Get The App

હમ હૈ બાંકે બિહારી .

Updated: Nov 7th, 2025

GS TEAM

Google News
Google News
હમ હૈ બાંકે બિહારી                                . 1 - image

બિહારના રાજકારણમાં અપરાધ, જાતિ અને સત્તાનો રાજત્રિકોણ લાંબા સમયથી નિર્ણાયક ભૂમિકા ભજવતો રહ્યો છે. જંગલ રાજ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ ૧૯૯૭માં થયો હતો, અને તેનો સંદર્ભ તેના વર્તમાન રાજકીય અર્થથી સંપૂર્ણપણે અલગ હતો. તે સમયે, ઘાસચારા કૌભાંડમાં ફસાયેલા લાલુ પ્રસાદ યાદવે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું અને રાબડી દેવીએ શપથ લીધા હતા. એ દિવસોમાં પટણા હાઈકોર્ટે, પાણી ભરાવા અને ડ્રેનેજ સિસ્ટમ અંગેની અરજીની સુનાવણી વખતે, મૌખિક રીતે અવલોકન કર્યું હતું કે પટણામાં પરિસ્થિતિ જંગલ રાજ કરતા પણ ખરાબ છે. વિરોધ પક્ષોએ જંગલ રાજનો ઉપયોગ પછીથી રાજકીય હથિયાર તરીકે કર્યો છે. શરૂઆતમાં રાષ્ટ્રીય જનતા દળ (ઇવઘ) શાસનની ટીકા કરવા માટે એનો ઉપયોગ થયો. ઇવઘ અને તેના સમર્થકો તેને સામાજિક ન્યાય અને વંચિતોના સશક્તિકરણની પ્રક્રિયા તરીકે દર્શાવે છે, જેને પ્રશિષ્ટ સમુદાય જંગલ રાજ તરીકે બદનામ કરે છે.

૧૯૭૦ અને ૧૯૮૦ના દાયકામાં બિહારમાં સામાજિક અને રાજકીય ઉથલપાથલનો સમયગાળો હતો. જમીન સંઘર્ષ, જાતિગત હિંસાચાર અને આર્થિક અસમાનતાએ અસંખ્ય ગુનાઈત જૂથોને જન્મ આપ્યો. સન ૧૯૯૦ના દાયકાથી સામાજિક ન્યાયના રાજકારણના ઉદય સાથે, પછાત અને દલિત સમુદાયો સત્તામાં આવ્યા, પરંતુ આ સમયગાળામાં ગુનાઈત-રાજકીય જોડાણ પણ મજબૂત બન્યું. અન્ડર વર્લ્ડ સાથેની કનેક્ટિવિટી બિહારી રાજપુરુષોએ કેળવી લીધી. ખરેખર તો ત્યારથી બિહારમાં અંધારા ઉતરવા લાગ્યા. બિહારમાં રાજકારણ અને ગુના વચ્ચેની રેખા ધીમે ધીમે ઝાંખી પડી ગઈ છે. એ ભેદરેખા આવનારા વરસોમાં લુપ્ત થઈ શકે છે. આ વખતે પણ ઉમેદવારોએ જાતિના સમર્થન અને નાણાકીય શક્તિના આધારે ચૂંટણી જીતવા માટે વ્યૂહરચના અપનાવી છે. બિહારના રાજકારણમાં અપરાધ અને જંગલ રાજની વિભાવના ફક્ત કાયદો અને વ્યવસ્થાના મુદ્દાઓ નથી, પરંતુ સામાજિક પરિવર્તન, વર્ગ સંઘર્ષ અને રાજકીય વિચારધારાની જટિલ વાર્તા છે.

એ એક લાંબી કહાની છે. ભવિષ્ય માટે પડકાર એ છે કે સામાજિક ન્યાય સાથે સુશાસન અને સુરક્ષાને સંતુલિત કેમ કરવી, જેથી લોકશાહીની વિશ્વસનીયતા અને જાહેર ભરોસો મજબૂત રહે. સામાજિક ન્યાયના રાજકારણે બિહારમાં રાજકીય પ્રતિનિધિત્વને બદલી નાખ્યું છે, પરંતુ શાસન વ્યવસ્થામાં જવાબદારી અને પારદશતાનો અભાવ અગાઉ જેવો જ યથાવત છે. આજની ચૂંટણીઓમાં, મતદારો માત્ર જાતિ ઓળખ જ નહીં, પરંતુ રોજગાર, શિક્ષણ, કાયદો અને વ્યવસ્થા અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ પર પણ વિચાર કરવા લાગ્યા છે. આ બાબત શાસક પક્ષને આ વખતે નડવાની છે. બિહારની લગભગ ૬૦ ટકા વસ્તી ૩૫ વર્ષથી ઓછી ઉંમરની છે, એટલે કે રાજ્યના રાજકારણમાં યુવાનોની ભૂમિકા નિર્ણાયક છે. આજના યુવાનો ફક્ત જાતિ કે પરંપરાગત સૂત્રો નહીં પણ રોજગાર, શિક્ષણ, તક અને સુશાસનની નક્કર ગેરંટી ઇચ્છે છે. બિહાર સૌથી વધુ ગરીબી સ્તર ધરાવતા રાજ્યોની યાદીમાં ટોચ પર છે, જ્યાં ૩૩.૭૬ ટકા વસ્તી ગરીબી રેખા નીચે જીવે છે.

વિધાનસભામાં રજૂ કરાયેલા આર્થિક સર્વેક્ષણ અહેવાલ ૨૦૨૩-૨૪ દર્શાવે છે કે રાજ્યમાં બેરોજગારી રાષ્ટ્રીય સરેરાશ કરતા વધારે છે. અહેવાલમાં જણાવાયું છે કે રાજ્યમાં બેરોજગારીનો દર ૪.૩ ટકા છે, જે રાષ્ટ્રીય સરેરાશ ૩.૪ ટકા કરતા ૦.૯ ટકા વધારે છે. બિહાર દેશનું એક અગ્રણી રાજ્ય છે જ્યાં સ્થળાંતરિત કામદારોનો દર સૌથી વધુ છે. બિહાર ચૂંટણીમાં રોજગારનો મુદ્દો ફરી એકવાર કેન્દ્રમાં છે, અને વિપક્ષી નેતા તેજસ્વી યાદવે તેને તેમના પ્રચારનું કેન્દ્રબિંદુ બનાવ્યું છે. સરકારી નોકરીઓનું વચન તેમના રાજકારણનું એક મુખ્ય લક્ષણ બની ગયું છે, જે રાજ્યના યુવાનોની લાગણીઓ સાથે સીધું જોડાયેલું છે. પ્રશ્ન એ છે કે શું આ વચન આ વખતે જનતાના વિશ્વાસમાં પરિણમશે? બિહારના રાજકારણમાં આ મુદ્દો માત્ર ભાવનાત્મક જ નહીં, પરંતુ વ્યાવહારિક મહત્ત્વ પણ ધરાવે છે. દર વર્ષે, લાખો યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવામાં કિંમતી સમયપટ વિતાવે છે, પરંતુ ભરતી પ્રક્રિયા લાંબી અને ભ્રષ્ટાચારથી ભરેલી માનવામાં આવે છે.

પાછલા વર્ષોમાં, ઘણી ભરતીઓ અટકી ગઈ છે અથવા કોર્ટમાં ગઈ છે. આવા વાતાવરણમાં, નોકરીઓનું વચન યુવાનોની લાગણીઓ સાથેની સીધી રમત બની જાય છે. સન ૨૦૨૦ની વિધાનસભા ચૂંટણીમાં, તેજસ્વી યાદવના દસ લાખ સરકારી નોકરીઓના વચને યુવાનોમાં ભારે ઉત્સાહ જગાવ્યો હતો. આ વખતની ચૂંટણીમાં, તેમણે ફરીથી રોજગારને જ મુખ્ય એજન્ડા બનાવ્યો છે.