Get The App

દલાઈ લામાની વિડંબના .

Updated: Jul 9th, 2025

GS TEAM

Google News
Google News
દલાઈ લામાની વિડંબના                                . 1 - image


સમસ્ત વિશ્વના આદરપાત્ર એવા ચૌદમા દલાઈ લામાએ તેમની જિંદગીના નવ દાયકા પુરા કર્યાં. તિબેટની એ વિભૂતિ આધ્યાત્મિકતાનું જીવંત શિરોબિંદુ છે. દલાઈ લામા માત્ર વ્યક્તિ કે મહાપુરુષ નથી, આખા યુગની શાંતિની જીવાદોરી છે. તેમની હયાતી તિબેટની આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને રાજકીય ગાથાને આલેખે છે. કરોડો શ્રદ્ધાળુઓ તેમને પ્રતિદિન વંદન કરે છે.  દલાઈ લામા એ બૌદ્ધ ધર્મનું જીવંત આધારસ્થંભ છે. સાથે સાથે તેઓ એક એવા રાષ્ટ્રનો ચહેરો પણ છે જે ૧૯૫૦થી ચીનના શાસન હેઠળ ગુમાવેલી આઝાદી માટે સંઘર્ષ કરે છે. પરંતુ જેમ સમય પસાર થાય છે, તેમ દલાઈ લામાના પુનર્જન્મ- કોણ, ક્યાં, કેવી રીતે- નો પ્રશ્ન મોટો થતો જાય છે. કારણ કે શ્રદ્ધાની આ વાતમાં પણ ચીનની સરકારની સરમુખત્યારશાહી કનડી રહી છે. નવા દલાઈ લામાને પ્રસ્થાપિત કરવા માટે પણ ચીન પોતાની જોહુકમી ચલાવી રહ્યું છે. ધર્મના વિષયમાં પણ ચીની ડ્રેગનને બધા હક્ક જોઈએ છે.

૧૯૩૫માં ટિબેટના એક નાનકડા ખેડૂ પરિવારમાં જન્મેલા લ્હામો ધોન્દુપ પાંચ વર્ષની ઉંમરે ચૌદમા દલાઈ લામા તરીકે ઓળખાયા હતા. ૧૫ વર્ષની ઉંમરે તેઓ ટિબેટના આધ્યાત્મિક અને રાજકીય લીડર બન્યા, પરંતુ ટૂંક સમયમાં ચીનના આક્રમણે ટિબેટની આઝાદી છીનવી લીધી. ૧૯૫૯માં, ચીન સામેના નિષ્ફળ વિદ્રોહ બાદ, દલાઈ લામા ભારતમાં શરણ લેવા માટે પધાર્યા. આ કોઈ ભૌગોલિક પલાયન નહોતું; તે તિબેટની ઓળખ, સંસ્કૃતિ અને ધર્મની રક્ષા અને સ્વતંત્રતા માટેની કવાયત હતી. ભારતના ધર્મશાળામાં સ્થાયી થઈને, દલાઈ લામાએ ટિબેટની સરકાર, શાળાઓ અને સાંસ્કૃતિક સંસ્થાઓની સ્થાપના કરી. તેમણે યુનાઇટેડ નેશન્સમાં ટિબેટના હકની વાત રજૂ કરી, નવી પેઢીને શિક્ષણ આપ્યું. અહિંસા, કરુણા અને શાંતિના સંદેશથી વિશ્વનું હૃદય જીત્યું. ૧૯૮૯માં તેમને શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર મળ્યો, જે તિબેટના સંઘર્ષની વૈશ્વિક ઓળખ બન્યો. મહાત્મા ગાંધીનું અહિંસક આંદોલન યાદ આવે - એક એવી લડત જે શસ્ત્રો નહીં, પણ સત્ય અને નૈતિકતાની શક્તિથી લડવી પડે છે.

દલાઈ લામાનો પુનર્જન્મ અને તેમની પુન:વરણી ટિબેટના બૌદ્ધ ધર્મની એક પવિત્ર પરંપરા છે, જેમાં વરિષ્ઠ લામાઓ આધ્યાત્મિક સંકેતો અને રીતરિવાજો દ્વારા નવા લીડર એટલે કે નવા દલાઈ લામાને ઓળખે છે. દલાઈ લામાએ સ્પષ્ટ કર્યું છે કે આ પ્રક્રિયા તિબેટના બૌદ્ધ સમુદાયના હાથમાં હોવી જોઈએ, નહીં કે કોઈ સરકારના. પરંતુ ચીનનો દાવો છે કે તેની પાસે 'ગોલ્ડન અર્ન' પ્રક્રિયા દ્વારા પુનર્જન્મને માન્યતા આપવાનો અધિકાર છે, જે ૧૮મી સદીમાં ક્વિંગ રાજવંશ દ્વારા રજૂ કરવામાં આવી હતી. આ ચીનની એક મોટી રણનીતિનો ભાગ છે : તિબેટના બૌદ્ધ ધર્મનું સિનિસાઇઝેશન કરવું અર્થાત ટિબેટની સ્વાયત્તતાને નષ્ટ કરવી.

ચીનનું આ નિયંત્રણ ફક્ત ધાર્મિક નથી; તે રાજકીય છે. ૧૯૯૫માં, જ્યારે દલાઈ લામાએ ૧૧મા પંચેન લામાને ઓળખ્યા હતા ત્યારે ચીને તે બાળકને ગાયબ કરી દીધું અને પોતાના પસંદ કરેલા પંચેન લામાને નિયુક્ત કર્યા. આ ઘટના એક ચેતવણી હતી : ચીન દલાઈ લામાના ઉત્તરાધિકારને પોતાના હાથમાં લેવા માંગે છે, જેથી તિબેટના નેતૃત્વને પોતાની નીતિઓનું સાધન બનાવી શકે. આ એક આધ્યાત્મિક સંસ્થાને રાજકીય હથિયારમાં ફેરવવાનો ગંદો પ્રયાસ છે.

દલાઈ લામાને સમગ્ર વિશ્વ આદર આપતું હોવા છતાં આજના રાજકીય વાતાવરણમાં તિબેટનો મુદ્દા પ્રત્યે ગ્લોબલ સુપરપાવર દેશો આંખ આડા કાન કરી રહ્યા છે. ૧૯૬૦ અને ૭૦ના દાયકામાં પશ્ચિમી દેશોએ તિબેટની આઝાદીની હાકલ કરી, પરંતુ ચીનની આર્થિક અને લશ્કરી શક્તિના ઉદયથી આ ટેકો ઘટયો છે. ઘણા દેશો હવે ચીન સાથે આર્થિક સંબંધોને પ્રાથમિકતા આપે છે, જેના કારણે તિબેટનો મુદ્દો કોરાણે મુકાઈ ગયો છે. ભારતે દલાઈ લામાને શરણ આપ્યું તેના કારણે ચીન સાથેના સંબંધો સંતુલિત કરવા માટે બહુ મથામણ કરવી પડી છે.  ભારત સરકારે ઉત્તરાધિકારના મુદ્દે સત્તાવાર રીતે કોઈ સ્પષ્ટ વલણ નથી જાહેર કર્યું, પરંતુ બૌદ્ધ સમુદાયના નેતાઓ, જેમ કે મંત્રી કિરેન રિજિજુ, એ વાતનું સમર્થન કરે છે કે દલાઈ લામાનો ઉત્તરાધિકાર ફક્ત તેમની સંસ્થા અને તિબેટીયન સમુદાય નક્કી કરી શકે.

આ એક ગહન નૈતિક પ્રશ્ન ઉભો કરે છે : શું સદીઓ જૂની આધ્યાત્મિક પરંપરા રાજ્યના આદેશો દ્વારા નિયંત્રિત થઈ શકે? ચીન માટે, દલાઈ લામાનો પુનર્જન્મ એ તિબેટ પર નિયંત્રણ મેળવવાનું સાધન છે. તિબેટના અને વિશ્વના બૌદ્ધો માટે આ શ્રદ્ધાનો પ્રશ્ન છે. જો ચીન પોતાના પસંદ કરેલા દલાઈ લામાને નિયુક્ત કરે, તો તિબેટીયન સમુદાય વિભાજીત થઈ શકે છેએક તરફ રાજ્ય-સમર્થિત નેતા, અને બીજી તરફ આધ્યાત્મિક રીતે સ્વીકૃત પરંતુ નિર્વાસિત નેતા. આ એક પુનર્જન્મનું યુદ્ધ હશે - એક એવો ટકરાવ જે આધ્યાત્મિકતા, સ્વાયત્તતા અને ઓળખની લડાઈને આલેખશે.

Tags :