Get The App

મતદારયાદી વિશુદ્ધિકરણ .

Updated: Dec 7th, 2025

GS TEAM

Google News
Google News
મતદારયાદી વિશુદ્ધિકરણ                        . 1 - image

મતદાર યાદીઓનું પુનરપિ શુદ્ધિકરણ અને પારદર્શક ચૂંટણીઓ માટે ચાલી રહેલી ખાસ ગહન નીરક્ષિર પ્રક્રિયા (SIR) ને ચાલુ રાખવાનો નિર્દેશ આપી દેશની સર્વોચ્ચ અદાલતે ચૂંટણી પંચને રાહત આપી છે. બીજી તરફ સંસદથી લઈને રસ્તા સુધી SIR ના મુદ્દે સરકારને ઘેરવાના પ્રયત્નોમાં લાગેલા વિરોધ પક્ષને આ નિર્ણયથી બેકફૂટ પર આવવું પડશે. હકીકતમાં, વિરોધ પક્ષ બિહારથી શરૂ થયેલી SIR પ્રક્રિયાનો સતત વિરોધ કરતો રહ્યો છે અને મામલો અનેક વખત અદાલત સુધી પહોંચ્યો છે. પરંતુ બિહારમાં ખૂબ ઓછા સમયમાં આ કામ પૂર્ણ થયું અને રાજ્યમાં નવી સરકાર પણ પસંદ થઈ ગઈ છે. એક અઘરો લાગતો લાંબો અધ્યાય આખરે સમયના પર્વતોને ઓળંગીને હવે બિહારમાં તો ઇતિહાસ બની ગયો છે.

આ પ્રક્રિયામાં આવેલી કહેવાતી ગરબડ લઈને સુપ્રીમ કોર્ટના ચિફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતા ધરાવતી બેન્ચે સ્પષ્ટ કર્યું કે રાજ્ય સરકારોના કર્મચારીઓ SIR અને અન્ય કાનૂની ફરજો નિભાવવામાં બાંધછોડ કરી શકતા નથી. સાથે જ અદાલતે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોને આદેશ આપ્યો કે SIR માં લાગેલા બૂથ લેવલ અધિકારીઓ (BLO) પરનું કામનું દબાણ ઓછું કરવા તાત્કાલિક પગલાં લેવા. આ માટે વધારાના કર્મચારીઓની નિમણુક કરવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો. છેલ્લા કેટલાક દિવસોમાં SIR માં લાગેલા અનેક BLO ના તણાવને કારણે મૃત્યુ અને આત્મહત્યાના સમાચાર સામે આવ્યા હતા. વધુ પડતો કાર્યબોજ અત્યંત મર્યાદિત સમયમાં પાર પાડવાનું કામ બધા માટે આસાન નથી હોતું. એ એક અલગ પ્રકારની પ્રતિભાની અપેક્ષા રાખે છે જે બધામાં તો હોય નહિ. વળી આપણે ત્યાં ઉપરી અધિકારીઓ વાતાવરણ ફારગતીની ધમકી ઉચ્ચારતા હોય છે. એમાં અનેક લોકોની જિંદગી તણાઈ ગઈ જેની અદાલતે એના ચૂકાદામાં યથાયોગ્ય નોંધ લીધી.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે આ મતદાર યાદીને પુનઃ ખરાઈ કરવાની પ્રક્રિયાને એક અઠવાડિયા માટે આગળ લંબાવી પણ આપી હતી. બીજી તરફ, અદાલતે સ્પષ્ટ કર્યું કે SIR ને લઈને ચૂંટણી પંચના અધિકારોને પડકારવામાં આવી શકતા નથી. તેમજ ચૂંટણી પંચ એક સાર્વજનિક સંસ્થા છે અને મતદાર યાદીઓમાં પારદર્શિતા લાવવા SIR કરવાની તેની પાસે સર્વતોમુખી અને કાનૂની સત્તાઓ છે. સાથે જ કોર્ટે આ પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની અટકનો ઇનકાર કર્યો. ઉપરાંત, અદાલતે એવું પણ કહ્યું કે ભવિષ્યમાં જો કોઈ ગેરરીતિઓ સામે આવે તો તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે. એટલે કે આધાર પૂરાવા સહિત પંચ સામે ફરિયાદ કરવાના દરવાજા તો હજુય ખુલ્લા જ રાખવામાં આવ્યા છે.

નિષ્કર્ષે, ભૂતકાળમાં પણ સમયાંતરે દેશભરમાં મતદાર યાદીઓનું પુનરીક્ષણ કરવામાં આવતું રહ્યું છે, પરંતુ તે ક્યારેય એટલો મોટો રાજકીય મુદ્દો બન્યું નહોતો જેટલો આ વખતે ઊહાપોહ થયો છે. હકીકતમાં, અદાલતના આ આદેશ બાદ ખાસ ગહન પુનરીક્ષણને મુદ્દો બનાવી વિરોધ કરતી રાજકીય પાર્ટીઓને ચોક્કસપણે ઝટકો લાગ્યો હશે. આ પહેલાં પણ અદાલતે બિહારની SIR પ્રક્રિયાને રોકવાનો ઇનકાર કર્યો હતો અને ગરબડને દૂર કરવા જરૂરી સૂચનો આપ્યા હતા. જ્યાં સુધી બૂથ લેવલ અધિકારીઓ પર કામના બોજનો પ્રશ્ન છે, તે ખરેખર અત્યંત શ્રમસાધ્ય કાર્ય છે. એટલે જ અદાલતે સહાનુભૂતિ દાખવી છે. પણ ગુજરાતમાં ઉચ્ચાધિકારીઓના અભિગમમાં કોઈ ફેર પડયો નથી.

આ કાર્યમાં લાગેલા શિક્ષકો અને અન્ય કર્મચારીઓએ SIR સંબંધિત દસ્તાવેજોની ચકાસણી અને ફરિયાદોના નિવારણમાં ભારે મથામણ કરવી પડે છે. તેથી BLO ના કાર્યબોજ ઘટાડવા પ્રયત્ન કરવો ખૂબ જ જરૂરી છે. કર્મચારીઓની સંખ્યા વધારવાથી BLO નો ભાર ઓછો થઈ શકે અને તેઓને સાપ્તાહિક રજા પણ મળી રહે. નિશ્ચિતપણે, જાહેર જીવનમાં રાષ્ટ્રીય ફરજોનો નિર્વાહ કરવો એ નિયુક્ત કર્મચારીઓ માટે અનિવાર્ય છે. આવી જ જટિલતાનો સામનો કર્મચારીઓને વસ્તી ગણતરી અને આરોગ્ય સંબંધિત વિવિધ મિશનો દરમિયાન પણ કરવો પડે છે.

ઘર-ઘર જવું અને લોકોની કટુ પ્રતિક્રિયાઓનો સામનો પણ કરવો પડે છે. બીજી તરફ SIR નો વિરોધ કરતા રાજકીય પક્ષોની ફરજ છે કે તેઓ પોતાના બૂથ સ્તરના કાર્યકરોને BLO ને મદદ કરવા પ્રોત્સાહિત કરે. માત્ર સત્તારૂઢ પક્ષની નીતિઓના વિરોધ માટે વિરોધ કરવો સ્વસ્થ લોકતંત્રના હિતમાં ગણાવી શકાય નહીં. લોકતંત્રના હિતમાં વિરોધ સાથે રચનાત્મક સહકાર આપવો પણ જરૂરી છે. લોકતંત્રને મજબૂત કરતી SIR પ્રક્રિયાને સફળ બનાવવા જ્યાં સરકારી કર્મચારીઓની મોટી ભૂમિકા છે, ત્યાં રાજકીય પક્ષો અને સામાન્ય નાગરિકોની પણ જવાબદારીઓ છે. નાગરિકોએ રાષ્ટ્રીય કાર્યોમાં પોતાનો નાગરિક ધર્મ પણ નિભાવવો જોઈએ.