For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આ રમત, આ ચિત્રપટ .

Updated: Aug 10th, 2021

Article Content Image

છેલ્લા થોડા વર્ષોથી સ્પોર્ટ્સ સ્ટોરી ઉપરથી હિન્દી ફિલ્મો બનાવવાનું પ્રમાણ વધ્યું છે તેના પરથી બે બાબતો ફલિત થાય છે - ક્રિકેટ સિવાયની બીજી રમતો તરફ પણ ભારતીયોનું ધ્યાન વળ્યું છે અને ફિલ્મ મેકરો પાસે સારી સ્ટોરી બનાવવાનું પ્રમાણ ઘટયું છે. કોરોનાએ ફિલ્મો અને સિરિયલના બે અલગ ભાગ પાડી નાખ્યા છે. સારી વાર્તા એટલે કે મજબૂત કન્ટેન્ટ ધરાવતી ફિલ્મો કે વેબસિરિઝ ઓટીટી પ્લેટફોર્મ ઉપર રિલીઝ થાય છે અને ખૂબ લોકપ્રિય કથાવસ્તુ હોય તો તે મુવી થિએટરોમાં રિલીઝ થશે.

નવી ફિક્શન વાર્તા તો લોકપ્રિયતાની ખાતરી આપી શકે નહીં માટે પ્રખ્યાત વિષય ગોતવા માટે ફિલ્મમેકરોએ વર્તમાનપત્ર પર મદાર રાખવો પડે છે. બહુચર્ચિત વ્યક્તિત્વ કે વિવાદાસ્પદ ન્યૂઝ આઈટમ પરથી બાયોપિક ફિલ્મો બનાવવાનું ચલણ ખૂબ વધી ગયું છે.

સ્પોર્ટ્સને સમાવતી ફિલ્મો પણ અખબારી કેટેગરીમાં આવે છે. ફિલ્મમેકરોને એટલી ખાતરી જોઈએ છે કે તેમની ફિલ્મોનો કોઈ પણ વિષય દર્શકોને મિનિમમ એક વખત  થિએટર સુધી ખેંચી લાવશે. માટે દેશવિખ્યાત સ્પોર્ટ્સપર્સનનો આધાર લેવો પડે છે. મહેન્દ્રસિંહ ધોનીએ હજુ સંપૂર્ણ નિવૃત્તિ ન લીધી હોવા છતાં આજથી પાંચ વર્ષ પહેલાં તેની જીવની ઉપર એક ફિલ્મ બની ગઈ. તે ફિલ્મમાં ધોનીનું કિરદાર ભજવનાર સુશાંતસિંહ રાજપૂતના અપમૃત્યુની તપાસ ચાલુ હતી ત્યારે જ કોઈ એક વેપારીએ તેના નામની રોકડી કરવા તેની જિંદગી ઉપરથી એક અનામી ફિલ્મ બનાવવાની જાહેરાત કરી દીધી હતી.

કોરોના સંક્રમણ ન હોત તો કપિલ દેવ ઉપરની ફિલ્મ ઓલરેડી બની ગઈ હોત. સચિન વિશે આવશે તો એકસાથે ત્રણ ફિલ્મો આવશે. ક્રિકેટ તો અનેક દાયકાઓથી ફિલ્મી દુનિયાને પટકથા પૂરી પાડી રહ્યું છે. સફળ ક્રિકેટરોનો નિષ્ફળ અભિનેતા બનવાનો સિલસિલો પણ અવિરત ચાલુ છે.

ભારતીયોએ એવા અનેક વર્ષો પસાર કર્યા જ્યારે મહિલા એથલીટ તરીકે પી.ટી.ઉષા સિવાય બીજી એક પણ સ્ત્રીનું નામ લોકજીભે ચડયું ન હતું. સાનિયા મિર્ઝાથી એ પરંપરા તૂટી. હવે કોઈ મહિલા વ્યક્તિગત રીતે સ્પોર્ટ્સમાં આગળ વધે છે તો તરત તેની ઉપર ફિલ્મ બની જાય છે. સાઈના નેહવાલ તેનું તાજું ઉદાહરણ છે. મિલખા સિંઘ અને પાનસિંહ તોમાર જેવા લિજેન્ડરી દોડવીરોને મોડું માન મળ્યું પણ સિનેમાના પડદાએ તેની કદર કરી એટલે ભારતના મોટા સમુદાયે પણ કદર કરી.

ઇન્ડિયન ફૂટબોલનો જે સુવર્ણકાળ કહેવાતો તે સમય એટલે ૧૯૫૨ થી ૧૯૬૨ ના દસ વર્ષ. ત્યારની ભારતની ફૂટબોલ ટીમના કોચ સૈયદ અબ્દુલ રહીમની બાયોપિક બનશે પછી તેનું નામ પણ પોણી સદી પછી લોકપ્રિય થશે. ઓલિમ્પિક ગોલ્ડ મેડલીસ્ટ અભિનવ બિન્દ્રા ઉપરથી તો બાયોપિક બની રહી છે. ગોલ્ડ મેડલીસ્ટ નિરજ ચોપરા ઉપરથી કે નિરજ ચોપરાને લઈને ક્યારે કોઈ ફિલ્મની જાહેરાત થશે તે જોવાનું રહ્યું.

સ્પોર્ટ્સ અને ફિલ્મ વચ્ચેનું આ પરસ્પરનું અવલંબન અમુક સત્ય ઉજાગર કરે છે. અમુક સત્યમાંથી થોડા સત્ય મીઠા છે તો થોડા કડવા છે. તે સત્યની તારવણી કરતા પહેલા અમેરિકાનું ઉદાહરણ લઈએ. બીજા વિશ્વયુદ્ધ પછી અમેરીકાની આર્થિક કમર ભાંગી ગઈ હતી. આમ પણ ઈ. સ. ૧૯૨૯ ની મહામંદીના જખ્મો સાવ રૂઝાયા ન હતા.

અમેરિકાનો ડંકો આખી દુનિયામાં સતત વાગતો રહે છે તેનું કારણ ફક્ત તેની ચંદ્રયાત્રા નથી. તેનું એક મહત્વનું બીજું કારણ એ છે કે અમેરિકાએ તેની ફિલ્મો અને તેના સ્પોર્ટ્સ પર્સનને દુનિયાના ખૂણે ખૂણે પહોંચાડવામાં સફળતા મેળવી. હોલીવુડની ગંજાવર સ્થાપના થઇ અને તેની ફિલ્મોએ જગતના બધા સિનેમાને ઢાંકી દીધા. ફૂટબોલ અને ક્રિકેટ જેવી બહુ ખ્યાતનામ રમતમાં જ ફોકસ ન કર્યું.

તેને બદલે ગોલ્ફથી લઈને બોક્સિંગ સુધી અને ચેસથી લઈને સ્વિમિંગ સુધી બધી રમતોમાં અમેરિકન ખેલાડીઓએ કાઠું કાઢયું. દેશને દુનિયાના નકશામાં ચમકાવવો હોય તો તેની સંસ્કૃતિને પ્રદીપ્ત કરવી પડે. કોઈ પણ દેશની સંસ્કૃતિના ઢોલ વગાડવા માટે બે રસ્તા મુખ્ય છે - ફિલ્મો અને સ્પોર્ટ્સ. અમેરિકા તેમાં એક્કો છે.

ભારત પણ આ બંને ક્ષેત્રે આગળ છે પરંતુ ઘણા બેન્ચમાર્ક સ્થાપવાના બાકી છે. ભારતીય ફિલ્મોને અચાનક સ્પોર્ટ્સમાં વધુ રસ પડવા લાગ્યો તેનું કારણ એ જ છે કે ભારતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ લેખકોને જરૂરી માન આપ્યું નથી. માન ફક્ત પ્રાસંગિક ન હોય, આર્થિક પણ હોય. માટે મૌલિક પટકથાઓના અભાવે સ્પોર્ટ્સ પર ફિલ્મો અને રિમેક ફિલ્મો બનાવવી પડે છે. ફિલ્મો બને પછી ઇન્ડિયન ઓડિયન્સ જે તે ખેલાડીની મહાનતાને સમજે છે.

તેનો અર્થ એ કે ભારતમાં ક્રિકેટ સિવાયની બીજી રમતોને પણ ખૂબ મહત્વ આપવું ઘટે. ઓલિમ્પિકમાં ફક્ત એક ગોલ્ડમેડલ આપણે મેળવ્યો અને દેશ ખુશીના હિલોળે ચડયો છે. ભારતની વસ્તી જોતા એક ઓલિમ્પિકમાં આપણે ચાલીસ ગોલ્ડ મેડલ મેળવીએ તો પણ કોઈ આશ્ચર્યની વાત ન હોઈ શકે.

Gujarat