For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભારતની દરિયાઈ કૂટનીતિ

Updated: Jan 8th, 2023

Article Content Image

તાલિબાનની ભારત સાથે મિત્રતા કરવાની ઈચ્છા, ચીનને ભારતને પરેશાન કરવાની મહેચ્છા અને ભારતની વિકાસ કરવાની પરમેચ્છામાં ફરી ચાબહાર બંદર ચર્ચામાં આવ્યું છે. પાંચ વર્ષ પૂર્વે ભારત, ઈરાન અને અફઘાનિસ્તાન વચ્ચે થયેલા પરિવહન કરારો પ્રમાણે ચાબહાર બંદર દ્વારા અફઘાનિસ્ત્તાન મોકલવાના ઘઉંના માલવાહક જહાજની પહેલી ખેપ રવાના થતા એશિયા અને અરબી સમુદ્ર ક્ષેત્રે ભારતે વિકાસના નવા અધ્યાયની શરૂઆત કરી હતી. પરંતુ પાંચ વર્ષમાં વૈશ્વિક રાજકારણમાં મોટી ઉથલ પાથલ થઈ ગઈ, અમેરિકામાં બાઇડેન અને અફઘાનિસ્તાનમાં તાલિબાનો સતા રૂઢ થયા એટલે ચીને મનમાની કરવાની શરૂઆત કરી દીધી. ઈરાનને પોતાના ઈશારે નચાવ્યું અને અમેરિકા સાથે પુનઃ સંબંધો પ્રસ્થાપિત કર્યા. પરિણામ એ આવ્યું કે ઈરાન અરબી સમુદ્રનો માર્ગ વિસરી ગયું અને હવાઈ માર્ગે અમેરિકાની ભૂમિ પર વ્યાપાર કરવા લાગ્યું.

એક સમય હતો જ્યારે ચાબહાર બંદરનું પ્રથમ તબક્કાનું કામ પૂરું થઈ ત્યાં તો ભારતથી ઈરાન તરફ આવતા વિરાટ જહાજોનો માલ બંદરે અનલોડ થઈ જતો અને ચાબહાર બંદરથી એ માલ જમીન માર્ગે અફઘાનિસ્તાન પહોંચી જતો. ભારત સરકારની લાંબાગાળાની રણનીતિ પ્રમાણે અફઘાનિસ્તાનમાં ભારતની વિવિધ રીતે એક મિત્રદેશ સ્વરૂપે ઉપસ્થિતિ હતી. જેને કારણે અફઘાન પ્રજા પર પાકિસ્તાનનો દબદબો ખત્મ થઈ ગયો અને પાકિસ્તાન, ભારતના બે મિત્રદેશો ઈરાન અને અફઘાનિસ્તાનથી ઘેરાઈ ગયું પરંતુ તાલિબાનોનું આગમન થયું અને બધા વ્યાપાર દિશાહીન થઈ ગયા. હવે તાલિબાને ભારત સાથે મિત્રતા કરવાની નેમ લીધી તો ઈરાને પણ ચાબહાર બંદર મારફત વ્યાપાર કરવાની ઈચ્છા ભારત સરકાર સમક્ષ વ્યક્ત કરી છે. તેના સ્વાર્થના કારણો પણ છે. એશિયામાં એક મુસ્લિમ રાષ્ટ્ર તરીકે પ્રતિષ્ઠાપ્રાપ્ત અસ્તિત્વ ધરાવવાના રાજદ્વારી ગણિત પર ઈરાને ભારત માટે પોતાનો દરિયાકિનારો ખુલ્લો મૂક્યો છે અને આ ચાબહાર બંદરનો પોતાના દેશના વિકાસ માટેનો હેતુ પણ સ્પષ્ટ કરેલો છે.

ઈરાનની પાકિસ્તાન સાથેની જૂની દોસ્તી હવે રંગ બદલી રહી છે કારણ કે અખાતી દેશોમાં જે હાલત અત્યારે કતારની છે તે જ હાલત એશિયામાં પાકિસ્તાની થયેલી છે. એક દુષ્ટ અને આતંકવાદી દેશ તરીકે પાકિસ્તાનનો ચહેરો વિશ્વ સમુદાય સમક્ષ ક્રમશઃ બેનકાબ  થતો જાય છે. માત્ર ચીનના દોરી સંચાર પ્રમાણે જ પાકિસ્તાન ચાલે તો ભવિષ્યમાં ઈરાન માટે પણ નવા સંકટો સર્જાઈ શકે છે. ચાબહાર બંદરે કામ કરવાની શરૂઆત કરતાં મધ્યયુગના અને આઝાદી પહેલાના ભારતીય જળમાર્ગો પુનઃ સજીવન થઈ જશે. ભારતનું વિદેશ મંત્રાલય અર્ધસમુદ્ર અને અર્ધભૂમિ એવા મુંબઈથી કાબુલ સુધીના (વાયા ચાબહાર) માર્ગને ભલે નવા ભારતીય સિલ્ક રોડની ઉપમા આપે પરંતુ ચીનના વન બેલ્ટ વન રોડ સામે આ એક નાનકડો અને ટૂંકો માર્ગ છે. ચાબહાર પ્રયોગ સફળ નીવડતા ભારત પોતાના શકય એટલા વધુ સામુદ્રિક પડોશી મિત્રરાષ્ટ્રોમાં આ પ્રકારના બંદરોનો વિકાસ કરવાની યોજના ધરાવે છે.

ચાબહાર બંદર પર જયારે પૂર્ણ કક્ષાએ વ્યાપાર શરૂ થઈ થઈ જશે ત્યારે મધ્ય એશિયાના વ્યાપાર-વાણિજ્ય પર ભારતનું વિશિષ્ટ પ્રભુત્વ હશે. ઈરાન પર અમેરિકાએ લગાવેલા વિવિધ પ્રતિબંધોને કારણે ભારતની અંદાજે ત્રણ દાયકા પુરાણી ચાબહાર બંદર યોજના હવે મોડે મોડે સાકાર થઈ રહી છે. ભારતને સરહદે પાકિસ્તાને જેટલું નુકસાન કર્યું છે તેનાથી ક્યાંય અધિક સમુદ્ર માર્ગો પરની તેની અવળચંડાઈ અને વાણિજ્યક બાબતોમાં અંતરાયો દ્વારા કર્યું છે. ચાબહારને કારણે એ નુકસાન મધ્ય એશિયાના વિવિધ દેશો સાથેના ભારતના નવા સંબંધોથી ભરપાઈ થઈ જશે. જો કે ઈરાનની વિદેશનીતિથી એશિયામાં કોઈ અજાણ નથી. સ્વાર્થપરાયણતા એ તેનો મુદ્રાલેખ છે. જેમ જેમ ભારતની ચાબહાર બંદર પરની નિર્ભરતા વધતી જશે તેમ તેમ ઈરાન તેના વિવિધ રંગો ધારણ કરીને અભિવ્યકત થશે. ઈરાન દ્વારા એ બંદરનો સોળે કળાએ વિકાસ કદાચ સહ્યો નહિ જાય  અને ત્યારે તે ભારત સરકાર પાસેથી વિવિધ લાભ લેવાની કોશિશ કરશે.

પરંતુ જો તાલિબાન આ મિત્રતા સહભાગી થશે તો ઈરાનના સારા સંબંધો ઈરાનની દુર્વૃત્તિઓને અંકુશમાં રાખી શકશે એમ માનીને ભારત સરકાર અત્યારે આ બાબતે ચર્ચા-વિચારણા કરી રહી છે. અફઘાનિસ્તાનમાંથી તાલીબાનોની મિત્રયોજના ભારતના અર્થતંત્રનો સકારાત્મક પડાવ બની શકે છે. ભારતીય અધિકારીઓની કાબુલ તરફ નિયમિત ઉડાઉડ હોય છે. અફઘાન પ્રજાના હૈયે પણ ભારત પરત્વેનો નવો આશાવાદ છે અને એ પ્રમાણે જ ભારતનું એ દેશને બેઠા કરવામાં યોગદાન છે, પરંતુ તાલિબાનોનું અસ્તિત્વ તકલાદી છે, એણે પોતાના પગ પર ઊભા રહેવાને વાર છે.

Gujarat