Get The App

ટ્રમ્પની વિચિત્ર તરંગલીલા .

Updated: May 9th, 2026

GS TEAM

Google News
Google News
ટ્રમ્પની વિચિત્ર તરંગલીલા                                   . 1 - image

અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયો પણ આજકાલ તેમના વડા ડોનાલ્ડ ટ્રમ્પની માયાજાળમાં ફસાઈ ગયા હોય એવું લાગે છે, કારણ કે એમની વાણીમાં પણ હવે તરંગ લીલાઓ પ્રવેશી ગઈ છે. ટ્રમ્પ તો યુદ્ધ શરૂ થયું ત્યારથી સતત બે-ત્રણ તરફની વાતો કરતા રહ્યા છે. માર્કો રૂબિયોએ ભરચક પત્રકાર પરિષદમાં કહ્યું કે ઈરાન સાથે ઇઝરાયેલની મદદ લઈને અમે ચાલુ કરેલું ઓપરેશન એપિક ફ્યુરી નામનું યુદ્ધ હવે પૂરું થયું છે અને હવે અમારા તરફથી અમારે કોઈ નવું ઓપરેશન હવે ચાલુ કરવાનું નથી. જોકે એના થોડા જ કલાકો પછી અમેરિકાએ ઈરાન પર નવા હુમલા કર્યા. ગઈકાલે ઈરાન-અમેરિકા વચ્ચેના ક્રોસ ફાયરિંગમાં દ્વારકાનું આપણું એક જહાજ એક ખલાસી સાથે ડૂબી ગયું છે ને અન્ય ખલાસીઓને ઉગારીને દુબઈ લઈ જવાયા છે.

અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પ પોતે અને રૂબિયો ખુદ આખા જગતને બેવકૂફ બનાવવા માટે ખોટાં સકારાત્મક વિધાનો કરી રહ્યા છે. અમેરિકાએ તૈયાર કરેલી શરતોની યાદી જ એવી છે કે યુદ્ધ કમ સે કમ આ મહિનાના અંત સુધી તો લાંબુ ચાલશે અને છેક સુધી તેઓનું વ્યર્થ રટણ ચાલુ રહેશે કે યુદ્ધ એના અંતની નજીક છે. ભૌગોલિક રીતે હોર્મુઝની સામુદ્રધૂની કુદરતે ઈરાનના ચોપડે ચડાવેલી છે. એ કોઈપણ રીતે સાર્વજનિક ન થઈ શકે. છતાં જ્યાં સુધી સંઘર્ષ ન હતો ત્યાં સુધી એ સાર્વજનિક જ હતી. ટ્રમ્પ એક શક્તિશાળી અને મૂર્ખતાપૂર્ણ વાઘ છે અને એને ગમે ત્યારે ગમે ત્યાં ઘુરકિયા કરવાની ટેવ છે.

એમ કરતાં કરતાં પોતાના સ્વાભિમાનમાં અતિશય મસ્ત અને જબરજસ્ત એવા ઈરાન સાથે તેઓ અથડાઈ પડયા છે. હવે એ જમાનો ગયો કે મોટું માછલું નાના માછલાને ખાઈ જાય. બીજા વિશ્વયુદ્ધ સુધી મત્સ્યગલાગલ ન્યાય વિવિધ રાષ્ટ્રોના સંહારક ઉપક્રમોમાં છવાયેલો હતો. પરંતુ હવે નાની માછલીનો કાંટો વિકરાળ મગરમચ્છના ગળામાં ભરાઈ જાય તો એનું મોત નિશ્ચિત હોય છે. પરિસ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે. આ બદલાવને જે લોકો સમજતા નથી તે યુદ્ધમાં માર ખાય છે અને આવાં ગોથાં ખનારા લોકોમાં પ્રથમ નંબર પર મિસ્ટર ડોનાલ્ડ ટ્રમ્પ છે. દુનિયાને પેટ્રેેોલના પુરવઠા ને ભાવ સાથે નિસ્બત છે. ખાડી સાથે કોઈ નિસબત નથી. અડધું જગત તો એની ભૌગોલિક પરિસ્થિતિ હજી જાણતું પણ નથી અને હોર્મુઝની ખાડી તો બે દીકરાના ભાગમાં છે. એનો કોઈ એકલો વારસદાર નથી. કુદરતે અડધો ભાગ ઓમાનને ભાગે લખેલો છે અને અડધો ઈરાનને ભાગે છે. ઓમાનની ખાનદાની છે કે આ ભડકે બળી રહેલા અખાતમાં બોલતું નથી કે આમાં મારો પણ ભાગ છે. પણ જો ઈરાન સામુદ્રધુની પાર કરવા માટે દરેક જહાજ પાસેથી ટોલટેકસ લેવાનું કાયમ માટે નક્કી કરશે તો સ્વાભાવિક રીતે જ ઓમાન પણ ટોલટેક્સ લેવાનું શરૂ કરશે.

આ બધી જ પરિસ્થિતિ છેવટે ત્યાં સુધી પહોંચશે જે દશા અત્યારે પાકિસ્તાન ભોગવે છે. પાકિસ્તાનમાં ચાર દિવસનું સપ્તાહ છે. બાકીના દિવસોમાં ઓફિસે જવા કે કામકાજ કરવા પણ સંપૂર્ણ પ્રતિબંધ છે. રસ્તા પર પેટ્રોલથી ચાલતું વાહન પોલીસ જુએ તો ચાલકને મારી મારીને ધોઈ નાખે છે. બજારની અંદર બધી ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. પેટ્રોલિયમના સંઘર્ષમાંથી પેદા થયેલું માત્ર પરમાણુ શસ્ત્રનું બહાનું બતાવતું ઈરાન અમેરિકાનું આ સંઘર્ષ પ્રકરણ આખી દુનિયાને કોરોના કરતા પણ એક ખતરનાક વળાંક તરફ દોરી લઈ જઈ રહ્યું છે. વિશ્વ પર એક સ્થગિતતાનો વાદળછાયો વંટોળ આવી રહ્યો છે. એને કારણે ઘણું બધું સ્થગિત થઈ જવાનું છે. ઉર્જા ક્ષેત્રના પડકારોનો સામનો કરવાનું દરેક દેશ માટે આસાન નથી. ભારતે અનેક રીતે વૈકલ્પિક વ્યવસ્થાઓ કરેલી છે. ટ્રમ્પની મૂળભૂત પોલીસી પેટ્રોલિયમ આધારિત દેશોને તબાહ કરવાની છે. પોતાની પાસે તો આવનારા બહુ જ લાંબા વર્ષો સુધી એને નવા પુરવઠાની જરૂર નથી. તેઓ અખાતી દેશોના દુશ્મન નંબર વન છે. ઇઝરાયેલ સાથે એને પ્રાસંગિક દોસ્તી કરી છે. પણ એ બહુ તકલાદી હોઈ શકે છે એવી જ રીતે કતાર સાથે કે દક્ષિણ કોરિયા જેવા જુગ જુનો મિત્રો સાથે ટ્રમ્પ ક્યારે છેડો ફાડે એ પણ નક્કી નહીં.

એક મોટું ચકડોળ તેઓ ચલાવી રહ્યા છે. એ પોતે બુદ્ધિમાન છે અને જગતને ઊંડા કૂવામાં ઉતારે છે એટલે આપણે એને બેવકૂક કહીએ છીએ અને આપણે વ્યર્થ આનંદ લઈએ છીએ. હકીકતમાં આ અમેરિકાને મળેલો એવો પહેલો માધાભારે પ્રેસિડેન્ટ છે જેનો એક જ સિદ્ધાંત છે કે તમારા બધાને કારણે અમેરિકાએ સુખી થવાનું છે, અમેરિકાને કારણે તમારે બધાએ સુખી નથી થવાનું.