પૂર્ણયુદ્ધની નોબત .
ભારત સરકારે હવે આતંકવાદીઓના દરેક હુમલાનો વળતો ઘા કરવાનો નિર્ણય લીધો છે અને એ પ્રકારે વ્યૂહાત્મક આક્રમણ અગાઉ પણ થયા છે. પહેલગામ હુમલાથી આઘાત પામેલા ભારતવર્ષને સરકારના નવા આક્રમક મિજાજ અને સંયમપૂર્વકની ચોક્કસ નિશાન સાથેની એરસ્ટ્રાઈકથી રાહત થાય તે સ્વાભાવિક છે. પરંતુ આ એક નવેસરનું આરંભબિંદુ છે. આ વખતે ભારતે યુદ્ધની જે ચિનગારી ચાંપી છે તે લાંબી ચાલશે, કારણ કે આ ત્રીજી ટર્મમાં એનડીએ સરકારના એજન્ડામાં નવી નક્શાપોથી છે. શાસક પક્ષ અનેકવાર બાકી રહેલા કાશ્મીરને અંકે કરવાનો ઉચ્ચાર કરી ચૂક્યો છે. મિસ્ટર મોદીની વિચક્ષણ બુદ્ધિમત્તા કામે લાગે તો એ સહજ છે. ભાજપના એજન્ડામાં હિન્દુ છે, આ વખતની પાકિસ્તાન પરની એરસ્ટ્રાઈક પછી એજન્ડા હિન્દુસ્તાન છે. એટલે આ વખતની ટર્મ પૂરી થતાં પહેલા અખંડ કાશ્મીર અંગે આમ આદમી સપનું જોતો થયો છે.
ભારતીય પ્રજાની વડાપ્રધાન મોદી પાસેથી બહુ મોટી આશા છે ભારતીય પ્રજા જાણે છે કે ભારત દ્વારા પાકિસ્તાનને પ્રાસંગિક પાઠ ભણાવવાથી સંતોષ માનવામાં ન આવે અને એને લાંબા ગાળાનો પાઠ ભણાવવામાં આવે જેથી ભવિષ્યમાં એ ઊંચું જોઈ ન શકે. અત્યારે દેશમાં એક રાષ્ટ્ર પ્રેમનો વાયરો છે. આ પવન પાકિસ્તાનને હણવાની સંપૂર્ણ તાકાત ધરાવે છે. મોકડ્રિલ દ્વારા સરકારે પોતાની પૂર્ણ યુદ્ધની જગજાહેર તૈયારી શરૂ કરી છે. એમાં જે મેસેજ છે એ પાકિસ્તાન નહિ સમજે એટલે ભીષણ યુદ્ધમાં એ ધ્વસ્ત થશે. બે અણુશસ્ત્રસંપન્ન દેશોની અથડામણ બાકીની દુનિયા માટે પણ હવે ચિંતાજનક છે, પરંતુ હવે ભારત ખરા અર્થમાં આરપારની લડાઈ લડીને પાકિસ્તાનને ચાર પાંચ ટુકડામાં વહેંચશે.
દુનિયામાં કેટલાક દેશો એવા છે કે જે બંને વચ્ચેની રાખ નીચેના અંગારા કદી પણ ઠરતા નથી. વિવિધ ઘટનાઓની હવા જરાક લાગે કે રાખ ઉડી જાય છે અને અંગારા ઝરવા લાગે છે. ભારત અને પાકિસ્તાનના સંબંધો પણ સન ૧૯૪૭થી આ જ બુનિયાદ પર આગળ વધતા આવ્યા છે. માત્ર ભારત માટે નહીં પરંતુ દુનિયાભર માટે પાકિસ્તાન એક સર્વકાલીન માથાનો દુ:ખાવો છે. ઓસામા બિલ લાદેન પાકિસ્તાનમાંથી ઝડપાયો તે સમયે છેક અમેરિકાને ખ્યાલ આવ્યો કે દૂધ પાઈને ઉછેરેલા સાપ જેવું પાકિસ્તાન અમેરિકાદત્ત ડોલર પર પોતાની હયાતી વિતાવીને ટકી રહ્યું છે. આખરે તો એ અમેરિકાનું જ મોટું અપરાધી છે. મુખ્ય પ્રશ્ન એ છે કે પાકિસ્તાની સૈન્યને પોતાનામાં વિશ્વાસ નથી એટલો આતંકવાદીઓ પર વિશ્વાસ છે. એટલે એક અર્થમાં પાકિસ્તાન પાસે યુદ્ધ લડવા માટે નિર્બળ સૈન્ય છે. એટલે પાકિસ્તાની સૈન્ય દુનિયાભરમાંથી ભાડૂતી આતંકવાદીઓને ભેગા કરીને ગિલગિટ અને બાલ્ટિસ્તાનમાં મોટા મોટા કેમ્પ ચલાવે છે અને પોતે નિષ્ક્રિય રહીને આતંકવાદીઓ પાસે હુમલાઓ કરાવે છે. આ કારણે ભારત અને પાકિસ્તાનની સરહદ સદાય સળગતી રહી છે.
પાકિસ્તાની નેતાઓ પહેલેથી એની પ્રજાને ગેરમાર્ગે દોરતા આવ્યા છે. આજે પણ પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય કક્ષા પર જે હાલત છે અને જે રીતે એના પ્રજા જીવનનું પતન થયું છે એના વિશે એના નેતાઓ કદી પણ ઉચ્ચાર કરતા નથી. પાકિસ્તાનને હંમેશા ભારત પર પીઠ પાછળથી ઘા કરવાનો ઉપક્રમ રાખ્યો છે અને એ માટે એણે દગાબાજીથી લડતા આતંકવાદીઓને જ હાથો બનાવ્યા છે. પાકિસ્તાન અત્યારે સંખ્યાબંધ આપત્તિઓથી ઘેરાયેલું છે. એના ટુકડા થવાના નક્કી છે. ઈરાન એના નવા શત્રુ તરીકે ઉભરી રહ્યું છે. પાકિસ્તાન અને ઈરાન વચ્ચેના સંબંધોમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે. દોઢ વરસ પહેલા ઈરાને પાકિસ્તાન સરહદ પર સ્થિત આતંકવાદી ઠેકાણા પર કરેલા મિસાઈલ અને ડ્રોન હુમલાથી તંગ થયેલા સંબંધો રજુ પણ સંદિગ્ધ છે.
જોકે, ઈરાનનું કહેવું છે કે તે ગાઝા યુદ્ધથી ફેલાઈ રહેલા સંઘર્ષનો ભાગ બનવા ઈચ્છતું નથી. પરંતુ હુથી, હમાસ, હિઝબુલ્લાહ જેવાં ઘણાં જૂથો છે, જેને તે પ્રતિકારની ધરી કહે છે અને જે સમગ્ર સંઘર્ષને આગળ ધપાવવામાં સીધા સામેલ છે. લાલ સમુદ્રમાંથી પસાર થતાં જહાજો પર હુથી વિદ્રોહીઓના હુમલાને રોકવા માટે અમેરિકા અને સહયોગી દેશોએ પણ તેમની જગ્યાઓ પર હુમલો કર્યો છે. આ હુથી બળવાખોરોના નેતાઓ સાથે પાકિસ્તાન ના સૈન્ય કમાન્ડરોએ ગત માસે વાટાઘાટો કરેલી છે. પાકિસ્તાન આતંકવાદીઓનું રેનબસેરા છે. એમાં હાઈટેક કોચિંગ સિસ્ટમ છે. પેન્ટાગોને તેના એક અહેવાલમાં કહ્યું છે કે હાલ પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં વિવિધ ચુમાલીસ દેશોમાંથી આવેલા આતંકવાદીઓ છે. પાકિસ્તાન દરેક આતંકવાદી જૂથને ભારત સામે લડવા મોકલવા ચાહે છે. હવે એ આખાય વિષચક્રનો અંતકાળ નજીક આવી ગયો છે.