પાકિસ્તાનમાં સમાંતર ગૃહયુદ્ધ .
પાકિસ્તાની પ્રજા ઘણા લાંબા સમયથી અશાંત છે. પશ્ચિમના દેશો 'એશિયન' શબ્દ અપમાનજનક રીતે ઉચ્ચારતા હોય છે. ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર કે રોંગ સાઈડમાં વાહન ચલાવનારાને કોઈ પણ બ્રિટિશ કે અમેરિકન નાગરિક ઓળખીને તુરત જ એશિયન કહી દે છે. અફઘાનિસ્તાનમાં આત્મઘાતી વિસ્ફોટો મુસ્લિમોના આંતરિક સંઘર્ષને બતાવતા ચાલુ જ રહ્યા છે. અફઘાનિસ્તાનમાં શિયા મુસ્લિમો લઘુમતીમાં છે અને તેઓનો સમુદાય જ આતંકવાદીઓના નિશાન પર છે. છેલ્લાં બે-ત્રણ વરસથી અફઘાનિસ્તાનમાં શિયા સમુદાય પર સતત હૂમલાઓ થતા રહ્યા છે. ઈરાક અને સિરિયા વચ્ચે રઝળતો અને છૂપાતો ફરતો આઈએસનો વડો અબુ બકર અલગ બગદાદી માર્યો ગયો પછી એના અનુગામી કમાન્ડરો અનેકવાર શિયાઓને અફઘાનિસ્તાન ખાલી કરવાનું કહી ચૂક્યા છે. પાકિસ્તાનમાં આતંકવાદીઓને પનાહ આપવાનું સુગમ અને સરળ હોવાથી ઈસ્લામિક સ્ટેટે પાકિસ્તાનમાં પ્રવૃત્તિઓ વધારી દીધી છે. ભારતે પાકિસ્તાન પર કરેલા હુમલા બાદ આઈએસના આતંકવાદીઓમાં પણ નાસભાગ મચી છે.
પાકિસ્તાનમાં બલોચ નાગરિકોએ ઉત્પાત મચાવ્યો છે. ભારતની એરસ્ટ્રાઈક પછી બલુચિસ્તાનના અલગાવવાદી કમાન્ડરોએ પાકિસ્તાન સરકારના સ્થાનકો પર હુમલાઓ વધારી દીધા છે. પાકિસ્તાન આ બલોચ પ્રજાને કારણે હવે એક સમાંતર ગૃહયુદ્ધને આરે આવી ઊભું છે. પાકિસ્તાને તબક્કાવાર પોતાના કબજા હેઠળના કાશ્મીરમાં સેટેલાઈટ કેમેરાઓના ડરથી આતંકવાદીઓને માટે બંકરો પણ બનાવ્યા છે. છાવણીઓને પાક - અફઘાન સરહદે ખસેડવાની મુરાદ રાખે છે, પરંતુ તાલિબાની શાસકોએ અનેકવાર પાકિસ્તાનમાં છુટક સૈન્ય કાર્યવાહી કરેલી છે. આજકાલ નાઈજિરિયામાં જે કામ બોકો હરામ નામક આતંકવાદી સંગઠન કરે છે તે જ કામ આઈએસનાં તત્ત્વો અને તાલિબાનો અફઘાન પ્રજામાં કરી રહ્યાં છે.
ઈસ્લામિક સ્ટેટના નવા વારસદારો અફઘાનિસ્તાનમાં નવસેરથી અફીણની ખેતી અને નિકાસ કરવા ચાહે છે. અમેરિકાએ કરેલી બોમ્બવર્ષાને કારણે ઉજ્જડ થઈ ગયેલાં અફઘાન ખેતરોમાં હવે નવી હવા આવવા લાગી છે એટલે એમની નજર અફઘાન પ્રજા તરફ છે. આતંકવાદની સાથે મુસ્લિમોની એકતાનું સતત ખંડન કરવું અને શિયા - સુન્ની વચ્ચે વધુમાં વધુ વૈમનસ્ય ફેલાવવું એ આઈએસની મૂળભૂત થિયરી છે. અફઘાનિસ્તાનને ઈસ્લામિક ગણરાજય તરીકે જ ઓળખાવવામાં આવે છે, પરંતુ તાલિબાનો દ્વારા જે કટ્ટરતા દાખલ કરવામાં આવી છે તે અને શિયા મુસ્લિમોને લઘુમતી તરીકે જે રીતે હેરાન કરવામાં આવે છે તે ઈસ્લામિક સ્ટેટના ઈશારે જ થાય છે.
અફઘાનિસ્તાનમાં વેશપલટો કરીને સામાન્ય જનજીવનમાં ગોઠવાઈ ગયેલા ઉદ્દામ મુજાહિદ્દીનોની સંખ્યા પણ નાનીસૂની નથી. સમગ્ર એશિયામાં ભારતના વધતા જતા પ્રભુત્વને કારણે અને અફઘાનિસ્તાન સાથે ભારતની ગાઢ મિત્રતાને કારણે અફઘાન-પાક વચ્ચેનું જૂનું વેર ફરી પ્રજ્વલિત થયેલું છે. અફઘાનિસ્તાનની સૌથી લાંબી સરહદ પાકિસ્તાનને સ્પર્શે છે અને એ જ અફઘાન પ્રજાનું દુર્ભાગ્ય છે. રશિયન પ્રજા સામે લડવા માટે ઈ.સ. ૧૯૭૯થી ૧૯૮૯ના દાયકામાં અફઘાની મુજાહિદ્દીનોને લડવા માટે આરબ દેશો, બ્રિટન અને અમેરિકાએ જ તાલીમ આપી હતી. એ મુજાહિદ્દીનોમાંથી કેટલાક હજુ પાકિસ્તાનમાં આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. ઈન્ડિયન મુજાહિદ્દીન (આઈએમ) પણ એનો જ આધુનિક વંશવેલો છે. અફઘાનિસ્તાનમાં અને બલુચિસ્તાનમાં છેલ્લા એક વરસમાં અનેક વિસ્ફોટો થયા છે, બલુચિસ્તાનની પ્રજા પાકિસ્તાન સામે ગૃહયુદ્ધ જ કરી રહી છે. અપાર પ્રાકૃતિક સંપત્તિ બલુચિસ્તાન પાસે છે જેનો પાક સરકાર એ પ્રાંતની બહાર જ ઉપયોગ કરીને એ પ્રજાને રંક રાખે છે.
ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓનું સંખ્યાબળ ઘટતું જાય છે. તેની પાસેના કુદરતી તેલના કૂવાઓના વ્યવસ્થાપનમાં ગાબડાં પડયા છે. ઉપરાંત પેટ્રોલિયમને કારણે આરબો સાથે સંઘર્ષમાં ઉતરવાનું થાય છે. અબુ બકર અલ બગદાદીએ પણ સદ્દામ હુસેનના પતન પછી ઈરાકી સૈનિકોને પોતાની તરફ લઈને જે જંગ શરૂ કર્યો હતો જેને તે ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ લેવેન્ટ નામે નવા જ ભૌગોલિક સામ્રાજય તરીકે જોતો હતો, એના ગયા પછી એ સપનાઓ વેરવિખેર થઈ ગયા છે. આરબો હજુ પણ ઈસ્લામિક સ્ટેટ પાસેથી બહુ મોટી સંખ્યામાં સિરિયન યુવતીઓ પ્રાપ્ત કરી રહ્યા છે અને એનો ગેરલાભ લઈને ઈસ્લામિક સ્ટેટે અત્યાર સુધીમાં સસ્તા પેટ્રોલિયમથી કરોડો ડોલરનું ફંડ ઊભું કરેલું છે. હવે એ ફંડ પર બોકો હરામના કમાન્ડરોની નજર છે.