FOLLOW US

શાહબાઝનું ડોલતું આસન

Updated: Mar 5th, 2023


શાહબાઝનું ડોલતું આસન

ઈરાની સ્ત્રીઓને દુનિયાભરની ક્રાન્તિકારી અન્ય સ્ત્રીઓનું સમર્થન મળતાં પરિસ્થિતિ વણસી છે અને ઈરાની સરકારે પોતે બુરખો ઓઢી લપાઈ જવાની સ્થિતિ આવી છે કારણ કે રૂઢિચુસ્ત મુસ્લિમ દેશો ઈરાન સરકાર પર માછલાં ધોઈ રહ્યા છે. જમ્મુ અને કાશ્મીરને પાકિસ્તાન પોતાની પસંદગીનું કુરુક્ષેત્ર માને છે. પાકિસ્તાનના કોઈપણ વડાપ્રધાન વ્યક્તિત્વશૂન્ય હોય છે કારણ કે તેઓ પાક. સેનાધિકારીઓનું માત્ર મહોરું બનીને રાજપાટ ચલાવતા હોય છે. એમાં પણ વર્તમાન વડાપ્રધાન શેહબાઝ શરીફ કંઈ કરી શકે એમ નથી. સમગ્ર પાકિસ્તાનના ઉર્દૂ મીડિયામાં એ વાત અતિ પ્રસિદ્ધ છે કે મિસ્ટર શેહબાઝને પાક. સૈન્યનું સમર્થન હાંસલ છે. શેહબાઝ પોતે પણ ઇમરાનની જેમ જ લશ્કરની આંગળી પકડીને સર્વોચ્ચ સત્તા સ્થાને પહોંચેલી માયા છે. પણ હવે એમનું આસન ડોલવા લાગ્યું છે.

પાકિસ્તાન અત્યારે સમસ્યાઓનું એક જીવતું જાગતું મ્યુઝિયમ છે. દેશ આખો દેવામાં ડૂબેલો છે. સામાન્ય જનજીવનમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધતું જાય છે. કરાંચીમાં તો નાગરિકોના આંતરિક વિવાદમાં પોલીસ જલદી ઝંપલાવતી નથી. કરાંચીમાં જ એવા અનેક વિસ્તારો છે જ્યાં અંધારી આલમના એવા પડાવ છે કે પોલીસ ટુકડીઓ એ તરફ ફરકતી જ નથી. ઈસ્લામાબાદમાં પણ દરેક રાજદૂતાવાસોને સૈન્ય સુરક્ષા આપવી પડે છે. દરેક રાજદૂતો પોતાની સુરક્ષા માટે આગવી વિજિલન્સ પ્રણાલિકા ધરાવે છે કારણ કે એમને સૈન્ય સુરક્ષા પર પણ પૂરતો ભરોસો નથી. શેહબાઝે સમજીને જ વિદેશના મોટા ગજાના નેતાઓને પોતાના શપથગ્રહણ સમારંભમાં બોલાવ્યા ન હતા.

અત્યારે પાકિસ્તાનનું સૈન્ય આતંકવાદીઓને આગળ ધકેલીને ભારતના સૈન્યથાણાંઓ પર નિશાન લગાવવાની વ્યૂહરચના પર કામ કરે છે. છેલ્લા સાતેક વરસથી ભારતીય સૈન્ય ટુકડીઓ પર હુમલાઓનો દૌર પાકિસ્તાને ચાલુ જ રાખ્યો છે. એ તો હવે સહુ જાણે છે કે પાકિસ્તાની સૈન્યમાં હવે આતંકવાદીઓની એક આખી રેજિમેન્ટ છે. અત્યારે શેહબાઝ આ આતંકવાદીઓનો ઉપયોગ અફઘાનિસ્તાન અને ભારત માટે કરે છે. શેહબાઝ શરીફ ભારત માટે આજ સુધીનો શત્રુરાષ્ટ્રનો સૌથી ખતરનાક વડાપ્રધાન પુરવાર થવાની શક્યતા છે. ભારતીય જાસૂસી સંસ્થાઓ એ હકીકત જાણે છે, શેહબાઝના સત્તારોહણ પહેલા એટલે જ ભારતે કાશ્મીરમાં યુદ્ધસ્તરનું અંતિમ વલણ અખત્યાર કરી લીધું હતુ.

પાકિસ્તાની સૈન્ય અભ્યાસીઓએ વિવિધ આંતરરાષ્ટ્રીય પરિસંવાદોમાં ભારતીય લશ્કરને કોલ્ડ સ્ટાર્ટ પ્રણાલિકાનો સિદ્ધાન્ત ધરાવતું સૈન્ય કહ્યું છે. જેને કારણે શત્રુને અંદાજ જ આવતો નથી કે પ્રતિસ્પર્ધી શું કરી રહ્યા છે, અત્યારે જમ્મુ અને કાશ્મીરના આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં ભારતીય લશ્કર આ જ પદ્ધતિ દાખવે છે. દુનિયાભરના સૈન્ય અભ્યાસમાં ભારતની કોલ્ડ સ્ટાર્ટ સિસ્ટમ વખણાય છે, જે ભારતે વારંવાર પાકિસ્તાન સામે અજમાવી છે. જૈશ-એ-મોહમ્મદના તમામ આતંકવાદીઓને પાક. સેનાધિકારીઓએ ભારતીય લશ્કરી થાણાઓ પર દગાબાજીથી છૂપો વાર કરવા માટે તૈયાર કરેલા છે. જૈશ-એ-મોહમ્મદ સંપૂર્ણ રીતે તાલિબાનોની મોડેસ ઓપરેન્ડીને અનુસરે છે. શાહબાઝ શરીફે અગાઉ જ જાહેર કર્યું છે કે એની કેબિનેટમાં આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક પદવીઓ ધરાવનારા અનુભવી વિદ્વાનોનો મોટો કાફલો છે. પણ ખરેખર એવું નથી. એમાં અનેક બાઘાછાપ મુદ્રા ધરાવતા અણઘડ નેતાઓ પણ છે.

પાકિસ્તાનની સૌથી મોટી સમસ્યા અમેરિકા સાથે સતત કથળતા જતા સંબંધો છે. અમેરિકાનો ભારત તરફનો ઝુકાવ સતત વધતો જાય છે અને પાકિસ્તાનને આપવાની સહાયમાં કાપ મુકાતો જાય છે. પાકિસ્તાને જ્યારથી ચીન સાથે દોસ્તી વિકસાવી છે અને એમાં હવે કંઈ ખાનગી રહ્યું જ નથી ત્યારે શાહબાઝ ખાન માટે પાક-અમેરિકા સંબંધોના કોયડાઓ ઉકેલવા એક મોટો પડકાર છે. છેલ્લાં ત્રણ-ચાર વરસમાં ભારતનું આંતરરાષ્ટ્રીય લોબિંગ વધ્યું છે જે ડગલે ને પગલે પાકિસ્તાનને હવે નડે છે. જો બાઈડને પાકિસ્તાનને નવેસરથી ટુકડાઓ ફેંકવાની શરૂઆત કરી છે. એશિયામાં પોતાનો પગદંડો મજબૂત કરવા અને ભારત વિરોધી પરિબળોને પ્રોત્સાહન આપવા બાઈડને પાકિસ્તાન માટે નવી સહાયો મંજુર કરેલી છે.

શાહબાઝ કે શેહબાઝની સરકાર પર ઇમરાનની બાજ નજર ચકરાવા લે છે. ઈમરાનને પ્રજાનું સમર્થન છે પણ એમ કંઈ સીધી સત્તા મળવાની નથી. વચગાળામાં પાકિસ્તાની સૈન્યનું શાસન નક્કી છે. ઘણા લાંબા સમયથી આમ પણ સૈન્યે સત્તાનો આસ્વાદ લીધો નથી તે એને મળશે. ઈમરાન ખાન પર થયેલા ખૂની હુમલા પછી લોકોની ઈમરાન પ્રત્યેની સહાનુભૂતિ ઔર વધી ગઈ છે.


Gujarat
Magazines