યુદ્ધ હાલ તુરંત તો ચીનના પ્રયાસોથી અટકી ગયું છે. શાહબાઝ શરીફનું ટ્વીટર એકાઉન્ટ અને એનો એડિટ હિસ્ટ્રી એની ગવાહી આપે છે કે આ સીઝ ફાયરમાં પાકિસ્તાનની કોઈ ભૂમિકા નથી. છતાં આ યુદ્ધમાં શાંતિના એક પક્ષકાર અને શત્રુ દેશ તરીકે અમેરિકા છે જેના વડા ખુદ ઉરાંગ ઉટાંગ હોવાથી આ યુદ્ધવિરામ ગમે ત્યારે તકલાદી સાબિત થવાનું છે. આ જે અખાતી યુદ્ધ છે તે ખરેખર તો સમયરેખા પર યુક્રેન યુદ્ધનું અનુગામી છે. ને વેનેઝુએલા પરના અમેરિકા પરના હુમલાના અનુગામી આક્રમણ તરીકે ચીનનો તાઈવાન પરનો હુમલો આકાર લેશે. અખાતી યુદ્ધ એ રીતે યુક્રેનના પડછાયામાં આગળ વધ્યું હતું, પણ અમેરિકાનો એ પ્રાપ્ત બોધપાઠ છે કે જે રીતે રશિયાએ યુક્રેનમાં રમખાણ મચાવ્યું એવું તેઓ ઈરાનમાં કરી શક્યા નહિ, કારણ કે ઈરાન એક અપૂર્વ શક્તિમત્તા સાથેનો દેશ છે. એની પ્રજા રાષ્ટ્રપ્રેમી છે. માનવ સાંકળ એનું નવું દ્રષ્ટાન્ત છે. ઉપરાંત જગત જમાદારના નાકને ઘસરકો લાગ્યો. સ્વદેશમાં એમના વિરુદ્ધ આંદોલનો શરૂ થયાં અને આંતરરાષ્ટ્રીય તખ્તા પર અનેક દેશોમાં ઉર્જા કટોકટી નોંતરવા બદલ તેઓ પૂરા બદનામ થયા. યુદ્ધવિરામ છતાં ઇઝરાયેલના લેબનોન પર હુમલા તો ચાલુ જ રહેવાના છે.
અમેરિકન ઇતિહાસમાં, ડોનાલ્ડ ટ્રમ્પ જેવા અધીરા, અપરિપક્વ અને વેપારી રાષ્ટ્રપ્રમુખ ભાગ્યે જ જોવા મળ્યા હશે. સંયમ અને ગૌરવ એવા શબ્દો છે જે તેમના ગુણસંપુટમાંથી ગાયબ છે. યુએસ-ઇઝરાયલ સંઘર્ષની ચરમસીમાએ સોશિયલ મીડિયા પોસ્ટ્સમાં તેમણે ઈરાન વિરુદ્ધ જે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો તે તેમની હતાશાને પ્રતિબિંબિત કરે છે. તેમનાં નિવેદનોની વૈશ્વિક સ્તરે અને યુએસમાં પણ આકરી ટીકા થઈ છે. આજે, અમેરિકન નાગરિકો પણ વિચારી રહ્યા હશે કે શું વિશ્વના સૌથી શક્તિશાળી લોકશાહીના રાષ્ટ્રપ્રમુખને આવી બેલગામ સત્તાઓ આપવી લોકશાહીના હિતમાં છે કે નહિ. ટ્રમ્પ દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ અંગે તેહરાનને અપશબ્દો અને ધાર્મિક સંદર્ભોથી ભરેલી ચેતવણી, એક આવેગજન્ય ઉશ્કેરણીથી વધુ કંઈ નથી. એક મહાસત્તાના વડા દ્વારા આવી છીછરી ભાષાનો ઉપયોગ માત્ર અયોગ્ય જ નથી પણ સંભવિત રીતે ઘાતક પણ છે. દેખીતી રીતે, ઈરાનને વાટાઘાટોના ટેબલ પર લાવવાને બદલે, તેમની ધમકીઓ તેને વધુ આક્રમક રીતે બદલો લેવા માટે ઉશ્કેરશે.
હકીકતમાં, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વર્તમાન યુદ્ધને મધ્યયુગીન ધર્મયુદ્ધોના વિસ્તરણ તરીકે દર્શાવવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યા છે, જેમાં ખ્રિસ્તીઓ અને મુસ્લિમો સદીઓથી સર્વોચ્ચતા માટે લડયા છે. તેમણે રાજકારણમાં ધાર્મિક લાગણીઓનો દુરુપયોગ કર્યો છે, ઈરાનમાં તોડી પાડવામાં આવેલા અમેરિકન ફાઇટર જેટના પાઇલટના બચાવને 'ઇસ્ટર ચમત્કાર' પણ ગણાવ્યો છે. દેખીતી રીતે, પુનરુત્થાન અને આશાનું પ્રતીક ગણાતા ખ્રિસ્તી પવિત્ર દિવસનો ઉલ્લેખ ખોટી જગ્યાએ કરવો એ લશ્કરી અભિયાનને નૈતિક અને દૈવી સ્વર આપવાનો નિષ્ફળ પ્રયાસ છે.
આ જ કારણ છે કે યુએસ કાયદા નિર્માતાઓએ લશ્કરી કાર્યવાહીને વાજબી ઠેરવવા માટે ધાર્મિક માન્યતાઓનો ઉપયોગ કરી શકાય છે કે કેમ તે નક્કી કરવા માટે તપાસની ડિમાન્ડ કરી છે. આ કાયદા નિર્માતાઓની ચેતવણીઓ ચોક્કસપણે એક મૂળભૂત લોકશાહી સિદ્ધાંત પર આધારિત છે ઃ ચર્ચ અને રાજ્યને અલગ કરવા. તેઓ દલીલ કરે છે કે લશ્કરી નિર્ણયો કાયદા, વ્યૂહરચના અને જવાબદારી દ્વારા સંચાલિત થવા જોઈએ, ભગવાન અથવા બાઈબલની ભવિષ્યવાણીઓ ને અપીલ દ્વારા નહીં. ટ્રમ્પના આક્રમક વાણી-વર્તન અને કાર્યો આવનારાં વર્ષો સુધી અમેરિકનોને નુકસાન પહોંચાડશે. તેમની બેજવાબદાર ધમકીઓ પશ્ચિમ એશિયામાં યુએસ સંરક્ષણ કર્મચારીઓના જીવનને પણ જોખમમાં મૂકી શકે છે અને ગુપ્ત રાજદ્વારી પ્રયાસોને પાટા પરથી ઉતારી શકે છે. વિશ્વની મહાસત્તાના સૌથી શક્તિશાળી નેતા તરીકે, તેમણે સમજવું જોઈએ કે તેમના વાહિયાત વાણી-વર્તન યુએસ વિદેશ નીતિને ન ભરવાપાત્ર નુકસાન પહોંચાડી રહ્યા છે.
સ્પષ્ટપણે, મજબૂત નેતૃત્વ માટે જવાબદારીની સાથે વિશ્વસનીયતા અને સ્પષ્ટતાની પણ જરૂર છે. આવી સ્થિતિમાં, ધર્મને શસ્ત્ર બનાવવાનો તેમનો પ્રયાસ સંપૂર્ણ હતાશાને પ્રતિબિંબિત કરે છે. આ એ સ્થિતિને પણ પુષ્ટિ આપે છે કે અમેરિકન જનતાએ તેમને એક વ્યક્તિની ક્ષમતાઓથી ઘણી આગળની જવાબદારી સોંપી છે. આનું કારણ એ પણ છે કે ટ્રમ્પ ઈરાનની ક્ષમતાઓનું મૂલ્યાંકન કરવામાં નિષ્ફળ રહ્યા છે. તે જમીની વાસ્તવિકતાઓને ધ્યાનમાં લીધા વિના, અમેરિકા માટે સતત વિજયનો દાવો કરી રહ્યા છે. જે તેઓની એક તરંગલીલા માત્ર સાબિત થઈ છે.


