દેશના ઘણા રાજ્યોમાં આભમાંથી દરિયો ઠલવાઈ રહ્યો હોય એવા દૃશ્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો પ્રલય સામે કામ કરવામાં નિષ્ફળ જઈ રહી છે. અનેક સ્થળે સૈન્યની મદદની જરૂર છે પરંતુ કેન્દ્રની એનડીએ સરકાર કોઈક બીજી જ મથામણોમાં અટવાયેલી છે. અગાઉ ફ્લડ કન્ટ્રોલ ડિપાર્ટમેન્ટ હતા. હવે માત્ર ડિઝાસ્ટર મેનેજમેન્ટના પાટિયા નીચે બધું સમાવી લીધું છે. આ ચોમાસે ફ્લડ કન્ટ્રોલના આધુનિક સાધનો, ટેકનોલોજી, અને નવી સંચાર તથા વિજ્ઞાાન વ્યવસ્થામાં આપણે બહુ દરિદ્ર સાબિત થઈ રહ્યા છીએ. બહુ શરૂઆતથી વૈશ્વિક પર્યાવરણવિદોએ કહ્યું છે કે એકવીસમી સદીનો આ ત્રીજો દાયકો પ્રાકૃતિક આપદાના સંદરાભમાં ખતરનાક છે. હજુ તો આપણે અરધે જ પહોંચ્યા છીએ. હજુ ઘણું જોવાનું, સાંભળવાનું અને ભોગવવાનું બાકી છે. અત્યારે દેશના નગર-ઉપનગરો, મહાનગરો અને રાજ્યો પ્રલયકાળનો અનુભવ કરી રહ્યા છે. આપણા રાજ્યના એક પણ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે એના શહેરના ભૂસ્તરનો નકશો નથી. જે નકશો છે તે ભૂગોળનો છે. દર વખતે જ્યારે વરસાદ આવે છે અને ઘૂઘવાટા કરતા પાણી ચોતરફથી પ્રવેશે છે ત્યારે મહાપાલિકાની ટીકા કરવાની મોસમ શરૂ થાય છે.
વાસ્તવિકતા એ છે કે શહેરમાં વરસાદી દિવસોમાં વ્યવસ્થાતંત્ર સંભાળવું એ હવે પાલિકાઓના કાબૂ બહાર ની વાત છે. ગુજરાતના તમામ શહેરોમાં મહાપાલિકામાં જે કોઇ પણ રાજકીય પક્ષનું શાસન હોય તેમણે દાયકાઓથી બિલ્ડર લોબી સાથે સદાય દોસ્તી નિભાવી છે. એને કારણે હવે એના ભીષણ પરિણામોની શરૂઆત થઈ ગઈ છે. પાણીના કુદરતી પ્રવાહોની નોંધ લીધા વિના અને પૂરતી જાણકારી વિના મ્યુનિસિપલ કોર્પોરેશન અને શહેરી વિકાસ સત્તા મંડળ, બંનેએ ધમધોકાર મંજુરીઓ આપી છે. દિલ્હીમાં યમુના નદીના પાણી શહેર પર ફરી વળ્યા એના કારણો ખરેખર જો તપાસવા હોય તો એ પાટનગરની બહારના વિસ્તારોમાં આજકાલ જે બાંધકામ ચાલે છે એના પર નજર નાંખો તો ખ્યાલ આવે ! આ ક્રમ છેલ્લા એક દાયકાનો છે અને આ જ તર્જ પર આપણા રાજ્યમાં તાપી અને વિશ્વામિત્રી નદીએ મહાનગરોની નાગરિકતા માટે દાવો કરેલો છે. વડોદરા શહેરની બહાર ઇસનપુર જેવી અનેક કાંસ નીકળે છે અને આ કાંસ જ જળ પ્રલયથી શહેરને બચાવનારી હોય છે. ગામડાઓમાં પાણીના વોંકળા હોય છે.
ભારત સરકારના રાષ્ટ્રીય ધોરિમાર્ગના બાંધકામની એક કડક આચાર સંહિતા છે કે ચારફૂટ જેટલો પહોળો પ્રવાહ પણ જ્યાં વહેતો હોય ત્યાં ગરનાળા કે પુલ બાંધવા પરંતુ એનું માટીથી કદી પુરાણ કરવું નહિ. ગુજરાતના મહાનગરોના પાણીનો નિકાલ કરવા માટેની કોર્પોરેશને બનાવેલી અને કુદરતી રીતે બનેલી એવી જે વિવિધ કાંસ હોય છે તે વરસોવરસ કૌંભાડકારી પ્રવૃત્તિઓથી પુરાતી આવી છે. ગુજરાતના શહેરોના બાહ્ય વિસ્તારોમાં જ્યાં કાંસ હતી ત્યાં બિલ્ડરોએ માટીના પુરાણ કરેલા છે અને એના પર વિશાળ બાંધકામ પ્રોજેક્ટ મુકેલા છે. ગુજરાતના શહેરોમાં નવા બંધાયેલા સંખ્યાબંધ પ્રોજેક્ટ એવા છે કે જે ભવિષ્યમાં પણ ચોમાસામાં સંપૂર્ણ સલામત નીવડવાના નથી. નદીઓને પસાર થવા માટેના અને એની ક્ષમતા કરતા વધારાના પાણીને ઉપ પ્રવાહોમાં વાળવા માટેના જે માર્ગો હતા તે બધા પર લાખો ટન માટીનું પુરાણ કરીને પ્રોજેક્ટ મુકવામાં આવેલા છે.
આજે પણ કોઈ શહેરોના બાહ્ય વિસ્તારોનો પ્રવાસ કરે તો એને બહુ આસાનીથી કોઇને કોઇ કાંસના પુરાણનું ચાલુ કામ નજરોનજર જોવા મળે એમ છે. આપણા રાજનેતાઓ અને સરકારી એન્જિનિયરોએ ભવિષ્યનો વિચાર કર્યા વિના લક્ષ્મીના દાસ બનીને જે કૌભાંડો આચર્યા છે એણે સુંદર શહેરોનું નિકંદન કાઢી નાખ્યું છે. માત્ર ગુજરાતના જ નહીં પરંતુ દેશના કેટલાક સુંદર સિટી પ્લાનિંગ ધરાવતા શહેરોના નામને ભૂંસવા માટે સત્તાધિકારીઓ ઘણા વર્ષોથી પાછળ પડેલા છે. મહાપાલિકાઓએ નગરજનોને ભગવાન ભરોસે છોડી દીધા છે. નદીઓને ઊંડી કરવાનું કામ કોઈએ કર્યું નથી. નદીઓ સતત ઉંચી આવતી રહી છે. એટલે વધારે પડતા પાણીનું વહન કરવાની ક્ષમતા આજે તો ગુજરાતની મોટા ભાગની નદીઓમાં રહી નથી. વરસાદી પાણીના નિકાલ માટે કે સંગ્રહ માટે અલગ તંત્રની દરેક મોટા શહેરોને જરૂર છે. મહાપાલિકાના કર્મચારીઓ અને અધિકારીઓ દોડે છે ખરા પરંતુ તેઓનામાં કુદરતના ક્રમને સમજવાની તૈયારી નથી એટલે તેઓ પાછા પડે છે અને નાગરિકો સંકટમાં મૂકાય છે. હવામાન ખાતાની આગાહીઓ તરફ રાજ્ય અને કેન્દ્ર સરકારો ધ્યાન આપી શકી નથી એને કારણે દેશના કરોડો લોકોની જિંદગી પાણીમાં ડૂબકાં ખાઈ રહી છે.


