝ જે સ્વરૂપમાં આવે છે એ કંઈ એનું આખરી સ્વરૂપ નથી. અત્યારે તો ગઝલ અથવા તો બિલાડીના ટોપની જેમ વેબસિરીઝ સતત ઉગી નીકળે છે. આ બહુલતાને કારણે ઘણા ઠોઠ હવે હોશિયાર તરીકે ઓળખાય, પરંતુ ઘણા હોશિયાર લોકો હજુ વેબસિરીઝોના ઢગલામાં દટાયેલા છે. કલાકારોના એક મોટા ફાલને વેબસિરીઝ દ્વારા નવી ઓળખ મળી રહી છે. ભારતીય મનોરંજન જગતના આવતીકાલના નવા સુકાની હવે તો વેબસિરીઝમાંથી જ આવશે.