Get The App

ગરીબી હટાવવાના માપદંડો .

Updated: Jul 6th, 2025

GS TEAM

Google News
Google News
ગરીબી હટાવવાના માપદંડો                                . 1 - image

વર્લ્ડ બેન્કના તાજેતરના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં ગરીબી ઘટીને માત્ર ૫.૩% થઈ ગઈ છે. આ આશ્ચર્યજનક અને આનંદ આપનારો આંકડો છે. પરંતુ આ આશાસ્પદ લાગતા આંકડાની બીજી બાજુ તપાસીએ તો તે ચિંતાજનક પ્રશ્નો ઉભા કરે છે. શું આ આંકડો ખરેખર લાખો ભારતીયોના જીવનની હકીકતને દર્શાવે છે? કે પછી આ એક ભ્રામક ગણતરી છે, જે ગરીબીની વાસ્તવિકતાને નીચા ધોરણો અને પસંદગીના પરિમાણો દ્વારા છુપાવે છે? કાગળ ઉપરથી ગરીબી હટાવવી બહુ આસાન છે. ગરીબીની વ્યાખ્યા કરતા આંકડાઓને નીચા લાવી દેવાથી ચપટી વગાડતા દેશમાંથી અચાનક કરોડો ગરીબો ગાયબ થઈ જાય છે.

વર્લ્ડ બેન્કની ગરીબીની રેખા મુજબ સન ૨૦૨૧ના પરચેઝિંગ પાવર પેરિટી (PPP)ના આધારે વ્યક્તિ દીઠ દરરોજ ૩ ડાલરનો આંક નક્કી થયો છે. સન ૨૦૨૧ ના હિસાબે ભારતીય રૂપિયામાં રૂપાંતરિત થતા આ આંકડો લગભગ દરરોજના બસ્સો રૂપિયા માંડ થાય અને એટલે મહિને છ હજાર રૂપિયા થયા. આટલી આવકથી એક પરિવાર ગરીબ નથી ગણાતો. પરંતુ ગુજરાતના શહેરો- અમદાવાદ, સુરત કે રાજકોટ-અથવા નાના નગરોમાં પણ, આટલા રૂપિયામાં ખોરાક, ભાડું, શિક્ષણ અને આરોગ્યની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવી અશક્ય જેવું છે. આ ધોરણ ગરીબીને નહીં, પરંતુ અત્યંત નીચી જીવનશૈલીને દર્શાવે છે, જે સુખનું ખોટું ચિત્ર રજૂ કરે છે.

આંકડાઓની ગૂંચવણ થકી ગરીબીનો અસલી અંદાજ આવી શકતો નથી. ગરીબીના અલગ-અલગ માપદંડો આ ગૂંચવણને વધારે છે. ૨૦૨૨-૨૩ના ઘરગથ્થુ વપરાશ સર્વેક્ષણ (HCES) પર આધારિત વિદ્વાનોનું એક જૂથ ગરીબીને ૨૬.૪ ટકા ગણે છે, જ્યારે અન્ય નિષ્ણાતો ગરીબીને ૯.૯ ટકાથી ૧૨.૨ ટકાની વચ્ચે મૂકે છે, જે ટેન્ડુલકર કે રંગરાજન સમિતિના ધોરણો પર આધારિત છે. તેમનો એક અંદાજ ૧૦.૮ ટકા ગરીબી દર્શાવે છે. આ તો જુદા જુદા આંકડાઓનું જાળું થયું જેનાથી કોઈ પ્રકારની અસલિયત બહાર આવતી નથી. ગરીબી એક જટિલ સમસ્યા છે, જેને સમજવા માટે આપણે સામાજિક-આર્થિક સંવેદનશીલતાની જરૂર પડે છે. ગુજરાતીઓ વેપાર અને સમૃદ્ધિના મૂલ્યોને સમજે છે. આ અસમાનતાને પોતાના ગામડાઓ અને શહેરોમાં જોઈ શકે છે, જ્યાં એક વર્ગ ઝડપથી આગળ વધે છે, અને બીજો વર્ગ પાછળ રહી જાય છે.

આ બધું જોતા એક મહત્ત્વનો પ્રશ્ન ઉભો થાય છે કે ગરીબીનું સાચું માપ શું હોવું જોઈએ? જો સરકાર ૫.૩%ના આંકડાને સ્વીકારી લઈએ તો તેના પરિણામો ગંભીર હોઈ શકે. નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ, જે હાલમાં બે-તૃતીયાંશ વસ્તીને આવરે છે તે ઘટાડી શકાય. કલ્યાણકારી બજેટમાં ફેરબદલ થઈ શકે, એવું ધારીને કે ઓછા લોકોને જરૂર છે. આવું ખોટું નિદાન ઘણા પરિવારોને આવશ્યક સહાયથી વંચિત કરી શકે, ખાસ કરીને જેઓ ગરીબીની રેખાની સહેજ જ ઉપર જીવે છે.

ભારતની ગરીબી સામેની લડાઈ હજુ પૂરી થઈ નથી. ગરીબીને ખરેખર માપવા અને ગરીબી દૂર કરવા માટે સરકારે આંકડાઓની બહાર જઈને લોકોના જીવનની હકીકત ખોરાક, આવાસ, શિક્ષણ અને આરોગ્યનો વિચાર કરવો જોઈએ. ગરીબી એ ફક્ત રૂપિયાના અભાવનો મુદ્દો નથી, પરંતુ જીવનની ગુણવત્તાનો પ્રશ્ન છે. ગરીબી હટાવવા માટે પારદર્શક રીતે સરકારે ખરા અર્થમાં સૌનો સાથ આપવો પડશે.  ખરેખર સમાવેશી સમાજ અને ન્યાયી ભારત બનાવવાની ઈચ્છા હોય તો ગરીબીના માપદંડો આપણી નૈતિકતા સાથે સાથે મેળ ખાતા હોવા જોઈએ. ગરીબી દૂર કરવા માટે ગણિત નહીં પણ સંવેદનશીલ હૃદય અને દ્રઢ નિષ્ઠાની જરૂર છે.

ભારતની ગરીબી ઘટાડવાની ગતિ પણ ચિંતાજનક રીતે ધીમી પડી છે. ૨૦૦૪-૦૫થી ૨૦૧૧-૧૨ દરમિયાન ગરીબી દર વર્ષે ૨.૮ ટકા ઘટી, પરંતુ ૨૦૧૧-૧૨થી ૨૦૨૨-૨૩ દરમિયાન આ ઘટાડો ઘટીને વર્ષે ૨ ટકા થયો. આ આર્થિક વૃદ્ધિના ઘટાડા સાથે સંબંધિત છે, જે ૭ ટકાથી ઘટીને ૫.૭ ટકા વાર્ષિક થઈ. ધીમી વૃદ્ધિ એટલે ઓછી રોજગારી, આવકની ગતિશીલતામાં ઘટાડો, અને જાહેર ખર્ચમાં પણ કાપ - આ બધું ગરીબી નિવારણને સીધું અસર કરે છે. ગુજરાત, જે ભારતનું આર્થિક એન્જિન ગણાય છે, તેના ગ્રામીણ વિસ્તારોમાં પણ આ અસર જોવા મળે છે, જ્યાં ખેતમજૂરોની આવક અને નાના ઉદ્યોગોની વૃદ્ધિ મંદ પડી છે.

સરકારે સન ૨૦૨૨-૨૩ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું વચન આપ્યું હતું, પરંતુ અધ્યયનો દર્શાવે છે કે ખેડૂત પરિવારોની સરેરાશ આવક લક્ષ્યથી ૨૫ ટકા ઓછી રહી, વર્ષે માત્ર ૧.૩ લાખ રૂપિયા સુધી પહોંચી, જ્યારે લક્ષ્ય ૧.૭૨ લાખ રૂપિયા હતું. ગ્રામીણ વેતન વૃદ્ધિ પણ ઘટી, ૨૦૦૪-૦૫થી ૨૦૧૧-૧૨ દરમિયાન ૩.૧%ના દરથી ઘટીને પાછલા દાયકામાં ૨.૮% થઈ. આ આંકડાઓ મહત્ત્વના છે, કારણ કે ગ્રામીણ અને અસંગઠિત ક્ષેત્રોની આવક ગરીબી ઘટાડવાનું મુખ્ય ચાલક છે. ગુજરાતના ખેડૂતો, જેઓ ખેતી અને ડેરી પર નિર્ભર છે, આ ધીમી વૃદ્ધિની અસરને સમજે છે, જ્યાં બજારના ભાવ અને ખર્ચનું સંતુલન જાળવવું મુશ્કેલ બન્યું છે.