ખરેખર જોવામાં આવે તો પંજાબની તાજેતરની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓના ચૂંટણી પરિણામોના આધારે આવતા વર્ષની શરૂઆતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી અંગે કોઈ નિશ્ચિત અથવા અંતિમ નિષ્કર્ષ મેળવી શકાય તેમ નથી. આમ આદમી પાર્ટીએ રાજ્યભરમાં સ્થાનિક ચૂંટણીઓમાં નંબર વન પરફોર્મન્સ કર્યું છે તે એક તો વર્તમાન આપ સરકારની સ્થિર લોકપ્રિયતા બતાવે છે અને બીજો સંકેત એ છે કે પંજાબી પ્રજા હજુ પણ એમ માને છે કે કહેવાતા રાષ્ટ્રીય પક્ષોની તુલનામાં અરવિંદ કેજરીવાલનો આ પક્ષ અને એના સિદ્ધાન્તો પ્રજાનો ઉદ્ધાર કરશે. જોકે, આ પરિણામો કેટલાક મહત્વપૂર્ણ રાજકીય દિશાનિર્દેશ જરૂર આપે છે. લોકશાહીના આ નાના એકમ એટલે કે વિવિધ પાલિકા-પંચાયતી ચૂંટણીઓમાં રાજ્યસ્તરનું વ્યાપક રાજકીય ચિત્ર સંપૂર્ણપણે સામે આવતું નથી, પરંતુ લોકમત સ્થાનિક મુદ્દાઓ અંગે નિર્ણાયક ભૂમિકા ભજવે છે. આ ચૂંટણીઓ નગર પાલિકાઓ અને મહા નગર પાલિકાઓ માટે હતી.
શું પંજાબમાં તાજેતરમાં યોજાયેલી શહેરી નગર નિગમોની આ ચૂંટણીના પરિણામો આવતા વર્ષે ફેબુ્રઆરીમાં યોજાનારી આગામી રાજ્ય વિધાનસભાની ચૂંટણી માટે સેમી-ફાઇનલ હતી? પરિણામો મે માસના અંતે જાહેર કરવામાં આવ્યા. પત્રકારો સાથે વાત કરતા, મુખ્યમંત્રી ભગવંત માને આ પરિણામને નફરત અને સાંપ્રદાયિકતા સામેના જનાદેશ અને તેમની AAPની વિકાસ અને ધર્મનિરપેક્ષતાની રાજનીતિનું સમર્થન ગણાવ્યું. કુલ ૧,૯૭૭ વોર્ડમાંથી આપને ૯૫૮ વોર્ડ મળ્યા, જ્યારે કોંગ્રેસને ૩૯૭ વોર્ડ મળ્યા. અપક્ષ ઉમેદવારોએ ૨૫૧ વોર્ડ, શિરોમણી અકાલી દળ (એસએડી) ૧૯૨, ભાજપ ૧૭૨ અને બસપા સાત વોર્ડ જીત્યા. કુલ વોર્ડમાંથી આપ ૪૮ ટકા વોર્ડ જીત્યા, ત્યારે કોંગ્રેસ લગભગ ૨૦ ટકા વોટશેર સાથે બીજા ક્રમે રહી, ત્યારબાદ અપક્ષ ઉમેદવારો ૧૩ ટકા, શિરોમણી અકાલી દળ ૧૦ ટકા અને ભાજપ ૯ ટકા વોટશેર સાથે પાછળના ક્રમે રહ્યા છે.
દિલ્હી હાર્યા પછી, AAP ના રાષ્ટ્રીય નેતાઓ ભ્રષ્ટાચારના આરોપો સામે લડતા એક સંકટમાંથી બીજા સંકટમાં ફસાઈ ગયા છે. ત્યારે આ પરિણામોએ ઉષ્ણ ગ્રીષ્મમાં શીતળ ચંદનનો લેપ કરતું આશ્વાસન આપ્યંા છે. અગાઉના ચૂંટણી પ્રવાહોને ધ્યાનમાં લઈએ તો કહી શકાય કે આવી ચૂંટણીઓમાં સત્તાધારી પક્ષને સામાન્ય રીતે લાભ મળતો હોય છે. તેનું એક કારણ એ પણ છે કે પ્રભાવશાળી અને સમૃદ્ધ વર્ગના લોકો સત્તારૂઢ પક્ષની નજીક રહેવાનું પસંદ કરે છે. મતદારો પણ ઘણીવાર એવું માને છે કે વિકાસ માટેની નાણાંકીય સહાય અને વહીવટી સુવિધાઓ તે વિસ્તારોમાં વધુ સરળતાથી પહોંચે છે જ્યાં સત્તાધારી પક્ષના ઉમેદવારો જીતે છે. આ હકીકતને ફરી એકવાર સમર્થન મળ્યું છે, કારણ કે આ સ્થાનિક ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ નોંધપાત્ર જીત મેળવી છે. કોંગ્રેસ બીજા ક્રમે રહી, જ્યારે ભાજપ અને અકાલી દળ તો અપક્ષ ઉમેદવારો કરતાં પણ પાછળ રહી ગયા.
જોકે, આ આંકડાઓનું વિશ્લેષણ ખૂબ જ સાવધાની પૂર્વક કરવું જરૂરી છે. સ્થાનિક ચૂંટણી દરમિયાન કુલ મતદાન ટકાવારી ૬૪ ટકા રહી હતી, જ્યારે નગર નિગમોમાં આ ભાગીદારી માત્ર ૬૦ ટકા રહી, જે મોટા શહેરોમાં મતદારોની ઉદાસીનતા અને ઓછી સક્રિયતાનું પ્રતિબિંબ દર્શાવે છે. ખરેખર, સ્થાનિક ચૂંટણીમાં મતદારોની ભાગીદારી સામાન્ય રીતે અસમાન અને પ્રમાણમાં ઓછી રહેતી આવી છે. વિધાનસભા ચૂંટણીમાં વધુ મતદાન થાય છે અને રાજકીય મુદ્દાઓ પણ વધુ વ્યાપક હોય છે. તેમ છતાં, આ ચૂંટણીના પરિણામો વિરોધ પક્ષો માટે ચિંતાજનક વાસ્તવિકતા રજૂ કરે છે. પંજાબમાં વધતા નશીલા પદાર્થોના વેપાર, ગુનાખોરી, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ સરકારની શાસન નીતિઓ અંગે વિરોધ પક્ષોએ તીવ્ર ટીકા કરી હોવા છતાં તેઓ જનતાના અસંતોષને મતમાં પરિવર્તિત કરવામાં નિષ્ફળ રહ્યા છે.
કોંગ્રેસ હજુ પણ આંતરિક જૂથબાજી અને નેતૃત્વની અનિશ્ચિતતા જેવી સમસ્યાઓનો સામનો કરી રહી છે. બીજી તરફ, શિરોમણી અકાલી દળ પક્ષ હજુ પણ આંતરિક વિવાદ અને ખેડૂત આંદોલનના રાજકીય પરિણામોમાંથી બહાર આવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. જોકે ભાજપ હજુ પણ રાજ્યના ચૂંટણી પરિદ્રશ્યમાં એક મર્યાદિત અને ગૌણ ખેલાડી તરીકે જ દેખાય છે, તેમ છતાં એવું લાગે છે કે તેણે ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી માટે અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે. જાટ શીખ નેતા કેવલ સિંહ ઢિલ્લોંની પંજાબ ભાજપના અધ્યક્ષ તરીકે થયેલી નિમણુક મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. ભાજપે તેના પરંપરાગત શહેરી-હિંદુ મતદાતા આધારથી આગળ વધવાનો પ્રયાસ શરૂ કર્યો હોવાનો અણસાર આપ્યો છે.


