Get The App

બેન્કોના દર્દની દવા .

Updated: Oct 7th, 2025

GS TEAM

Google News
Google News
બેન્કોના દર્દની દવા                                  . 1 - image

મોદી સરકારનું હજુ જોઈએ તેવું ધ્યાન બેન્કોને લૂંટી લેતા ચાલબાજો તરફ નથી. ગત દાયકાના અનુભવોને ધ્યાનમાં રાખીને મોદી સરકાર તેની આ ત્રીજી ઈનિંગ્સમાં બેન્ક પરના કોર્પોરેટ ધાડપાડુઓને સીધા કરશે એમ લોકોને આશા હતી. બીજી બાજુ જોકે બેન્કોની દાનત પણ દેવાદારો પર ગુનો દાખલ કરવાની નથી એનું કારણ એ છે કે કેટલાક મેનેજરો પાછલે બારણેથી તગડી કમાણી કરતા થઈ ગયા છે. બૅન્કોના પાછા ન ફરતા ધિરાણની સમસ્યાના ઉકેલ માટે રિઝર્વ બૅન્ક ઓફ ઈન્ડિયાના પરિપત્રની સામે બૅન્કોની મુખ્ય ફરિયાદ એ હતી કે વ્યાજ કે મુદ્દલની ચુકવણીમાં કંપની એક દિવસનો પણ ડિફોલ્ટ કરે તો એને નોન-પરફોર્મિંગ એસેટ (એનપીએ) જાહેર કરવાની જોગવાઈ વધુ પડતી સખત અને અવ્યવહારુ છે. સર્વોચ્ચ અદાલતે અગાઉ આ પરિપત્રને ગેરકાયદે ઠરાવ્યો એ પછી રિઝર્વ બૅન્કે જે નવો પરિપત્ર બહાર પાડયો તેમાં બૅન્કોની આ ફરિયાદની નોંધ લઈ એક દિવસને બદલે તેમને એક મહિનાનો સમય આપવામાં આવ્યો છે. છતાં બૅન્કો આવા મામલામાં ઝડપથી આગળ વધે એવી શક્યતા નથી.

બૅન્કો જો સમસ્યાના ઉકેલમાં ગલ્લાંતલ્લાં કરે કે ડૂબમાં જતી લોનને એનપીએ તરીકે જાહેર ન કરવા માટે કંપનીઓને વધારાની નવી લોન આપે તો રિઝર્વ બન્કે લાઠી પણ ઉગામી છે. આવા કિસ્સાઓમાં બૅન્કોએ વધુ જોગવાઈ કરવી પડશે. એટલું જ નહિ, તેમને દંડની જોગવાઈ પણ નવા પરિપત્રમાં છે. બૅન્કોનાં નાણાં પરત મેળવવાના આ પ્રયત્નોમાં બૅન્કોએ જે યોજના બનાવવાની છે-રિઝોલ્યુશન પ્લાન-તે જો ડિફોલ્ટના ૧૮૦ દિવસમાં અમલમાં ન આવે તો બૅન્કોએ જોગવાઈમાં ૨૦ ટકાનો વધારો કરવો પડશે અને જો ૩૬૫ દિવસ પછી પણ એવી જ પરિસ્થિતિ રહે તો વધારાના ૧૫ ટકાની જોગવાઈ કરવી પડશે.

બૅન્કો પાસે મૂડીની અછત છે અને જાહેર ક્ષેત્રની બૅન્કોને સરકારે નવી મૂડી ગયા નાણાકીય વર્ષના અંત ભાગમાં આપી એ પછી પણ પરિસ્થિતિ બહુ સુધરી નથી. આમ રિઝર્વ બૅન્કે બૅન્કોને શંકાસ્પદ લોન વસૂલી માટેની શરતો હળવી કરી આપી બૅન્કોની દુખતી નસ પકડી લીધી છે અને તેના ઉપયોગથી બૅન્કોને સમસ્યાના ઉકેલ માટે સક્રિય થવાની ફરજ પાડી છે. બૅન્કોના માથે આ લટકતી તલવાર રાખીને રિઝર્વ બૅન્કે તેમને ઝડપ દેખાડવાની ચીમકી આપી છે કેમ કે આ પ્રકારની જોગવાઈ કરવાનો વારો આવે તો નવી મૂડી પણ ધોવાઈ જવામાં ખતરો બૅન્કોની સામે છે. નવા પરિપત્રની જોગવાઈઓ જોઈએ તો જણાય છે કે નોન-બૅન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ, સ્મોલ ફાઇનાન્સ બૅન્કો, નાબાર્ડ, એક્ઝિમ બૅન્ક વગેરેને પણ હવે પ્રક્રિયામાં સામેલ કરવામાં આવી છે.

એનપીએ ફક્ત બૅન્કોની સમસ્યા નથી. હવે બૅન્કોએ ડિફોલ્ટના એક મહિનાની અંદર ઇન્ટર-ક્રેડિટર એગ્રીમેન્ટ (આઈસીએ) તૈયાર કરવું પડશે. કંપનીને લોન આપનારાઓના જૂથમાં જે બૅન્કોની બાકી રહેતી રકમ કુલ રકમના ૭૫ ટકા જેટલી હોય તે અથવા ૬૦ ટકાની સંખ્યામાં ધિરાણકર્તાઓએ આઈસીએ સ્વીકારવું જોઈશે. તો જ આ કરાર કાનૂની ગણાશે. નવી પ્રક્રિયા હવે ૭ જૂનથી શરૂ થયેલી માનવામાં આવશે. આ જોગવાઈને કારણે હવે બૅન્કોએ અત્યંત સક્રિય બનીને કામ કરવું પડશે. સમયનું આ માળખું કદાચ વધુ પડતું સખત લાગે, કારણ કે આપણા બન્કરો આટલી ત્વરાએ કામ કરવા ટેવાયેલા નથી, પણ સંજોગોનો આ તકાદો છે અને માંદગી જેટલી ગંભીર, એટલી જ જલદ દવા પણ હોવી જોઈએ. 

અત્યારે રૃા. ૨૦૦૦ કરોડ કે તેથી વધુનો  ડિફોલ્ટ કરનારી કંપનીઓને આ નિયમો લાગુ પડશે, પણ રિઝર્વ બૅન્કે કહ્યું છે કે પછીથી તો રૃા. ૧૫૦૦ કરોડથી રૃા. ૨૦૦૦ કરોડના ડિફોલ્ટવાળી કંપનીઓને પણ એ લાગુ પાડવામાં આવશે. આમ તો આ વાત તર્કબદ્ધ લાગે છે પણ કેટલાક બૅન્કરોએ કહ્યું છે કે જે કંપનીઓ અત્યારે આ બીજા વર્ગમાં આવે છે તેમના વિષે બૅન્કોએ શું કરવાનું એ સ્પષ્ટ નથી. જુના પરિપત્ર પછી બૅન્કિંગ જગતમાં સક્રિયતા અને કોર્પોરેટ ક્ષેત્રમાં ખળભળાટ જોઈ શકાતા હતા. કેટલીક કંપનીઓ નાદારીના દરવાજે આવી ગઈ હોવાના ભણકારા પણ વાગતા હતા. એપ્રિલમાં સર્વોચ્ચ અદાલતે રિઝર્વ બૅન્કના એ જુના પરિપત્રને રદબાતલ કર્યો એ પછી સમસ્યાના ઉકેલના પ્રયત્નો શિથિલ બની ગયાનો ભાસ થતો હતો. લાગે છે કે હવે ફરીથી તેમાં સક્રિયતા આવશે. રિઝર્વ બૅન્કે જુના પરિપત્રના આત્માને અકબંધ રાખ્યો છે અને જ્યાં જરૂર જણાય ત્યાં થોડા ફેરફાર કર્યા છે. ઇન્સોલ્વન્સી એન્ડ બેક્રપ્સી કોડ એ જ સમસ્યાનો આખરી ઉકેલ જ હોય એ પ્રકારનું વાતાવરણ નવા પરિપત્રથી જરૂર ઊભું થશે.