Get The App

વરસાદ ક્યારે અટકશે? .

Updated: Aug 7th, 2025

GS TEAM

Google News
Google News
વરસાદ ક્યારે અટકશે?                                      . 1 - image


ઉત્તર અને પૂર્વ ભારતમાં તોફાની વરસાદ હજુ ચાલુ છે. બે-ચાર વરસે ક્યારેક જ ફાટતા વાદળ હવે વારંવાર ફાટી પડે છે. વરસાદ અટકવા અંગે પૂનાની વેધશાળાએ કરેલી આગાહીઓ વારંવાર ખોટી પડી છે. સરકાર હજુ વરસાદને સંકટરૂપે જોતી નથી. કેન્દ્રનું તો વરસાદી આપત્તિ તરફ ધ્યાન જ નથી ને એકલા રાજ્યો પહોંચી વળે એમ નથી. આજકાલ માત્ર ભારતીય પ્રજા જ હવામાનની ફરંગટી ખાઈ રહી છે એવું નથી. દુનિયાના તમામ દેશો ઋતુચક્રની અનિયમિતતાથી અવરોધાયેલા છે. ભારતમાં જેને આપણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કહીએ છીએ એના મૂળ છેક ધ્રુવ પ્રદેશો સુધી ફેલાયેલા છે. મનુષ્ય મૂળભૂત રીતે શાંતિપ્રિય છે. કોઈ પણ પ્રકારની અશાંતિ એને અપ્રિય છે જે એના જીવન પ્રવાહને અવરોધે છે. બહુ બારીક રીતે જુઓ તો શાંતિ સ્થાપવાની ઉતાવળમાં જ અશાંતિ સર્જાયેલી છે. પ્રાચીનકાળમાં વન-ઉપવનમાં રાજાઓ લતામંડપ નીચે મધ્યાહન પસાર કરતા. રાતે ચન્દ્ર દર્શન માટે દરેક દિશામાં અટારીઓ હતી.

યથા રાજા તથા પ્રજા. સામાન્ય નાગરિકો પણ સમી સાંજે કે પૂનમની રાતે સરોવરમાં નૌકા વિહાર કરવા જતાં. ધર્મ કે અધ્યાત્મનો આશ્રય પણ માણસ જાતે ખરેખર તો શાંતિની શોધમાંથી જ લીધો છે. એ બહુ વગોવાઈ ગયેલા તથ્યો છે કે ધર્મને કારણે જ અધર્મ આચરવામાં આવે છે. અફઘાનિસ્તાન એનું છેલ્લું દ્રષ્ટાન્ત છે. ધર્મમાંથી મનુષ્ય ક્યારે ધર્માન્ધતામાં સરી પડે છે એનું એને ખુદને પણ ભાન રહેતું નથી. આવનારા દાયકાઓમાં માણસજાતે શુદ્ધ હવા અને નિર્મળ વાતાવરણની શોધ કરવાની રહેશે. ભટકતી વણઝારની જેમ લાખો લોકો શહેરો છોડતા જોવા મળશે.

પૃથ્વી પર હવામાનનું સંચાલન આપણે માનીએ છીએ કે આપણી ઉપરના આકાશ અને એમાં વહેતા પવન ઉપરથી થાય છે પરંતુ ખરેખર એવું નથી. બહુ દૂર દૂરથી આપણા હવામાનનું સંચાલન થાય છે. એને કારણે વાતાવરણ જ્યારે બદલાય છે ત્યારે ખ્યાલ નથી આવતો કે એકાએક આ પરિવર્તન કેમ થયું ? પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ ધ્રુવ પર અનેક પ્રકારના હવામાન સંજોગો આકાર લેતા હોય છે. ઉત્તર અને દક્ષિણ ધ્રુવ બંનેની ઉપર અંદાજે એક-એક હજાર કિલોમીટરના ઘેરાવામાં હવાના હળવા દબાણ રચાયેલા હોય છે. આમ તો એ એક પ્રકારનું વાતાવરણ હોય છે.

આપણે ત્યાં દર ચોમાસે બંગાળના અખાતમાં જ્યારે હવાનું હળવું દબાણ સર્જાય ત્યારે એનું સ્વરૂપ ઝંઝાવાતનું હોતું નથી, પરંતુ જ્યારે 'લોક' થયેલો હવાના હળવા દબાણનો એ આખો પટ કોઈ એક છેડેથી તૂટે ત્યારે તેમાં રહેલા શૂન્યાવકાશની પરિપૂત કરવા ચારેબાજુથી વાદળોનો જે ધસારો થાય છે એ જ ઝંઝાવાત બની જાય છે. નવા સંશોધનો કે જે ધ્રુવ પ્રદેશોમાં ધામા નાંખીને પડયા રહેતા વૈજ્ઞાનિકોએ જાહેર કર્યા છે તે તો આવનારા અનેક નવા ઝંઝાવાતોનો સંકેત આપે છે.

એ વૈજ્ઞાનિકો ધ્રુવ પ્રદેશો પરના તપસ્વીઓ છે જે વૈજ્ઞાનિક રીતે પૃથ્વી પર આવનારી આપત્તિઓની આગાહી કરે છે. દક્ષિણ ધ્રુવ અને ઉત્તર ધ્રુવ પર જે હજાર કિલોમીટરના ઘેરાવામાં હવાનું હળવું દબાણ હોય છે તે ચક્રાવર્તિત હોવાથી સ્વયં એક ઝંઝાવાત જ હોય છે જેને પોલર વોરટેક્સ કહેવામાં આવે છે. પોલર વોરટેક્સની અનિયંત્રિત અને સતત ચક્રાવતત ગતિને કારણે હિમવર્તી પવનોએ વાતાવરણ પર કબજો જમાવી દીધો છે. જે રીતે આખું ઉત્તર ભારત હિમાલયની તળેટીમાં હોય એવો આભાસ આ શિયાળાએ કરાવ્યો છે તેવો જ ભાસ સમગ્ર ઉત્તર ગોળાર્ધના દેશોને ઉત્તર ધ્રુવની તળેટીમાં હોવાનો થઈ રહ્યો છે. અમેરિકામાં સતત નવા નવા હવામાન સંકટોનો લાંબો દૌર ચાલે છે. જગતકાજી એમાં લાચાર છે.

આપણા દેશમાં જે ખેડૂતો આત્મસૂઝથી ખેતી કરે છે તેઓ જ ખેતીમાં સોના ઉગલે ઉગલે હીરે મોતી પામી શકે છે. તેમને ખરેખર જ દેશના દિલ્હી તખ્તા પરથી જે વારતાઓ થાય છે એવી આધુનિક ટેકનોલોજી અને પૂર્વાનુમાનનો લાભ મળતો થાય તો તેમની ખેતીવાડીમાં કમાલ થઈ જાય. આ વરસે પૃથ્વીના સ્વયમેવ માલિક બની બેઠેલા મનુષ્યને કુદરતે ઘણા સમય પછી વિભૂતિ આપી છે. આ એક ઘણા લાંબા સમયથી ચાલુ થયેલો સિલસિલો છે પરંતુ એના પ્રચ્છન્ન અનુભવો એકીકૃત થઈને ભાગ્યે જ માનવજાતનું ધ્યાન આકષત કરી શક્યા છે. પ્રજાજનોમાંથી કોઈ પર્યાવરણીય ચિંતાને પોતાનો વિષય ક્યાં માને છે ? પરંતુ હવે હવામાનની ગતિ એવી છે કે માનવજાતે પર્યાવરણમાં જ વધુમાં વધુ ધ્યાન આપવું પડશે.

Tags :