Get The App

સમુદ્ર વિમુખ પ્રજા .

Updated: Apr 8th, 2025

GS TEAM

Google News
Google News
સમુદ્ર વિમુખ પ્રજા                                             . 1 - image

ગુજરાતનો દરિયા કિનારો બહુ વિશાળ છે. છતાં આપણી યુનિવર્સિટીઓમાં ક્યાંય સાગર ભવન નથી કે જ્યાં માત્ર સમુદ્રી અભ્યાસક્રમ ચાલતા હોય. અરે, આપણા રાજ્યમાં મરીન એન્જિનીયરિંગનો પણ કોઈ ધડો નથી. સરકારે પણ ગુજરાતના દરિયા કિનારાનો પૂરતો વિકાસ કર્યો નથી ને પ્રજાને રસ પણ ઓછો છે. પરંતુ એક હકીકત તમામ ગુજરાતીઓએ યાદ રાખવા જેવી છે કે ગુજરાતમાં જે રૂપિયો છે એ દરિયામાંથી આવેલો છે. એક હજાર વરસના પેઢી દર પેઢીના વહાણવટા પછી ગુજરાત સમૃદ્ધ થયેલું છે. એ જ સમુદ્ર માર્ગે અભિનવ લક્ષ્મી ન આવે તો જે છે એ રૂપિયાનું પોત પાતળું પડી જાય. ખેડૂ અને દરિયાખેડૂ કોઈ પણ યુગમાં ગુજરાતના સુખદુઃખના નિર્ણાયક રહ્યા છે અને રહેશે. છતાં કાળની કેડીએ આજે મહત્ ગુજરાતી પ્રજા સમુદ્ર વિમુખ થઈ ગઈ છે.

પોરબંદર, દીવ, તીથલ, માધવપુર જેવા દરિયાકાંઠે આખા પરિવારો સાથે જાય છે અને સમૂહમાં બેસે છે. આપણે ત્યાં મહુવાને પાદર ભવાની પણ લોકો જાય છે. આવનારા દિવસોમાં ચાંચ બંદર અને વિક્ટર પણ લોકો જતાં-આવતાં થશે. સમૂહમાં બેઠેલા દરેક માણસને દરિયો જિંદગીમાં સહેજ ભટકી ગયેલા વટેમાર્ગુની અનુભૂતિ આપે છે. કાંઠે બેઠેલા ટોળાને પણ દરિયો થોડું થોડું એકાંત પીરસી દે છે. દરિયો દૂર રહીને પણ માણસને તેના ત્રણેય કાળ વિશે વિચારવા મજબૂર કરી દે છે. ભૂતકાળની ખાટીમીઠી યાદો વાગોળવાનું ઉત્તમ સ્થળ દરિયાસમીપે જ હોઈ શકે. પોતાની ભૂલો, વસવસો, અફસોસ બધું દરિયા સાથે મૂક અને અવ્યક્ત વાણી દ્વારા કહી શકાય છે. પાછળની રંગીન યાદોને દરિયાનો સંગાથ ચમકીલી બનાવી દે છે. 

દરિયો વર્તમાનને વધુ ધારદાર રીતે આપણી સામે પેશ કરે છે. દરિયો માણસને તેનું સ્થાન વ્યવસ્થિતપણે નામનિર્દેશન કરીને બતાવે છે. દરિયા પાસે આવેલા માણસને ભાન થાય છે કે સ્વયં ભગવાન રામે પણ દરિયા પાસે થોભવુ પડયું હતું. અર્જુનના મહારથી તરીકેના અભિમાન કે અહંકારને ઓગળવાની તાકાત દરિયાની ખારી હવામાં છે. કેટકેટલી ખારવણોના આંસુથી એ દરિયો દાઝીને બેઠો છે. દરિયાની સહનશક્તિ અસીમ છે. દરિયો એના કાંઠે બેઠેલા માણસને પણ સહન કરતા શીખવે છે. ઓટ પછી ભરતીની રાહ જોતા શીખવે છે. એ શીખડાવતા શીખડાવતા જ ક્યારે આપણને દરિયો ભવિષ્ય તરફ દોરી જાય એ ખબર ન પડે. દૂર દેખાતા જહાજો જેટલું ઝાંખું ભવિષ્ય દેખાતું હોય પણ ત્યારે જ ચોતરફ ૩૬૦ ડિગ્રીમાં ફરતા દીવા જેવી દીવાદાંડી દેખાય. આગળના દિવસોનું કેમ પ્લાનિંગ કરવું એના વિકલ્પો દરિયો આપે છે.

દરિયા પાસે આવતા જ એકાંત મળે અને એકાંત એ નીરવ શાંતિ અર્પણ કરનારી બારી છે. માનવમન શાંત થાય ત્યારે હતાશા કે ઉત્તેજના બંને શમી જાય છે. ધ્યાન કરવા માટે પદ્માસનની મુદ્રાની જરૂર દરિયાકાંઠે નથી હોતી. દરિયો ખુદ મેડિટેશનનો આરાધ્યદેવ છે. આ જ આરાધ્યદેવે કેટકેટલા વિજ્ઞાાનીઓ, સંગીતકારો, ચિત્રકારો, કવિઓ, ઋષિમુનિઓ, પ્રવાસીઓને મહાન પ્રેરણાઓ આપી હશે. ભરચક દરિયો એકાંતનું અક્ષયપાત્ર છે. તમે આ દુનિયામાં સહુને મળી શકો છો, પરંતુ પોતાની જાતને મળવાનું કામ અઘરું છે. દરિયો તમને એ તક આપે છે. મહુવાથી કળસાર દરિયાના કાંઠે કાંઠે જાઓ તો ત્યાં કેટલીક ભેખડ છે. ભવાની પાસે પણ એવી ઊંચી ભેખડ પહેલા હતી. હવે ત્યાં પણ્યો પહોંચી ગયો છે. પણ્યો એટલે દરિયાની સાવ ઝીણી રેતી. શિશુકાળે પણ્યામાં રમવું એક લ્હાવો છે. 

દરિયાના એકાંતની પરાકાષ્ઠા જાણવી હોય તો કોઈ મરજીવાને પૂછવું. સાગરખેડૂની ચારે દિશાઓમાં દરિયો હોય જ્યારે મરજીવાની દસે દિશા દરિયાના પાણીથી ઘેરાયેલી હોય. એકાંતનું દબાણ દરિયાના પાણી નીચે વધુ સારી રીતે માણી શકાય. પીગળી રહેલા નીલમ જેવો માહોલ દરિયો રચી આપે એવી કલ્પના જાવેદ અખ્તરે કરી છે. આવા એકાંતના મહાસાગરમાં ડૂબીને બહાર નીકળી શકનારાના નસીબમાં જ મોતી લખ્યું હોય છે. દરિયો સૌ કોઈને મોતી આપતો નથી. છીપલા કાંઠે રહેલા બધાને મળે. મોતી જોઈતું હોય તો દરિયામાં તત્પુરતા સમાઈ જવાની તૈયારી રાખવી પડે. છીપની દાબડીમાં સમાયેલા મોતી જેવો આપણો જીવ હોય છે. દરિયો બહુ બધું શીખવી દે છે. તેના એકાંતમાં પોતાને જ પોતાનો ગુરુ બનાવવાની તાકાત રહેલી છે. માણસ એકાંત શોધવા દરિયા પાસે જતો હોય છે. કોઈ પૂછે કે એકાંતને અવાજ હોય? તો દરિયાના ઉછળતા મોજાનો સાઉન્ડ તે સવાલનો જવાબ છે. દરિયાના મોજા એકાંતરસને સઘન કરે છે.