ગૃહિણી કેરીથી વિમુખ છે .
મોંઘવારીને કારણે આ સિઝનમાં કેરીનો ઉપાડ ઓછો થાય છે. કેસર કેરીની ખરી મોસમની હવે શરૂઆત છે. એની જાણ વેપારીઓને થઈ, કારણ કે દરેક મોસમના વિવિધ ફળફળાદિ માટેનું બજેટ ગૃહિણીએ રોજબરોજના શાકભાજીમાં જ વાપરી નાખવું પડે છે. કોઈ વાર લીંબુ તો કોઈ વાર ટમેટા ઊંચી છલાંગ લગાવે છે. અને પછીથી એના સરેરાશ બોટમ લાઈનના ભાવ પણ અગાઉ કરતાં ઊંચા રહે છે. આ રીતે બજાર ક્રમશઃ ઊંચકાઈ રહી છે. આ નવા નવા ભારથી ગૃહિણી મુંઝાયેલી છે. આવક ઓછી છે કે મોંઘવારી વધુ છે એ પ્રશ્ન એના અંતઃકરણને સતાવી રહ્યો છે. આ દુઃખમાં એ એકલી છે.
ફુગાવો નાથવામાં સરકાર અને કામયાબી વચ્ચેની ખાઈ વધુને વધુ ગહન થતી જાય છે. રિઝર્વ બેન્કના કેન્દ્રને આજ્ઞાાંકિત ગવર્નર પણ ફુગાવો નાથવામાં નિર્મલા સીતારામન સાથોસાથ એકસરખા ગોથાં ખાઈ રહ્યા છે. દેશના અર્થતંત્રને એક નૂતન વળાંક આપવા કાજે વડાપ્રધાને વિવિધ સોળ મંત્રાલયોના પારસ્પરિક જોડાણથી દેશની આથક નવરચના માટે ગતિશક્તિ યોજનાની શરૂઆત કરી છે. આમ તો આ યોજના અન્ય સંખ્યાબંધ યોજનાઓનું ડેવલપમેન્ટ લિંંકિંગ છે.
અર્થશાસ્ત્રમાં જે કેટલીક ઈનોવેટિવ પ્રણાલિકાઓ છે એનો ભારતમાં ખરેખર જો અમલ થશે તો એનો ફાયદો આખા એશિયાના ઈકોનોમિક પરિદ્રશ્યને થશે. પરંતુ અમલવારી આપણે ત્યાં બહુ પડકારરૂપ હોય છે. મિસ્ટર મોદી ગતિશક્તિ માટે કેટલી ગતિ અને કેટલી શક્તિ દાખવી શકે છે એ જોવાનું રહે છે. વિવિધ આંતરરાષ્ટ્રીય એજન્સીઓએ ભારતના વિકાસદરનો અંદાજ સતત ઘટાડતા રહેવાનો ક્રમ ચાલુ રાખ્યો છે. અગાઉ ભારતીય રિઝર્વ બેન્કે પણ વિકાસદરનો અંદાજ ઘટાડયો હતો.
ભારત એક વિરાટ મિડલ ક્લાસ માર્કેટ છે. તો પણ છેલ્લા કેટલાક સમયથી નાના પગારદારોની ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે. જોકે દુનિયાભરના ઉત્પાદકોને ભારતનું આકર્ષણ તો રહેવાનું જ છે. આટલી વિરાટ જનસંખ્યાને કારણે રૂપિયો ફરતો રહેવાનો છે. એટલે વિશ્વબેન્ક જે મંદીનું બ્યુગલ બજાવે છે તેની તો સૌથી ઓછી અસર ભારતમાં થશે. સંયુક્ત રાષ્ટ્રસંઘ છેલ્લા ઘણા સમયથી વૈશ્વિક મંદીની નોબત વગાડે છે. રાષ્ટ્રસંઘના અર્થશાીઓએ કહ્યું છે કે દુનિયાના તમામ દેશોની સરેરાશ સ્થિતિ છેલ્લા એક દાયકામાં સૌથી તકલીફ અનુભવવા તરફ છે. એટલે કે દુનિયાનો સાર્વત્રિક વિકાસ દર પણ ઘણો નીચો જશે. ઉપરાંત વિવિધ દેશો વચ્ચેના વૈમનસ્યને કારણે પણ નવી આર્થિક પ્રગતિ હાંસલ કરવામાં અનેક અંતરાય ઊભા થશે. ભારતમાં રવિપાકની મોસમ જામી છે અને વરસે એક જ પાક લેવા ટેવાયેલા લાખો ખેડૂતોએ આ વરસે બીજા પાકમાં પણ ઝંપલાવ્યું છે. એનું કારણ કે પાછલા સારા વરસાદને કારણે જળના તળ ઊંચા આવી ગયા છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘે ભારતના વૃદ્ધિદરનો અંદાજ એકવાર ૬.૮ ટકા એટલે કે સાત ટકા જેટલો રાખ્યો હતો. ત્યારના એટલા ઊંચા વિકાસ દરનું એક કારણ એ પણ છે કે નોટબંધી પછી નાગરિકોના પૈસા બજારમાં થોડા સમય માટે ફરતા થયા હતા. ઉપરાંત કરન્સીમાં જ બચત રાખવાને બદલે નવાં નવાં રોકાણોમાં શ્રીમંતો વળ્યા હતા, જેની પ્રાસંગિક સકારાત્મક અસર વિકાસદર ઉપર થઈ હતી. અર્થશાસ્ત્રીઓ માને છે કે ત્યારે પણ દેશના ઔદ્યોગિક ઉત્પાદનો, સેવાઓ અને કૃષિક્ષેત્ર દ્વારા હાંસલ કરવાપાત્ર વિકાસ દર તો પાછળ જ રહ્યો હતો. નવાં રોકાણોનો એ તબક્કો પૂરો થતાંવેંત જ આખરે વિકાસ દર નીચે આવી ગયો હતો.
ઇન્ટરનેશનલ મોનિટરી ફન્ડ (આઇએમએફ)ના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુકના એપ્રિલ ૨૦૨૫ની એડિશન, ભારતનું અર્થતંત્ર ૨૦૨૫માં ૬.૨ ટકા અને ૨૦૨૬માં ૬.૩ ટકાના દરે વિકસી શકે તેમ છે. દુનિયાની ટોચની વિવિધ નાણાંકીય અને અર્થશાસ્ત્રીય સર્વેક્ષણ સંસ્થાઓએ આગામી એક વરસ સુધી વૈશ્વિક આર્થિક ચિત્ર વિકાસના બહુ ઊંચો કૂદકો મારી શકે એમ નથી એવી દહેશત વ્યક્ત કરી છે. યુક્રેન યુદ્ધનો પણ વૈશ્વિક પ્રભાવ છે. રોજગારીના નવા વિકલ્પો શોધવા માટે શહેરીજનોમાં એક વ્યાકુળ દોડ ચાલુ થઈ છે અને ભારત પણ તેમાંથી બાકાત નથી. દેશના અર્થતંત્ર સાથેનો શેરબજારનો સંબંધ હવે પહેલાં જેવો સંવેદનશીલ નથી. મંદીના આંચકા પચાવીનેય બજાર રહસ્યમય રીતે પોતાનો ચળકાટ જાળવે છે અને એટલે જ એ ચાલ મહત્ અંશે ભેદી છે.