થોડાક જ દિવસોના અંતરે પહેલા ઈન્દોરમાં અને પછી જયપુરમાં એક પછી એક સરખી બે ઘટના બની જેમાં પીવાના પાણીના નળની લાઈનમાં ગટરની લાઈન મિક્સ થઈ ગઈ જેને કારણે બને શહેરોમાં સંખ્યાબંધ લોકો બિમાર પડી ગયા અને એમાંના કેટલાકની હાલત ગંભીર થઈ ગઈ. ભારતમાં જળ સંસાધનોનું અસમાન વિતરણ અને ઝડપથી ઘટી રહેલા ભૂગર્ભજળ સ્તર ગંભીર કટોકટીનો સંકેત આપે છે. વધતો વપરાશ, પ્રદૂષણ અને નબળું સંચાલન પરિસ્થિતિને વધુ ખરાબ કરી રહ્યું છે. જયપુર અને ઈન્દોર સ્થાનિક સંસ્થાઓના મિસ-મેનેજમેન્ટનો ભોગ બન્યા છે. સમયસર સંરક્ષણ, રિચાર્જ અને અસરકારક નીતિગત હસ્તક્ષેપો વિના, પાણીની અછત આગામી વર્ષોમાં માનવ જીવન અને વિકાસ બંને માટે એક મહત્વપૂર્ણ પડકાર બની શકે છે. જે હાલત આજે પેટ્રોલિયમ પેદાશ માટે દુનિયાની થઈ છે તે જ દશા કૃષિ પેદાશો માટે પણ થઈ શકે છે.
ભારતમાં પાણીનું વિતરણ એકસરખું નથી. કેટલાક વિસ્તારોમાં તે પુષ્કળ પ્રમાણમાં છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં તે દુર્લભ છે. આજે, પાણીના નુકસાન અને પ્રદૂષણને અટકાવતી હાઈટેક અથવા પરંપરાગત પ્રાકૃતિક જળ વિતરણ વ્યવસ્થાની જરૂર છે. તેના સંરક્ષણના પ્રયાસો વિના, માનવ જીવન જોખમમાં મુકાશે. ભૂગર્ભ જળ પાણી પુરવઠાનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે. તેની યોગ્ય સાચવણ અને ઉપયોગ જરૂરી છે. ભારતના જળ સંસાધનોને જોતા, ભારત વિશ્વના જળ સંસાધનોના ૪ ટકા હિસ્સો ધરાવે છે. આ જથ્થાનો લગભગ એક તૃતીયાંશ ભાગ બાષ્પીભવન થાય છે, અને ૪૫ ટકા તળાવો અને નદીઓમાં નીચે ઢળતા ઢાળે તરફ વહે છે. ભારતીય ઉપખંડમાં ભૂગર્ભજળ વ્યવસ્થાપન ખૂબ જ જટિલ છે.
ભૂગર્ભજળ, પીવાનું પાણી પૂરું પાડવા ઉપરાંત, પૃથ્વીમાં ભેજ જાળવવામાં પણ મદદ કરે છે. આ પાણી પૃથ્વી પર ઉગતી વનસ્પતિ અને પાકને પણ પોષણ આપે છે. ભારત અન્ય દેશો કરતાં વાર્ષિક ધોરણે વધુ પ્રમાણમાં તાજા અને સ્વચ્છ પાણીનો વપરાશ કરે છે. છેલ્લા ચાર વર્ષના વિશ્વ બેંકના ડેટા અનુસાર, ઘરેલુ, કૃષિ અને ઔદ્યોગિક ઉપયોગ માટે વાર્ષિક ૭૬૧ અબજ ઘન મીટર પાણીનો ઉપયોગ આપણા દેશમાં થાય છે. વિડંબના એ છે કે ભૂગર્ભજળનું સ્તર પણ સતત ઘટી રહ્યું છે. ભૌગોલિક લેન્ડસ્કેપ પર નજર કરીએ તો, ભારતના ઉચ્ચપ્રદેશો ભૂગર્ભજળની ઉપલબ્ધિ માટે સંવેદનશીલ છે. અહીં ભૂગર્ભજળ ફોલ્ટ વેલી અને ફિશર જેવા ચોક્કસ ભૂસ્તરશાસ્ત્રીય માળખામાં જોવા મળે છે. બીજી બાજુ, ઉત્તર ભારતના કાંપવાળા મેદાનો હંમેશા ભૂગર્ભજળથી સમૃદ્ધ રહ્યા છે. જો કે, ઉત્તર અને પશ્ચિમી પ્રદેશોમાં ઝડપી ભૂગર્ભજળ શોષણ હવે અભૂતપૂર્વ પતન તરફ જઈ રહ્યું છે.
સહુ જાણે છે કે બોર કરો એટલે પાણી મળે જ એવું હવે નથી. ભૂગર્ભજળનું ઘટતું સ્તર મહારાષ્ટ્રના મરાઠવાડા, ઉત્તર પ્રદેશના બુંદેલખંડ અથવા બિહારના સીતામઢી સુધી લગભગ નથી જેવી સ્થિતિમાં છે. પંજાબ અને હરિયાણા જેવા રાજ્યોમાં ભૂગર્ભજળનું સ્તર ૭૦ ટકા સુધી ઘટી ગયું છે. ભારતના ૨૯ ટકા વિકાસ ઝોન હાલમાં ભૂગર્ભજળના સ્તરમાં ખરાબ સ્થિતિનો સામનો કરી રહ્યા છે. એવો અંદાજ છે કે ૨૦૩૦ સુધીમાં, આશરે ૬૦ ટકા વિકાસ ઝોન ગંભીર પરિસ્થિતિએ પહોંચી જશે. જો કે, પાણી સંરક્ષણ અને વ્યવસ્થાપન કાર્યક્રમોને અસરકારક રીતે અમલમાં મૂકવા માટે સમયાંતરે અનેકાનેક પગલાં લેવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે, ૧૯૪૫ માં, કેન્દ્રીય જળ આયોગની સ્થાપના કરવામાં આવી હતી, જે રાજ્યો સાથે મળીને, સમગ્ર દેશમાં જળ સંસાધનોના વિકાસ, નિયંત્રણ, સંરક્ષણ અને સંકલનને પ્રોત્સાહન આપે છે.
સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડની સ્થાપના ૧૯૭૦ માં કરવામાં આવી હતી. બોર્ડનું પ્રાથમિક કાર્ય ભૂગર્ભજળ સંસાધનોના સંચાલન, ટકાઉ અને વૈજ્ઞાાનિક વિકાસ માટે ટેકનોલોજી વિકસાવવાનું અને રાષ્ટ્રીય નીતિ દેખરેખ હેઠળ તેનો પ્રસાર કરવાનું છે.
યાદ કરી શકાય છે કે ગયા વર્ષે જ સુપ્રીમ કોર્ટે નદીના પ્રદૂષણમાં વધારો અને જાહેર આરોગ્ય પર તેની પ્રતિકૂળ અસરો અંગે કડક વલણ અપનાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે કહ્યુ હતું કે સ્વચ્છ પર્યાવરણ અને પ્રદૂષણમુક્ત પાણી એ મૂળભૂત અધિકારો છે, અને તે પૂરા પાડવા એ કલ્યાણકારી રાજ્યની બંધારણીય જવાબદારી છે. કોર્ટે એમ પણ કહ્યું કે બંધારણની કલમ ૨૧ જીવનના અધિકારની ખાતરી આપે છે, અને આ અધિકારમાં ગૌરવ સાથે જીવવાનો અને પ્રદૂષણમુક્ત પાણીનો અધિકાર સામેલ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે બંધારણની કલમ ૪૭ અને ૪૮ રાજ્યોને જાહેર આરોગ્યને પ્રોત્સાહન આપવા અને પર્યાવરણનું રક્ષણ કરવાનો આદેશ આપે છે. જંગલો, નદીઓ, તળાવો અને જંગલી પ્રાણીઓ જેવા કુદરતી સંસાધનોનું રક્ષણ કરવું એ દરેક નાગરિકની ફરજ પણ છે.


