Get The App

મૌસમ (નહિ) હૈ આશિકાના .

Updated: May 6th, 2026

GS TEAM

Google News
Google News
મૌસમ (નહિ) હૈ આશિકાના                                                   . 1 - image

નવા નાણાંકીય વર્ષની શરૂઆત સાથે જ આમ તો એ ખ્યાલ આવી ગયો છે કે બધી જ રીતે આ વરસ મોસમી સંકટનું વર્ષ છે. આપણી આબોહવાનો રાજા સૂર્ય છે અને સૂર્યના તાપમાનની ગતિવિધિઓ પરથી ઋતુચક્ર નિર્માણ થતું હોય છે. ભારતીય ખગોળશાસ્ત્રીઓ અને હવામાનવેત્તાઓએ ચૈત્ર સુદ એકમથી જ ભારતીય નવા વર્ષની શરૂઆત માની હતી અને હજારો વર્ષો સુધી એ પરંપરા આપણે ત્યાં જળવાઈ હતી. ચૈત્ર મહિનાની એકમ પછી જ ખબર પડે છે કે આગામી એક વર્ષ કેવું પસાર થવાનું છે. ભારતીય પંચાંગના જુના ગણિત પ્રમાણે ભારતીય ઋતુચક્રનું અને તદજન્ય ફલશ્રુતિઓનું આરંભબિંદુ ચૈત્ર સુદ એકમ છે. હવે તો ચૈત્ર પછી વૈશાખનો ઉત્તરાર્ધ આવ્યો છે એણે આગામી આખા વર્ષનો અણસાર આપી દીધો છે. એટલે કે આ ચૈત્રથી આવતા ફાગણ મહિના સુધી હવામાનના અકલ્પિત પલટાઓ અને અણધારી આફતો માટે પ્રજાએ તૈયાર રહેવું પડશે.

જે રીતે આજકાલ પૂનાની સરકારી વેધશાળાના વિદ્વાનો કહે છે તે રીતે તો આ સુપર અલનિનોનું વરસ છે. જો સરકારે ફાટેલા આભને થીંગડાં મારવાનું કામ ચાલુ કરવું પડશે. છતાં પણ આસમાનનો ખાડો સુલતાન ન પૂરી શકે. દેશના કૃષિક્ષેત્રમાં પાણીની જે અછત વરતાવાની છે એની પરિપૂર્તિ સરકાર કરી શકશે નહિ. ખેડૂતોએ પણ પોતાની વિવિધ ડિમાન્ડો, નિવેદનો અને આંદોલનોમાંથી નવરાશ મળે ત્યારે પોતાની જાતને પૂછી લેવું જોઈએ કે આપણે ખેતરમાં કોઈ ઝાડ રહેવા દીધા છે ખરા? એક તલભાર જગ્યા પણ કુદરતને આપી છે? માત્ર રોકડિયા પાકથી ધરતીનું થાય એટલું દોહન કરી લીધું અને હવે આકાશ તરફ જોઈને પૂછો કે વરસાદ કેમ નથી આવતો અથવા તો આટલો બધો તાપ કેમ પડે છે - તો એનો જવાબ ખરેખર તો આપણી પોતાની જીવન શૈલીમાં જ છે. એમાં હવામાનશાસ્ત્રીઓ પાસે દિમાગ લડાવવા જવાની જરૂર જ ક્યાં છે ? 

ચૈત્ર મહિનાના અનહદ તાપને કારણે હવા પાતળી પડી જતાં બંગાળના અખાતમાં બહુ જ એડવાન્સ હળવા દબાણની સિસ્ટમ આ વખતે વિકસિત થઈ હતી જેને લોકસમજ અને સાવચેતી માટે માવઠાઓની લાંબી વણઝાર કહેવામાં આવી. હજુ પણ ઉત્તરીય ભારત પર એનો પ્રભાવ છે. હકીકતમાં સૂર્યકિરણો પૃથ્વી પર પડે ત્યારે હરિયાળા પટ (ગ્રીન ચેનલ )ના મોટા પટ હોવા જોઈએ એ હવે નથી. એટલે વાતાવરણમાં ઉષ્ણતા ઘટાડી આપનારા પરિબળોમાં જ ઘટાડો થયો છે. ચોમાસા પહેલાના દિવસોમાં હળવી પૂર્વવર્ષા છાલક ઉડતી હોય છે જેને પ્રિમોનસૂન શાવર કહેવાય છે. બંગાળના અખાતમાં આ સપ્તાહના આરંભે વિકસેલી સિસ્ટમને કારણે હવામાનશાસ્ત્રીઓએ કહ્યું કે આનાથી હવે પ્રિમોનસૂન શાવરમાં પચીસ-ત્રીસ ટકાનો ઘટાડો થશે. હકીકતમાં આ પ્રકારના ગ્રીષ્મકાલીન વરસાદી ઝંઝાવાતો કે કમોસમી માવઠાઓ આગામી વર્ર્ષ ઋતુનું ગર્ભસ્ખલન કહેવાય છે. એને કારણે આગામી ચોમાસામાં એક પ્રકારની અપંગતા આવે છે. એને પેરેલાઈઝડ મોન્સૂન કહેવાય. આ વરસની આબોહવા એ તરફ ગતિ કરી રહી છે. ઉતાવળે બંધાતા અને ઉતાવળે વરસતા વાદળા કોઈ કામના હોતા નથી, જિંદગીમાં અને હવામાનમાં આ તો એક સિદ્ધાન્ત છે. આ વખતે ક્ષિતિજે તો એવું જ ચિત્ર દેખાય છે.

છતાં ચોમાસાના પાકા વરતારા માટે આ કંઈ સમય નથી. આગામી ચોમાસાની અસલી કુદરતી રચનાને હજુ વાર છે. સ્કાયમેટ જેવી હવામાન કંપનીઓએ આગાહીની શરૂઆત તો કરી દીધી છે પણ એ ઉતાવળી છે. હિન્દ મહાસાગર અને અરબી સમુદ્રના આંતર પ્રવાહો પણ બદલાયા છે એ ન દેખાતું છતાં મોટું જોખમ છે. સમુદ્રના ભીતરી પ્રવાહોનું ઉષ્ણતામાન પણ ઊંચે ગયેલું છે. એને કારણે સપાટીના વધતા તાપમાનને સામાન્ય થવાનું હવે સુગમ નથી. એથી જ હવે ખંડવૃષ્ટિના વરસોની શરૂઆત થવાની છે. ગુજરાતમાં તો પૂર્ણ દુષ્કાળમાં હોય એવા જ પાણીના પોકારો સંભળાશે. એની શરૂઆત થઈ ગઈ છે. ગઈ વિધાનસભાની ચૂંટણી જીતવા ચૂંટણી પહેલા ભાજપ સરકારે આડેધડ નર્મદા ડેમનું જે લાખો અને લાખો ગેલન પાણી વહાવી દીધું એને કારણે સ્વયં નર્મદા ડેમની જ સાયકલ તૂટી ગઈ છે. ભાજપ સરકારે માન્યું હશે કે ચોમાસું આવશે એટલે આપણું પરાક્રમ ઢંકાઈ જશે.