અમેરિકી રાષ્ટ્રપ્રમુખને એની સંસદે યુદ્ધમાં આરપાર ઉતરવા અમર્યાદિત સત્તાઓ નવેસરથી આપી છે. યુદ્ધ મર્યાદિત કરવાનો ઠરાવ અમેરિકી સેનેટે બહુમતે ફગાવી દીધો છે. કપિરાજને મદ્યપાન કરાવવાની આ ચેષ્ટા છે. ગઈકાલે અમેરિકાએ કેલિફોર્નિયા નજીક પરમાણુ શસ્ત્રો વહન કરી શકે એવી નમૂનારૂપ બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું છે જે ઈરાનને છડેચોક ધમકી છે. ઈરાન પાસે મર્યાદિત શસ્ત્ર ભંડાર છે. ઈરાક જેવી જ લગભગ હાલત છે. યુદ્ધ લાંબું ચાલે તો એની દશા ઊઘાડા પડી જવાની થશે. છતાં ગઈકાલના ઈરાનના આઝરબૈજાન પરના હુયલાની જેમ એ દરરોજ નવા મોરચા ખોલે છે. પરાજિત થનારાઓને પતનની જાળ વહેલા ગૂંથવાની ટેવ હોય છે. અમેરિકા કે જે તાલિબાનો અને ઈસ્લામિક સ્ટેટ ફોર લેવેન્ટ સામે પછડાટનો અનુભવ ધરાવે છે તેને માટે પણ એકચક્રી વિજય સંભવ નથી. યુદ્ધ લાંબું ચાલશે એ પક્ષકારોનો એક સહિયારો દંભ છે. ખરેખર યુદ્ધ લાંબા ચલાવવાની જે તાકાત પહેલા અને બીજા વિશ્વયુદ્ધના દેશો પાસે હતી તે આજના દેશો પાસે નથી.
અમેરિકાએ ઇઝરાયલ સાથે મળીને વૈશ્વિક વર્ચસ્વ જાળવી રાખવા અને પોતાની સામ્રાજ્યવાદી મહત્ત્વાકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે ઇરાન પર યુદ્ધ લાદ્યું હોવા છતાં, આ યુદ્ધનાં દૂરોગામી, વિનાશક પરિણામો સમગ્ર વિશ્વને ભોગવવા પડશે. આ સંઘર્ષે સમગ્ર પશ્ચિમ એશિયાને ઊંડા સંકટમાં ધકેલી દીધું છે. વિનાશની અણી પર રહેલા ઇરાને તેના પડોશીઓનાં વ્યાપારી અને ઔદ્યોગિક મથકો પર શ્રેણીબદ્ધ હુમલાઓ શરૂ કર્યા છે, જેનાથી મધ્ય પૂર્વમાં એક મોટું આર્થિક સંકટ સર્જાયું છે. લાખો લોકો તેમની નોકરીઓ માટે જોખમનો સામનો કરી રહ્યા છે, ખાસ કરીને લાખો ભારતીય કામદારો માટે. ઇરાનની બદલાની કાર્યવાહીથી પશ્ચિમ એશિયામાં વધતી જતી કટોકટીએ આ ક્ષેત્રમાં આર્થિક ઉથલપાથલ ઉભી કરી છે. યુદ્ધના અવનવા ઘટનાક્રમો અને વળાંકના વૃત્તાંત પૂરપાટ વહેતી દોન, એમેઝોન, યાંગત્સેક્યાંગ અને ગંગાની જેમ વહેવા લાગ્યા છે.
મુખ્ય વૈશ્વિક શિપિંગ માર્ગો પરના જોખમે ઊર્જા બજારને ગંભીર અસર કરી છે. હોર્મુઝની સામુદ્રધુની નજીક થયેલા હુમલાઓએ પહેલાથી જ ક્રૂડ ઓઇલ અને લિક્વિફાઇડ નેચરલ ગેસ (ન્શય્)ના પરિવહનને વિક્ષેપિત કરી દીધું છે. હોર્મુઝ સ્ટ્રેટ વૈશ્વિક તેલ પુરવઠાના લગભગ પાંચમા ભાગ માટે એક વ્યૂહાત્મક માર્ગ છે. જોકે, વર્તમાન સંઘર્ષને કારણે, જહાજ વીમા કંપનીઓએ યુદ્ધ-જોખમ અંગેનું વીમા કવચ પાછું ખેંચી લીધું છે. આ પેટ્રોલિયમ અને અન્ય ઉત્પાદનોના નૂર ખર્ચમાં વધારો કરી રહ્યું છે. યુદ્ધના વિનાશને કારણે, ઘણાં જહાજોએ તેમના રૂટ બદલી નાખ્યા છે. કેટલીક શિપિંગ કંપનીઓએ તેમનાં કામકાજ સ્થગિત કરી દીધા છે. તેનું તાત્કાલિક પરિણામ ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર વધારો છે, જેના કારણે બ્રેન્ટ ક્રૂડના ભાવમાં અભૂતપૂર્વ વધારો થયો છે. તેમાં કોઈ શંકા નથી કે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો આગામી દિવસોમાં વૈશ્વિક ફુગાવાના દબાણમાં વધારો કરશે. આ વિકાસશીલ અને ગરીબ દેશોના આર્થિક સંકટને વધુ ઘેરું બનાવશે.
બીજી તરફ, વિકાસશીલ દેશોની સરકારોને હવે વિકાસ કાર્યક્રમો માટે નાણાંકીય સંસાધનો એકત્ર કરવામાં અઢળક નવા ને અવનવા પડકારનો સામનો કરવો પડશે. આ દેશોની કેન્દ્રીય બેંકોને પણ ફુગાવા અને વૃદ્ધિ વચ્ચે સંતુલન જાળવવામાં મુશ્કેલી પડશે. ખરેખર, પેટ્રોલિયમ અને તેનાં ઉત્પાદનો પર આધાર રાખતા પરિવહન, રસાયણ અને પ્લાસ્ટિક ઉદ્યોગો પણ તાજેતરમાં વધતા ખર્ચનો સામનો કરી રહ્યા છે. આનાથી આ ઉદ્યોગોના નફામાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે અને આ એ ક્ષેત્રોમાં રોકાણ ધીમું થઈ શકે છે. બીજી બાજુ વૈશ્વિક પુરવઠા શૃંખલાઓમાં સમસ્યાઓ વધવાની છે. એ વાત જાણીતી છે કે ભારત હજુ પણ તેની સ્થાનિક જરૂરિયાતો પૂરી કરવા માટે ૮૦ થી ૯૦ ટકા ક્રૂડ ઓઇલની આયાત કરે છે. આ ક્રૂડ ઓઇલનો લગભગ ૪૦ ટકા ભાગ પશ્ચિમ એશિયામાંથી આવે છે. વર્તમાન પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે, હોર્મુઝ સ્ટ્રેટમાં વિક્ષેપો અને વધતા ભૂરાજકીય જોખમોએ ભારતના તેલ આયાત બિલમાં વધારો થવાની શક્યતા બતાવી છે.
આ ઘટનાઓ દેશની રાજકોષીય ખાધ પણ વધારી શકે છે. ક્રૂડ ઓઇલના ભાવમાં પ્રતિ બેરલ ૧૦ ડોલરનો વધારો પણ આયાત ખર્ચમાં નોંધપાત્ર વધારો કરી શકે છે. ચાલુ કટોકટી વચ્ચે, ખાસ કરીને ગલ્ફ ક્ષેત્રમાં નિકાસ માટે રચાયેલ વેપાર કોરિડોર જટિલ પડકારોનો સામનો કરી રહ્યા છે.


