Get The App

હેકર્સ : યુદ્ધોમાં હથિયાર .

Updated: Jul 8th, 2025

GS TEAM

Google News
Google News
હેકર્સ : યુદ્ધોમાં હથિયાર                                         . 1 - image


ઈરાન સમર્થિત હેકર્સે ટ્રમ્પને ધમકી આપી કે પ્રમુખના સહયોગીઓના ઈ-મેલ દુનિયા સામે મૂકી દઈશું. અમેરિકાએ ઈરાનના હેકર્સને જવાબ પણ આપ્યો છે કે આ માત્ર ટ્રમ્પને બદનામ કરવાનું ષડયંત્ર છે. હેકર્સ પાસે એવું કશું નથી. ઈરાનની પરમાણુ સાઈટ પર અમેરિકાએ હુમલો કર્યો એ સાથે જ ઈરાનના હેકર્સે પણ અમેરિકન કંપનીઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. હવે યુદ્ધો માત્ર યુદ્ધભૂમિમાં જ નથી લડાતાં, ઓનલાઈન પણ સમાંતરે જુદી બેટલ ચાલતી રહે છે. ચીન, રશિયા, ઉત્તર કોરિયા દુશ્મનો સામે હેકર્સનો સૌથી વધુ ઉપયોગ કરે છે. ૨૧મી સદીમાં સરહદો પર લશ્કર હોય એ પૂરતું નથી, એક હેકર્સ આર્મી પણ હોવી જોઈએ. મોટાભાગના દેશો પોતાની સાઈબર સુરક્ષા માટે અલાયદી ટીમ રાખે છે. એ ટીમ દુશ્મન દેશોના હેકર્સથી પોતાની સિસ્ટમને બચાવે છે ને જરૂર પડયે દુશ્મન દેશોની સિસ્ટમ હેક પણ કરી શકે છે.

આવી હેકર્સ આર્મીનો કોઈ સત્તાવાર રેકોર્ડ રાખવામાં આવતો નથી, પણ જાસૂસી એજન્સીઝના એથિકલ હેકર્સ અલગ અલગ દેશોની હેકર્સ આર્મી વિશે વિગતો મેળવે છે. તેના આધારે અટકળો બાંધવામાં આવે છે કે ક્યા દેશ પાસે હેકર્સ આર્મીનું કેટલું સંખ્યાબળ છે. ઉત્તર કોરિયાની સાયબર એટેક એજન્સીનું સંખ્યાબળ ૧૦ હજાર હેકર્સનું છે. સાયબર યુદ્ધમાં આ હેકર્સ અમેરિકા જેવા અમેરિકાને હંફાવી શકે છે.

હેકર્સ આર્મીની શરૂઆત રશિયાએ કરી હતી. ૧૯૯૦ના દશકા બાદ રશિયાનું વિઘટન થયું તેના પરિણામે ઈલેક્ટ્રોનિક્સ એન્જિનીયર્સ બેકાર બન્યા. આ એક્સપર્ટ્સના ગુ્રપ બન્યાં અને સાયબર સુરક્ષાની જાગૃતિના અભાવના એ દિવસોમાં અમેરિકન બેંક, સરકારી એજન્સીઝ, સરકારી વેબસાઈટ્સને નિશાન બનાવીને રશિયન હેકર્સે હાહાકાર મચાવવાનું શરૂ કર્યું. એ રીતે હેકિંગ આર્મીનો પાયો રશિયાએ નાખ્યો. અમેરિકન ગુપ્તચર એજન્સીના દાવા પ્રમાણે રશિયાની હેકર્સ આર્મીમાં ત્રણ લાખ હેકર્સ કાર્યરત છે. રશિયાના પગલે ચાલીને ચીને પણ હેકર્સ આર્મીનું નિર્માણ કર્યું. ચીને તો એનાથીય આગળ વિચાર્યું. માત્ર સંરક્ષણ ક્ષેત્રના જ હેકર્સ ન બનાવ્યા, પણ બિઝનેસમાં મદદરૂપ બને એવાં આર્થિક હેકર્સની ટીમ પણ ચીને બનાવી. કેમ્બ્રિજ યુનિવર્સિટીએ હેકિંગ આર્મીમાં આગળ પડતા દેશોનો અહેવાલ તૈયાર કર્યો હતો એ પ્રમાણે આજે વિશ્વમાં થતાં કુલ સાયબર એટેકમાંથી ૪૧ ટકા હુમલા ચીની હેકર્સ કરે છે. ચીની હેકર્સ આર્મીનું સંખ્યાબળ પાંચક લાખનું હોવાનો અંદાજ છે.

હેકર્સ આર્મીની બાબતે અમેરિકા ચીન પછીના ક્રમે છે. ઈરાન, સીરિયા, ઉત્તર કોરિયા, ચીન, રશિયા જેવા કેટલાય દેશોની માહિતી અમેરિકન હેકર્સ આર્મી મેળવે છે. સંરક્ષણ ક્ષેત્રે ક્યાં શું સ્થિતિ છે, કોણ કોની પાસેથી ક્યા હથિયારોની ખરીદી કરવાનું વિચારે છે, ક્યા દેશો વચ્ચે આંતરિક સમસ્યા વધવાના સંકેતો છે... એ બધી બાબતો અમેરિકાને હેકર્સ આર્મીની મદદ વગર મળતી હશે એવું માનવાને કોઈ કારણ નથી! અમેરિકાની હેકર્સ આર્મી એટલી ચાલાક ખરી કે તેની હાજરી છતી થાય નહીં એટલે હેકિંગના આંકડામાંય આખરે બદનામ તો ચીન-રશિયા-ઈરાન જ થાય! તુર્કીની હેકર્સ આર્મી હેકિંગનો પાંચ ટકા જેટલો હિસ્સો ભોગવે છે તો વિશ્વના ૪.૫ ટકા હેકિંગ પાછળ રશિયન હેકર્સ આર્મીનો હાથ હોય છે. તાઈવાન, બ્રાઝિલ, રોમાનિયાની હેકર્સ આર્મી ટોટલ હેકિંગનો ત્રણ ટકા હિસ્સો ભોગવે છે!

'વોલ સ્ટ્રીટ જર્નલ' અખબારના અહેવાલમાં દાવો થયો હતો કે છેલ્લાં બે વર્ષમાં ઈરાની હેકર્સ આર્મીએ અમેરિકાની નાની-મોટી ૨૦૦ કંપનીઓને નિશાન બનાવી હતી. ખાસ કરીને અમેરિકાની પેટ્રોલિયમ કંપનીઓને આર્થિક નુકસાન પહોંચવા ઈરાની હેકર્સ આર્મીએ એડીચોટીનું બળ લગાવ્યું હતું. માઈક્રોસોફ્ટના એક ખાનગી અહેવાલમાં દાવો થયો હતો કે ઈરાની હેકર્સે દોઢ-બે વર્ષમાં અમેરિકન સરકાર સાથે જોડાયેલા ૨૨૦૦ કરતા વધુ લોકોના કમ્પ્યુટર્સ-મોબાઈલ હેક કર્યા હતા.

ટ્રમ્પના શાસનકાળ દરમિયાન ઈરાન ઉપરાંત રશિયા-ચીન સાથે પણ અમેરિકાના સંબંધ બગડયા છે. અમેરિકાના ગુપ્તચર વિભાગે થોડા સમય પહેલાં અમેરિકી કોંગ્રેસ સમક્ષ સાયબર સુરક્ષાનો અહેવાલ આપ્યો હતો. એમાં કહેવાયું હતું કે સાયબર જાસૂસીની બાબતે ઈરાન, રશિયા અને ચીન અમેરિકા માટે સૌથી મોટો ખતરો છે. મેરિકા-ભારતનાં વ્યાપારી હિતો અને સંરક્ષણ ક્ષેત્રની સંવેદનશીલ માહિતી ઉપર રશિયા-ચીનના હેકર્સનો ડોળો મંડાયો છે. ચીન તો હેકિંગ માટે આમેય કુખ્યાત છે. ભારતીયોના ડેટા મોબાઈલ કંપનીની મદદથી આડકતરી રીતે ચીન મેળવે છે એવી ચેતવણી અમેરિકન એજન્સીએ જ આપી હતી. સાયબર સુરક્ષાની બાબતે અમેરિકા સૌથી સતર્ક દેશ મનાય છે. છતાં જો અમેરિકા ઉપર ખતરો મંડરાતો હોય તો બીજા દેશોની શું સ્થિતિ હશે એ વિચારવા જેવું ખરું! અમેરિકા ઉપર ખતરો જ મંડરાય છે એવુંય નથી. અમેરિકાની હેકર્સ આર્મી સ્વયં અસંખ્ય દેશો ઉપર ખતરો છે! 

Tags :