યુદ્ધજન્ય સંકટના વાદળો .
અતિશય વૈશ્વિકરણનું નુકસાન હજુ સુધી ભારતે ખાસ ભોગવ્યું નથી. ભયંકર ગ્લોબલાઈઝેશનના અમુક ગેરફાયદાઓનો ભારતને અનુભવ હશે, પણ તેને કારણે ચિંતામાં મુકાઈ જવું પડે એવી સ્થિતિ હજુ સુધી તો આવી નથી. ૧૯૭૧ માં લદાયેલી કટોકટી પણ ભારતે સરળતાથી પસાર કરી નાખી હતી. પરંતુ આ સમયમાં અત્યારે ગંભીર પરિસ્થિતિ ઊભી થાય એવા બધા ચોકઠાંઓ હવે ગોઠવાઈ રહ્યા છે. કારણ કે તણાવની સ્થિતિ ઘરઆંગણે નહી તો પડોશની વસાહતમાં ઊભી થઈ છે. વર્તમાન સમયમાં સમસ્ત જગતમાં સૌથી વધુ અસ્થિર ખંડ કોઈ હોય તો તે એશિયા છે. છેલ્લે બે વર્ષથી સતત અસ્થિરતાનું સર્જન કરવાનો શ્રેય રશિયા-યુક્રેન યુદ્ધને જાય છે. તેની વધુ અસર યુરોપને થઈ રહી હતી પણ પશ્ચિમ એશિયામાં જે સંઘર્ષ ઊભો થયો છે તેની અસરમાંથી બાકાત રહેવું હવે અસંભવ છે. ઇઝરાયેલ અને તેના પડોશી તથા દૂરંતર દેશો વચ્ચે યુદ્ધનું વાતાવરણ એકસો કરતા વધુ દેશોને અસર કરી રહ્યું છે. અસરકર્તા દેશોની યાદીમાં પ્રથમ દસ દેશોમાં ભારત આવે.
આર્થિક અને રાજકીય રીતે એશિયાનું નેતૃત્વ કરી શકતા બે દેશો મુખ્ય છે ઃ ચાઇના અને ભારત. ચાઇના તો લોખંડી પડદાની પાછળ છુપાયેલો દેશ છે. તે હાડોહાડ સ્વાર્થી દેશે તો કોરોનાકાળ દરમિયાન પણ તેના અર્થતંત્રમાં અબજો ડોલરનો ઉમેરો કરેલો. મેલી મુરાદ ધરાવતા ચાઈનાને ઇઝરાયેલ યુદ્ધની ખાસ કોઈ અસર નહી થાય. આ યુદ્ધના વિષ-છાંટણામાં સીધું ઝેર પહોંચશે ભારતને. ભારતના ઈરાન સાથેના જૂના સંબંધ. છેલ્લા બે દાયકાથી ઇઝરાયેલ સાથે પણ આપણા સંબંધો વિકસી રહ્યા છે. બે દુશ્મન પક્ષોના વ્યક્તિગત કોમન મિત્રની સ્થિતિ ટ્રેજીક હોય છે. મિડલ ઇસ્ટમાં નજીકના ભવિષ્યમાં શાંતિ સ્થપાશે એવો આશાવાદ રાખવો નક્કામો છે. હિઝબુલ્લાના વડા હસન નસરાલ્લાહની હત્યાના બદલામાં ઇરાને ઇઝરાયેલ પર નાનકડો મિસાઇલ હુમલો કરી નાખ્યો. આ અવિચારી પગલાએ આખી દુનિયાને ત્રીજા વિશ્વયુદ્ધના ભયના ઓથારમાં ધકેલી દીધું. ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ઈંટનો જવાબ પથ્થર વડે આપવાનું વચન આપ્યું છે.
ચડસા ચડસીમાં ઈરાને પણ લાલ આંખો કરીને કડક જવાબ આપવાની ખાતરી આપી છે. ઇઝરાયેલ જો કોઈ હુમલો કરશે તો ઇઝરાયેલ અને તેને મદદ કરનારા બધાએ ગંભીર પરિણામો માટે તૈયાર રહેવું પડશે એવું ખોમેની હિટલર-સ્ટાઈલમાં કહી રહ્યા છે. ભારતના વ્યૂહાત્મક હિતો જોખમાઈ શકે તેમ છે. આર્થિક સંબંધો ઉપર પાણી ફરી વળે એમ છે. તેલ એટલે કે ક્રૂડ ઓઇલ માટે પશ્ચિમ એશિયા પર ભારતની નિર્ભરતા થોડી વધુ છે. રેડ સી અને સુએઝ કેનાલના માર્ગે ભારત તેલની આયાત કરતું હોય છે. જો આ ક્ષેત્રમાં યુદ્ધ પૂર્ણ કળાએ ખીલી ઊઠે તો આ માર્ગો અંશતઃ અથવા તો સંપૂર્ણ બંધ થઈ જવાની ભીતિ છે. રખે જો એવું થાય તો ભારતમા ક્રૂડ ઓઇલની કટોકટી ઊભી થાય. હમણાં જ ભારત સરકારે પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડાની જાહેરાત કરી હતી. હજુ સુધી તે અમલી ન બન્યો એનું મોટું કારણ ઇઝરાયેલ-ઈરાન યુદ્ધની સંભાવના છે. અવિરત આગળ વધી રહેલા સ્ટોક માર્કેટમાં ગયા સપ્તાહના પ્રથમ દિવસથી જ મોટો આંચકો આવ્યો તેનું કારણ પણ આ જ છે.
અત્યારે ઇન્ડિયન સ્ટોક માર્કેટમાં સૌથી વધુ વિદેશી રોકાણ થઈ રહ્યું છે. ચાઇના કે સિંગાપોર કે અમેરીકા, વિશ્વના કોઈ પણ દેશના શેરબજારમાં આ દરે વિદેશી રોકાણ નથી થઈ રહ્યું જેટલું રોકાણ બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ આકર્ષી રહ્યું છે. વિદેશી રોકાણના ફ્લોને લાગી ગયેલી બ્રેક ચિંતાનો વિષય છે. શેરબજાર ભારતમાં અર્થતંત્રનું વિશ્વસનીય બેરોમિટર છે એ વાત જે ભારતીય પાસે ડિમેટ એકાઉન્ટ ન હોય તેણે તો ખાસ યાદ રાખવી જોઈએ. હિઝબોલ્લાહ, હમાસ અને હુથીઓ ઈરાન સાથે ઘનિષ્ઠ સંબંધો ધરાવે છે. યુદ્ધગ્રસ્ત સ્થિતિ ઊભી કરવામાં આ સંગઠનો મોટો હાથ છે. તેના કારણે વૈશ્વિક વેપાર માર્ગો પર અસર થઈ છે જેના પર ભારત ખૂબ નિર્ભર છે. આ સંઘર્ષ ભારતના મહત્વાકાંક્ષી ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર (IMEC) પરની પ્રગતિને પણ જોખમમાં મૂકે છે.