Get The App

ગુજરાત છે અકસ્માત ઝોન .

Updated: Dec 9th, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાત છે અકસ્માત ઝોન                            . 1 - image

આપણા દેશમાં જ્યાં સુધી શિસ્ત એના આખરી અને પરિપૂર્ણ સ્વરૂપમાં ઊઘાડ નહિ પામે ત્યાં સુધી જાહેર રસ્તાઓ પરના ટ્રાફિકમાં શિસ્ત દેખાવાની શક્યતા ઓછી છે. એ માટે ભારત કેવી કિંમત ચૂકવે છે? દર વરસે હજારો પરિવારોમાં અકસ્માતથી થયેલા સ્વજનના મૃત્યુનું ઘોર આક્રંદ સંભળાય છે. આપણે ત્યાં સ્વયંશિસ્તનો એટલો અભાવ છે કે બહુ ઉચ્ચ શિક્ષણ મેળવેલા લોકો રસ્તો જરાક ખાલી જુએ કે રોંગ સાઈડમાં સરકી જાય છે. કોઈ પણ નાગરિક વાહન કઈ રીતે ચલાવે છે એ જોઈને એની આખી જન્મકુંડળી અને હવે તેની અને મૃત્યુ વચ્ચે કેટલું અંતર છે એ કહી શકાય છે. સૌથી ભયાનક તથ્ય એ છે કે આવા બેવકૂફોને કારણે અનેક નિર્દોષ લોકોની જિંદગી સ્વાહા થઈ જાય છે.

આપણા દેશની શૈક્ષણિક પ્રણાલિકાઓમાં જાહેર શિસ્તનો કોઈ પાઠયક્રમ આવતો નથી. કેટલીક શાળા અને કોલેજોના મુખ્ય દરવાજા જ એવા છે કે વિદ્યાર્થી બહાર આવે કે તુરત રોંગ સાઈડનો જ આશ્રય લે. આ શાળાઓ બીજું તો શું શીખવતી હશે! હવે તો ગુજરાતનાં તમામ શહેરોમાં રમતા-રમતામાં યુવક-યુવતીઓ અકસ્માતનો શિકાર બને છે. વાહન ચાલકો કે જેઓ પોતાની ધૂનમાં કે ઉતાવળમાં હોય છે તેઓ આવનારા સંભવિત અકસ્માત વિશે અજ્ઞાાત હોય છે. એ ઝડપ કે બેદરકારી એને કાયમી અપંગતા આપશે તો પોસાશે પણ ધીમે સભાન રીતે ચલાવવાનું એમને નહિ પોસાય. અણહક્કની લક્ષ્મી ઉછળે છે અને એને ધારણ કરનારાને પણ ઉછાળે છે. બાપ કમાઈના પૈસે લહેર કરનારાઓના કુસંગે પોતાની જાન ગુમાવનારા નિર્દોષ યુવાનોનાં દ્રષ્ટાન્તો પણ ગુજરાતમાં જોવા મળેલા છે.

બીજાઓના અકસ્માતોમાંથી નવી પેઢીએ કમસે કમ પોતાના સ્વાર્થ માટે તો શીખી લેવું જોઈએ અને પોતાની ભૂલો સુધારી લેવી જોઈએ, પરંતુ એવું ક્યાંય જોવા મળતું નથી. તેઓ એકબીજાને અનુસરે છે અને પોતે પાયલોટ હોય એમ બાઈક ચલાવે છે. ક્યારેક માતાપિતાથી પણ એમ બોલાઈ જાય છે કે કેટલી વાર ધીમે ચલાવવા કહેવું? એક વાર હાથપગ ભાંગશે એટલે બધી ભાન આવી જશે. હેલ્મેટ પહેરવા અંગે ઘણી અસ્પષ્ટતા છે. એ અંગે ગુજરાત હાઈકોર્ટ, બોમ્બે હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટના ચૂકાદાઓ રસપ્રદ છે, પરંતુ એ તમામનો અભ્યાસ કરીને લોકાભિમુખ નીતિ ઘડવાનો ગુજરાત સરકારને સમય નથી એટલે સમગ્ર રાજ્યમાં હેલ્મેટ અંગે દ્વિધા અને સંદિગ્ધતા પ્રવર્તે છે. જે દેશમાં લોકોને એમ સમજાવવું પડે કે સાહેબ આપનું આ માથું નાળિયેરની જેમ વધેરાઈ ન જાય એ માટેની એક વ્યવસ્થા છે તો આપનું સર સલામત રાખવા અમને સહકાર આપશો...? એ દેશમાં ખુદની સલામતી માટેની લોકજાગૃતિ માટે સરકારે લાંબો સમય રાહ જોવી પડશે એ નિશ્ચિત છે.

વાહનોને સર્વિસ કરાવવામાં પણ આપણે પ્રમાદી છીએ. સરકારી બસ સેવાઓના ડ્રાઇવરો એકવાર નોકરી પર ચડે પછી એમની ફિટનેસની તપાસ થાય છે? છતાં એમને લાંબા રૂટ સોંપી દેવામાં આવે છે. જેના હાથમાં અનેક પ્રવાસીઓની જિંદગીનું સુકાન છે એવા ડ્રાઈવરો માટેના નોકરી દરમિયાનના કોઈ વાર્ષિક તાલીમી કે અપગ્રેડેશન કાર્યક્રમો જ નથી. અરે, અકસ્માત ન થાય ત્યાં સુધી ડ્રાઈવર તરફ ધ્યાન કોણ આપે છે? એ પણ મનુષ્ય છે અને અન્ય નાગરિકોને હોય એવી તમામ તકલીફો એની જિંદગીમાં પણ સંભવ છે. એ કંઈ દેવદૂત નથી. ધોરિમાર્ગો પરના સરકારી બસના વધતા જતા અકસ્માતોને રોકવા માટે સરકારે ડ્રાઈવરો તરફ ધ્યાન આપવાની પણ જરૂર છે. રસ્તાઓ સારા થઈ ગયા છે. ડ્રાઈવિંગ કરવાની મજા જ કંઈ ઔર છે. પણ એ મજાની મર્યાદા જ આપણી આયુષ્યરેખાને લંબાવી શકે છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના છેલ્લા અહેવાલમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે રસ્તાઓ પરના અકસ્માતો એ આપણા યુગ પર આવી પડેલું કોરોના જેવું જ પરંતુ લાંબા ગાળાનું ગંભીર સંકટ છે. એ માટે આ સંસ્થાએ દુનિયાની દરેક સરકારોને સીધુંસાદું માર્ગદર્શન આપ્યું છે કે તમારા દેશમાં ચાલતા વાહનોની જેટલી ઝડપ ઓછી, એટલા અકસ્માતો ઓછા. સંસ્થાએ આખું પત્રક જાહેર કરેલું છે કે કેટલી ઝડપે ચાલતા વાહનને અચાનક ઊભા રહેવા માટે કેટલા મીટરનું અંતર જોઈએ. સારાંશ એ છે કે બ્રેક હોવા છતાં તમે ધારો ત્યારે ધારો તે રીતે વાહનો થંભી જતાં નથી. વાસ્તવિકતા અને ચાલકની ધારણા વચ્ચે અંતર હોય છે અને એ અંતરમાં જ યમરાજાનો પડાવ હોય છે. ટ્રાફિકના સંચાલનમાં ઝડપી વાહનોને અન્ડરલાઈન કરવાની વ્યવસ્થા છે પણ સ્થળ પરના ટ્રાફિક કર્મચારીઓને એની પ્રેક્ટિસ નથી. જે રીતે ગુજરાતમાં કાળા કાચવાળી મોટરોમાં ડ્રગ્સની હેરાફેરી થાય છે એને રોકી શકાતી નથી, એ જ રીતે ટ્રાફિક પોલીસ હજુ ઝડપી વાહનોને ઝડપી શકતી નથી. ત્યાં સુધી દુર્ઘટનાઓના પુનરાવર્તનની ભીતિ રહે છે.