ફિલ્મોમાં પંજાબના લહેરાતાં ખેતરો અને સુખી પરિવારોનાં દ્રશ્યો લગભગ દરેક ભારતીયના ચિત્તમાં સર્વકાલીન આલેખાયેલા છે. પરંતુ આજનું પંજાબ ફરી એકવાર અપરાધીઓના હાથમાં આવી ગયું દેખાય છે. અહીં ખુલ્લેઆમ થતી નિશાન બનાવી કરાતી હત્યાઓની શ્રેણી થંભવાનું નામ નથી લઈ રહી - આ ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે. નિર્ભય હત્યારાઓ પોતાના ઇરાદાઓને અંજામ આપી સહેજમાં ફરાર થઈ જાય છે. આ એક વિસંગતિ છે કે પંજાબમાં નવા વર્ષની શરૂઆત જ ભરબપોરે થયેલી હત્યાઓના સિલસિલા સાથે થઈ છે. લુધિયાણા જિલ્લામાં એક પૂર્વ કબડ્ડી ખેલાડીની હત્યા હોય કે અમૃતસરના મેરેજ રિસોર્ટમાં ધારાસભ્યના નજીકના સરપંચને ગોળી મારી મોતને ઘાટ ઉતારવાની ઘટના હોય, આ બધું એ દર્શાવે છે કે પંજાબમાં ગુનેગારોમાં કાયદાનો ભય રહ્યો નથી. આ ઘટનાઓ પંજાબમાં ગંભીર પડકારરૂપ બની રહેલી એક જટિલ સમસ્યા તરફ ઈશારો કરે છે.
આ સ્થિતિ પાછળ અનેક ગુનેગાર ગેંગના નેટવર્કની મજબૂતી, ઘાતક હથિયારોની સહેલાઈથી ઉપલબ્ધિ અને પોલીસ દળ પર વધતું દબાણ જવાબદાર છે. બીજી તરફ, વિરોધ પક્ષો આરોપ-પ્રત્યારોપોમાં જ વ્યસ્ત રહે છે અને રાજકીય હિતો માટે મુખ્યમંત્રી ભગવંત માનના રાજીનામાની માંગ કરે છે. સરકાર તરફથી આ સંકટને પૂર્વવર્તીઓ પાસેથી મળેલી વારસાગત સમસ્યા તરીકે દર્શાવવામાં આવે છે. પરંતુ હકીકત એ છે કે આવાં નિવેદનો દ્વારા નાગરિકોની અસુરક્ષા ઓછી થતી નથી. એ સાથે પંજાબના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પોતાની કલ્પના પ્રમાણેના તરંગો રજૂ કરે છે કે રાજ્યમાં ગુનાખોરીનો દર રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઘણો ઓછો છે. બીજી તરફ, રાજ્યના પોલીસ મહાનિર્દેશકનું કહેવું છે કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ ડ્રોન મારફતે હથિયારો, વિસ્ફોટકો અને નશીલા પદાર્થો મોકલીને આ સીમાવર્તી રાજ્ય સામે પરોક્ષ યુદ્ધ ચલાવી રહી છે.
પંજાબના ડીજીપીનું પાકિસ્તાન તરફથી ગુનેગારોને પ્રોત્સાહન મળતું હોવાનું નિવેદન ચિંતા વધારનારું છે - ખાસ કરીને એ રાજ્ય માટે, જેણે એક દાયકા સુધી ઉગ્રવાદનો સામનો કર્યો છે. તેમ છતાં, પંજાબના ગુનાખોરી સંકટ માટે માત્ર બાહ્ય પરિબળોને જ જવાબદાર ઠેરવી શકાય નહીં. આ સંકટ પોલીસ વિભાગની શિથિલતા, ગુપ્તચર તંત્રની નિષ્ફળતા તેમજ સામાજિક વિકારોથી પણ ઉપજ્યું છે. રાજ્યમાં વ્યાપક બેરોજગારી છે અને ગન કલ્ચરનું મહિમામંડન પણ એક ગંભીર પડકાર છે. યુવાનોમાં રાતોરાત ધનવાન બનવાની લાલચ સ્થાનિક અને પ્રાદેશિક ગેંગના વિકાસનું એક મહત્ત્વનું કારણ બની છે. પોલીસ વિભાગની રચનામાં પણ કેટલીક વિસંગતિઓ જોવા મળે છે. ઉદાહરણ તરીકે, ઉચ્ચ અધિકારીઓની સંખ્યા વધુ છે જ્યારે મેદાની કર્મચારીઓ પર કામનો ભાર જરૂરી કરતાં ઘણો વધારે છે.
ગુજરાતની જેમ જ પોલીસના કાર્યમાં રાજકીય હસ્તક્ષેપના આરોપો વારંવાર લાગતા રહ્યા છે. આ કારણે, કેટલીક સફળતાઓ છતાં પોલીસને જનવિશ્વાસ જીતવા માટે સતત સંઘર્ષ કરવો પડી રહ્યો છે. પરંતુ રાજકીય નિવેદનબાજીથી પર રહીને, રાજ્ય સરકારને પોતાની વ્યૂહરચનામાં ફેરફાર કરીને જમીનસ્તર પર ગંભીર પ્રયાસો કરવા પડશે. હાલની પરિસ્થિતિમાં બહુમુખી વ્યૂહરચના ઘડવાની તાત્કાલિક જરૂર છે. તેમાં પોલીસ સુધારાઓને પ્રાથમિકતા આપવી પડશે, જેથી હાઈટેક ગુનેગારો પર અસરકારક રીતે કાબૂ મેળવી શકાય. સાથે જ ગુનાખોરી નિયંત્રણ માટે કેન્દ્રિય એજન્સીઓ સાથે વધુ સારા સમન્વયની જરૂર છે. ગેરકાયદે હથિયારો પર નિયંત્રણ લાવવા કાયદાનો કડક અમલ કરવો અનિવાર્ય છે. રાજ્યમાં રોજગારના અવસરો વધારવા, કૌશલ વિકાસમાં વ્યાપક રોકાણ કરવા અને ભટકેલા યુવાનોને મુખ્યધારામાં પાછા લાવવાના પ્રયાસો આયોજનબદ્ધ રીતે કરવાના રહેશે.
જે રાજ્યએ એક દાયકા સુધી સ્થાનિક આતંકવાદનો અને એની ભયાનકતાનો સામનો કર્યો છે, ત્યાં ગુનેગારો સામે વિશાળ અભિયાન એ સમયની તાતી માંગ છે. રાજ્યના સત્તાધીશોનું કર્તવ્ય છે કે પંજાબે ભારે મહેનતથી પ્રાપ્ત કરેલી શાંતિને ગેંગસ્ટરો, ડ્રગ માફિયા અને આતંકવાદીઓના વિઘાતક નેટવર્કનો શિકાર બનવા ન દે. આમ આદમી પાર્ટીની સરકાર પણ ભાજપની જેમ પ્રચાર નિષ્ણાત તો છે, પણ એની વાહવાહીનો લાભ લઈને વકરતી જતી હિંસા પંજાબના ચહેરાને ઘસરકો કરે છે. એક તરફ ડ્રગ્સની વ્યાપક માયાજાળ, સરકારી નિર્વ્યસન કેન્દ્રોની નિરર્થકતા, ડ્રગ્સના મૃત્યુ આંકથી વધતી જતી નાની વયની વિધવા સ્ત્રીઓની સંખ્યા અને સરકારની કપોળ કલ્પિત નીતિઓથી પ્રજાની યાતનાનો કોઈ પાર નથી. સિંગલ એન્જિનને કારણે કેન્દ્રની ઉપેક્ષાનો તો વળી એક અલગ જ અધ્યાય છે.


