Updated: Mar 8th, 2023
ચીન હાલ ઓમિક્રોનથીય આગળની પેઢીના વાયરસનો સામનો કરી રહ્યું છે. ચીને આખી દુનિયાના દર્દ પર પોતાનો રોટલો શેકવાની શરૂઆત કરી છે. લગભગ દરેક કોરોનાગ્રસ્ત દેશમાં ચીને જે મળે તે સસ્તા ભાવે પડાવી લેવા મોટી ઈકોનોમિક ફોઝ કામે લગાડી હતી. સાવધાની રાખીને ભારત સરકારે મોડે મોડે પણ સીધા વિદેશી રોકાણના નિયમોમાં ફેરફાર કર્યા છે, જેથી ભારતીય બજારોમાં ચીનની ઘુસણખોરી અટકી છે, કોંગ્રેસના ટ્વીટ પર ભારત સરકારે એફડીઆઇના ધોરણો બદલાવ્યા છે. માત્ર પાકિસ્તાન અને બાંગ્લાદેશ માટે જે કડક નિયમો હતા તે ભારતને સ્પર્શતા તમામ સરહદી દેશોને લાગુ કરી દીધા છે. ચિ. નિર્મલાકુમારી સીતારામન અર્થશાસ્ત્રમાં પારંગત થશે ત્યાં સુધીમાં તો એમની ટર્મ પૂરી થઈ જશે.
ચીને અત્યારે સૌથી મોટો ફેલાવો આફ્રિકન દેશોમાં કરેલો છે. આફ્રિકાથી આવેલા ઓમિક્રોનનું કારણ પણ ચીનાઓની ત્યાંની અવરજવર છે. ચીનને ખબર છે કે હવે મેઈડ ઈન ચાઈના દુનિયામાં ક્યાંય ચાલે એમ નથી. મેઈડ ઈન ચાઈનાનો મૃત્યુઘંટ ચીનના સમગ્ર ઉત્પાદન ક્ષેત્રનો વિનાશ નોંતરી શકે છે. એટલે ચીને ચાલાકી કરીને આફ્રિકન દેશોમાં વિરાટ જગ્યાઓ ખરીદી લીી છે, જ્યાં હવે તે પોતાના પ્લાન્ટ ચીનથી ખસેડી રહ્યું છે. કેટલાક તો ઓલરેડી ત્યાં છે જ. એટલે ભારતમાં જે ચાઈનિઝ ઉત્પાદનો ભવિષ્યમાં વેચાવા માટે આવશે એમાં મેઈડ ઈન નાઇજીરિયા કે મેઈડ ઈન ઘાના લખેલું હશે. આખી દુનિયાને છેતરવામાં ચીન વારંવાર સફળ નીવડે છે. સામાન્ય રીતે એમ કહેવાય છે કે તમે થોડા સમય માટે, થોડા લોકોને છેતરી શકો છો, પરંતુ બધા સમય માટે બધા લોકોને છેતરી શકો નહિ. આ કહેવત ચીનની બાબતમાં હંમેશા સાચી પડતી નથી. કોરોના વાયરસના ઉદગમ અંગે પણ મહાસત્તાઓ હજી ગોથા ખાય છે અને ચીને પોતાની રાજરમત પૂરી કરી દીધી છે.
પોતે ધારેલા બધા જ હેતુ સિદ્ધ કરીને ચીન અદબ પલાંઠી વાળીને બેસી ગયું છે અને આખી દુનિયાને અસ્તિત્વનો સંઘર્ષ કરતા જોઈને ખંધુ હસતુ રહ્યું છે. ન્યાયશાસ્ત્રની પરંપરામાં એ અપરાધ જ સૌથી મોટો ગણાય છે જેનો અપરાધ સાબિત કરવો મુશ્કેલ હોય. ચીની સરકાર જ હવે ક્રિમિનલ સાબિત થઈ રહી છે. અમેરિકાના એ ઉદ્યોગપતિઓ કે જેના ચીનમાં અબજો ડોલરના રોકાણો છે તે તમામ બાઈડનના દુશ્મન અને ચીની લૉબીના મિત્રો છે. એને કારણે અમેરિકી પ્રશાસને ટ્રેડવૉર ઠંડુ પાડયું છે. ચીને રોકાણકારો માટેના વધુ આકર્ષક ઇન્ટેન્સિવ જાહેર કર્યા છે પરંતુ એનો કોઈ વિશેષ પ્રભાવ નથી. દુનિયા હવે ચીન તરફ થોભો અને રાહ જુઓ એવી નીતિથી વ્યવહાર કરે છે. સહુ ચીન સાથે કામ પાડવામાં અચકાય છે. બહારથી ગુલાબી લાગતું ચીની અર્થતંત્ર હવે લંગડાઈ રહ્યું છે. જિનપિંગ ગમે તેટલો ઉત્પાત મચાવે તોય ચીનનું ક્રમિક પતન એક નિયતિ છે.
પૃથ્વી પરનું સૌથી વિશાળ નરક એટલે ચીન. કોરોનાનું ઉદભવસ્થાન ચીન છે એ હવે તો સહુ જાણે છે પરંતુ એ સિવાય ઘણા વૈશ્વિક ઉપદ્રવોના ઉદભવનું સ્થાન પણ એ જ દેશ છે. આજથી સોએક વર્ષ પહેલા સતત દોઢસો-બસો વર્ષ સુધી ગાંજાના નશામાં ચૂર રહેનાર એ દેશ પાપભૂમિ છે. વન ચાઈલ્ડ પોલિસીને કારણે દરરોજ હજારો ભૂ્રણહત્યા કરનારા આ દેશમાં ફિમેઈલ ચાઈલ્ડની ઘટ છે માટે ચારથી પાંચ કરોડ ચાઈનીઝ પુરુષો લગ્ન વિના ફરે છે. ગુનાખોરીનું પ્રમાણ એટલું બધું વધુ છે કે ફાંસી આપવા માટે એમ્બ્યુલન્સની જેમ મોબાઈલ વાન રાખવામાં આવે છે. ચાઈનિઝ પોલીસ કોઈ પણ વોરન્ટ વિના કોઈને પણ પકડી શકે અને એની ઉપર અદાલતી ખટલો ચલાવ્યા વિના બેહૂદુ વર્તન કરી શકે.
ચામાચીડિયા અને ડુક્કરમાંથી આવેલા સ્વાઇન ફલૂ જેવા વાયરસ સહિત ઘણા વિષાણુથી દુનિયાને તારાજ કરનાર આ દેશ પ્રાણીસૃષ્ટિનો ખાત્મો કરવાનું નક્કી કરીને બેઠો હોય એ રીતે વર્તે છે. દરેક મોટા શહેર કે નાના ચીની ગામડામાં એનિમલ માર્કેટ હોય છે. આ પ્રકારની દરેક માર્કેટમાં વીસેક જાતના પ્રાણી-પંખીઓ કે સરિસૃપો જીવતા કે મરેલા વેચાતા હોય છે. દુનિયામાં જેટલા ડુક્કરો છે એનાથી અરધા ડુક્કરો દર વરસે ચીનાઓના પેટમાં જાય છે. માંસના અતિશય વપરાશને કારણે પૃથ્વી ઉપર પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગ વધે છે.